કોરોના સામેનો જંગ :- ઇતિહાસમાંથી શું શીખવા મળે? - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 9 મે, 2021

કોરોના સામેનો જંગ :- ઇતિહાસમાંથી શું શીખવા મળે?

 

                ક્યારેય કોઈએ વિચાર્યું છે કે આપણને શાળામાં ઇતિહાસ કેમ ભણાવવામાં આવતો? જે ઘટનાઓ ઘટી ગઈ છે, જે ભૂતકાળ છે એને ભણવાનો શો મતલબ? વર્તમાન કે ભવિષ્યની યોજનાઓની ચર્ચા કરવાને બદલે ભૂતકાળની ઘટનાઓને વાગોળવાનો શો મતલબ? આ પ્રશ્નના જવાબમાં માત્ર એટલું જ કહી શકાય કે આજે તમે જે પરિસ્થિતિ કે ઘટનાઓના સાક્ષી બની રહ્યા છો અથવા જે તકલીફો ભોગવી રહ્યા છો એના મૂળ તથા એનો ઇલાજ તમારા ઇતિહાસમાં છે. એ કેવી રીતે? ચાલો સમજીએ...

                ઈ. સ. ૧૧૯૧માં તરાઈના પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને ખરાબ રીતે હરાવ્યો હતો અને તે માંડ જીવ બચાવીને ભાગ્યો હતો. જીતના ઉન્માદમાં આવીને પૃથ્વીરાજ ચૌહાણે વિજયોત્સવ મનાવ્યો અને સરહદની કિલ્લેબંધી કર્યાં વગર જ પાછા જતાં રહ્યા. ફળસ્વરૂપ મોહમ્મદ ઘોરીને પોતાની શક્તિ એકત્રિત કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો. તેણે પોતાની સેનાને કુશળ બનાવી. એક-એક સૈનિકને વિશેષ પ્રશિક્ષણ આપ્યું. સેનામાં આધુનિક ટેકનોલૉજીનો ઉપયોગ કરીને કુશળ અશ્વસેના તૈયાર કરી તથા ઘોડાઓના પગે નાળ પહેરાવી; જેથી ઘોડાઓ તેજ ગતિથી દોડી શકતાં. તેણે ઘોડા પર રકાબનો ( પેગડું ) પ્રયોગ કર્યો જેથી ઘોડેસવાર યુદ્ધ સમયે ઘોડા પર સંતુલન રાખી શકતો અને તેની મારક ક્ષમતા વધી જતી. આ બધાં કારણોને કારણે ઈ. સ. ૧૧૯૨માં જ્યારે મોહમ્મદ ઘોરીએ બીજી વાર ચડાઈ કરી ત્યારે અતિ આત્મવિશ્વાસથી ભરેલી પૃથ્વીરાજ ચૌહાણની વિશાળ સેના મોહમ્મદ ઘોરીની કુશળ સેના સામે ટકી શકી નહિ, અને પૃથ્વીરાજ ચૌહાણને પરાજય સહન કરવી પડી.


                હાલની પરસ્થિતિમાં, આપણી સાથે પણ આવું જ થયું. જ્યારે કોરોનાની પ્રથમ લહેર આવી ત્યારે આપણે ખૂબ સાવચેતી રાખી. આખા દેશમાં લૉકડાઉનનું કડક પાલન કરવામાં આવ્યું. સરકારે પોતાની તમામ શક્તિઓ મેડિકલ સુવિધા પાછળ લગાવી દીધી અને વર્ષના અંતે કંઈક અંશે આપણે કોરોનાને હરાવી પણ દીધો હતો. કોરોનાની હારથી આપણે ઉન્માદમાં આવી જઈને સભાઓ કરવા લાગ્યાં. રાજકીય રેલીઓમાં હોંશે હોંશે ભાગ લેવા લાગ્યાં. પરંતુ કોરોના ફક્ત હાર્યો હતો, નાબૂદ નતો થયો. કોરોના પહેલાં કરતાં પણ વધુ શક્તિશાળી બનીને આપણી પર ત્રાટક્યો અને તેનું પરિણામ આપણે જોઈ રહ્યાં છીએ. લોકો મરી રહ્યાં છે, રઝડી રહ્યાં છે. મેડિકલ સિસ્ટમ ખસ્તાહાલ થઈ રહી છે. ઑકસીજન ખૂટી પડ્યો, હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યાં, ઇન્જેક્શન નથી મળી રહ્યાં અને માનવોના વેશમાં રહેલાં કેટલાક પિશાચો આવી દયનીય હાલતમાં પણ કાળાબજારી કરી રહ્યાં છે. લોકોના વેપાર-રોજગાર પડી ભાગ્યાં છે ત્યારે કેટલાક હેવાનો રૂપિયા છાપવા લોકોનું લોહી ચૂસીને મેડિકલ વસ્તુઓના કાળાબજાર કરી રહ્યાં છે અને આપણે આ પરિસ્થિતિનો ભોગ બની રહ્યા છીએ, માત્ર ભોગ...

                આઝાદીની લડાઇમાં દરેક ભારતીય નાત, જાત ધર્મ કે સંપ્રદાયના ભેદ ભૂલીને એક થઈને લડ્યાં હતા. આજે આપણે એક થઈને કોરોના નામના દુશ્મન સામે લડવાની તાતી જરૂર છે. ઇતિહાસમાં જ્યારે પણ દેશની એકતાની વાત આવે ત્યારે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ અચૂક યાદ આવે. એમાં પણ ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ તો ક્યારેય ના ભૂલાય. અંગ્રેજો વિરુદ્ધનો એ બળવો ભલે નિષ્ફળ ગયો હતો પણ એ બળવો દરેક ભારતીયને એકતાની તાકાત વિશેનો પાઠ ભણાવી ગયો હતો. એમાંથી શીખ લઈને જ દરેક ભારતીયે આઝાદીની લડાઇમાં પોતાનું સર્વસ્વ ઝોંખી દીધું અને આઝાદી મેળવી હતી. આજે આપણે પણ ૧૮૫૭ના એ ઐતિહાસિક બળવામાંથી શીખ લેવાની જરૂર છે.

                ઈ. સ. ૧૮૫૭માં સ્વતંત્રતાની એક લડત થવાની છે એ વાત આખા દેશમાં ફેલાઈ ગઈ હતી અને અંગ્રેજોને એની ગંધ પણ ન હોતી આવી. સંગ્રામની તારીખ ૩૧ મે, ૧૮૫૭ નક્કી કરવામાં આવી હતી. એ તારીખે દરેક ભારતીયે સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવાનો હતો અને બધાએ એક થઈને અંગ્રેજોને હાંકી કાઢવાના હતા. એ જ અરસામાં મંગલ પાંડેને ગાય અને ડુક્કરની ચરબીવાળી કારતૂસનો વિરોધ અને એક અંગ્રેજ મેજર હ્યુસ પર ગોળી ચલાવવા બદલ 8 એપ્રિલ, 1857માં ફાંસી આપી દેવામાં આવી. પરિણામ સ્વરૂપ તેના સાથીદારોમાં આક્રોશ ફેલાઈ ગયો અને જે બળવો 31મે તારીખે શરૂ થવાનો હતો તે 10 મે એટલે કે નિર્ધારિત સમય કરતાં વહેલાં શરૂ થઈ ગયો. આ સંગ્રામમાં બધા પ્રાંતો અને કેટલાક રજવાડાઓ પોતાની રીતે લડ્યાં હતા. અહીં કેન્દ્રીય નેતૃત્વનો સદંતર અભાવ હતો. અંગ્રેજોને પણ આ બળવાની યોજનાની ગંધ આવી ગઈ હતી. જે સંગ્રામ દેશમાં એક જ સમયે શરૂ થવાનો હતો તે દેશના અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ સમયે શરૂ થઈ ગયો અને અંગ્રેજો તે બળવાને દબાવવા સફળ થયા...

સ્વૈચ્છિક લૉકડાઉન કે સાર્વત્રિક લૉકડાઉન?


                આજે આપણે ઇતિહાસમાંથી શીખ મેળવવાની જગ્યાએ ઇતિહાસમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યા છીએ. કોરોના નામ સાંભળતાં જ સામાન્ય જનતાને એક જ ઉપાય સૂઝે અને તે છે ' લૉકડાઉન. ' લૉકડાઉન એ સારો ઉપાય છે. અને તેનાથી કોરોના સંક્રમણની ચેઇન તોડી શકાય છે તથા મહ્‍દઅંશે સંક્રમણથી બચી શકાય છે, પણ તે સાર્વત્રિક લૉકડાઉન હોય તો જ. હાલ જ્યાં જુઓ ત્યાંથી સ્વૈચ્છિક લૉકડાઉનના સમાચાર મળી રહ્યા છે. ધારો કે, ચાર ગામ/શહેરમાંથી ત્રણ ગામ/શહેરમાં લૉકડાઉન હોય તો એ ત્રણ ગામ/શહેરની જનતા ચોથા ગામમાં ખરીદી કરવા જશે. એટલે જે ગામમાં લૉકડાઉન નથી ત્યાં સંક્રમણનું જોખમ અનેકગણું વધી જશે. હવે ચાર કે પાંચ દિવસે જ્યારે તમારાં ગામ/શહેરમાં લૉકડાઉન ખૂલશે ત્યારે સંક્રમિત થયેલાં લોકો તમારાં ગામ/શહેરમાં આવીને સંક્રમણ ફેલાવશે. તમે ત્યાં સુધી જ સલામત છો જ્યાં સુધી તમે ઘરમાં પૂરાયેલા છો. જ્યારે સ્વૈચ્છિક લૉકડાઉન ખૂલશે ત્યારે તમારા સંક્રમિત થવાની સંભાવના પહેલાં કરતાં પણ વધુ વધી જશે. અલગ અલગ સ્થળોએ અલગ અલગ સમયે સ્વૈચ્છિક લૉકડાઉન કરવાથી કોરોના સંક્રમણની ચેઇન નથી તૂટવાની. કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે દરેકે એક સાથે એક જ સમયે લૉકડાઉન કરવું પડશે.

                આજે બધાં લોકો પોતાની રીતે અલગ અલગ થઈને કોરોના સામે બાથ ભીડી રહ્યાં છે. અહીં એકસૂત્રતાનો સંપૂર્ણ અભાવ જોવા મળી રહ્યો છે. આજે ફરીથી બધાંએ એક થવાની જરૂર છે અને પોતાની એકતા વડે કોરોના નામના દુશ્મનને નાથવાનો છે. ૧૮૫૭ના સંગ્રામની જેમ આજે પણ લોકોમાં કેન્દ્રીય નેતૃત્વનો અભાવ જોવા મળી રહ્યો છે. આ કેન્દ્રીય નેતૃત્વનું કામ તમે કે હું એકલા ન કરી શકીએ. આ કામ માત્ર સરકાર જ કરી શકે છે. કેન્દ્ર સરકાર જો લૉકડાઉન લાદે તો તેમને આર્થિક તંગી અને નાના મજૂરોની મુશ્કેલીઓ જેવા અનેક પ્રશ્નોનો સામનો કરવો પડી શકે તેમ છે. એટલે કેન્દ્ર સરકાર લૉકડાઉનના પક્ષમાં નિર્ણય ન લે તે સમજી શકાય છે, પણ રાજ્ય સરકાર ધારે તો ૭ કે ૧૫ દિવસનું મિનિ લૉકડાઉન જરૂરથી લાદી શકે તેમ છે. જેમ કે, ગુજરાત સિવાયના બીજા રાજ્યોએ કર્યું છે. રાજ્ય સરકાર આ બાબતે વિચાર કરે તો રોજબરોજ આવનારા કેસોની સંખ્યા ઘટી શકે એમ છે. સમગ્ર રાજ્યમાં એકીસાથે લૉકડાઉન આવશે તો કોરોનાના દરરોજ આવનારા કેસોમાં, અલગ અલગ સ્થળોએ અલગ અલગ સમયે સ્વૈચ્છિક લૉકડાઉન કરવાથી જેટલો ફરક પડે છે તેનાથી વધુ ફરક જરૂરથી પડશે.


કોરોના સામેના જંગમાં વૈશ્વિક એકતા


                અમેરિકાનાં ટોચના પબ્લિક હેલ્થ નિષ્ણાત અને વાઈરોલૉજિસ્ટ ડૉ. એન્થની ફૌસીએ પણ સૂચન કર્યું હતું કે, ભારત સરકારે પોતાના તમામ સંસાધનો કામે લગાડવાની જરૂર છે. જરૂર પડે લશ્કરની મદદ પણ લેવી જોઈએ. એક મહિનો દેશમાં કડક લૉકડાઉન લાદવાની સાથે રસીકરણને ઝડપી બનાવવાની જરૂર છે. આ સમયે વિશ્વના દેશોએ ભારતને મટીરિયલની સાથે સાથે મેનપાવરની પણ મદદ કરવી જોઈએ. આજે માત્ર એક દેશ જ નહિ, પરંતુ વિશ્વના બધા દેશોએ એકબીજાને પૂરતી મદદ કરવાની જરૂર છે. જ્યાં સુધી યોગ્ય દવા ન શોધાય ત્યાં સુધી રસીકરણ જ કોરોનાને હરાવવાનો એકમાત્ર ઉપાય છે. એવું નથી કે, રસી લીધા પછી કોરોનાનો ચેપ નથી લાગતો, પરંતુ જો ચેપ લાગશે તો રસી લીધેલા વ્યક્તિના કોરોનાથી સાજા થવાની સંભાવના વધી જશે. જેમનું પણ રસીકરણ થઈ ચૂક્યું છે તેવા લોકોનો હોસ્પિટલાઈઝ થવાનો દર પણ અત્યંત ઓછો છે. એટલે હાલ તો આપણી પાસે રસી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આપણા દેશમાં રસીની અછતને દૂર કરવા સરકારે વિદેશોમાં ઉપયોગમાં લેવાઈ રહેલી વિવિધ રસીઓના આપતકાલીન ઉપયોગની મંજૂરી આપી દીધી છે. અમેરિકા પણ ભારતને રસી બનાવવા માટે જરૂરી કાચો માલ આપવા તૈયાર થઈ ગયું છે. 

                રશિયાની સ્પુતનિક લાઇટ કોવિડ- ૧૯ વેક્સિનના ડેવલપર્સે જણાવ્યું છે કે, ટૂંક સમયમાં ભારત સહિતના દેશોમાં સ્પુતનિક લાઇટ રસીનું ઉત્પાદન કરવામાં આવશે. સ્પુતનિક લાઇટ એ સ્પુતનિક- V નું એક સ્વરૂપ છે. આ રસી ૭૯.૪% જેટલી અસરકારક છે. કોરોનાને નાથવા આજે વિશ્વ એક મંચ પર આવી ગયું છે. માન્યું કે આપણે કોરોનાની બીજી લહેર સામે લડવા માટે જોઈએ એટલા તૈયાર ન હતા, પરંતુ હવે આ જ વર્ષના ઑક્ટોબર-નવેમ્બર માસ સુધીમાં વૈજ્ઞાનિકોએ કોરોનાની ત્રીજી લહેરની પણ આગાહી કરી દીધી છે. આ ત્રીજી લહેર સામે ટકી રહેવા માટે આપણે અત્યારથી સતર્ક રહેવું પડશે. જો આપણે કોરોનાની બીજી લહેર વખતે, જે ભૂલો કરી હતી તે ભૂલોનું પુનરાવર્તન કરીશું તો ઇતિહાસ પણ પોતાનું પુનરાવર્તન કરશે. સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન, જરૂરી સતર્કતા અને એક નાગરિકને શોભે તેવી જાગૃકતા રાખીશું તો આપણે કોરોનાને માત્ર હરાવીશું નહિ, પરંતુ નાબૂદ કરી શકીશું.

 

    પાર્થ પ્રજાપતિ

( વિચારોનું વિશ્લેષણ )

2 ટિપ્પણીઓ:

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...