વર્ષનો એક દિવસ પ્રકૃતિ માટે - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 5 જૂન, 2022

વર્ષનો એક દિવસ પ્રકૃતિ માટે

 એક સમજવા જેવી વાત...

               એક ભાઈએ કહ્યું કે,'આ તમે ચો થી ચો સરખોમણી કરો સો?' મેં કહ્યું, 'શું થયું?' તો કહે, 'એક બાળક અન છોડની સરખોમણી ના થાય..' અરે! ભાઈ તમારા માટે ભલે શક્ય ન હોય પણ પ્રકૃતિ, કુદરત અને પર્યાવરણ માટે તો તમે પણ એક જીવ છો અને એ પણ એક જીવ જ છે. એની નજરમાં તો બધુંય સરખું. તમારા કરતાં તો પ્રકૃતિ વનરાજીથી વધુ જીવિત છે. તમે છોડ વાવવાની વાત તો દૂર નાની અમથી વાતમાં હર્યુંભર્યું ઝાડ કાપતાં એક પળનો પણ વિચાર નથી કરતા. પર્યાવરણ શા માટે બચાવવું જોઈએ એ બાબત પર તમને દસમાં ધોરણમાં ભણતું બાળક પણ સમજાવશે એટલે એ બાબત પર મારે ચર્ચા નથી કરવી. 

             અહીં ફક્ત એટલું જ કહેવું છે કે જેમ ફક્ત બાળકને જન્મ આપી દેવાથી જવાબદારી પૂરી નથી થઈ જતી. સાચી જવાબદારીઓ તો બાળકના જન્મ પછી શરૂ થાય છે. તેને ઉછેરીને મોટો કરવો, બીમાર પડે તો દવા કરાવી, તેનામાં સંસ્કારોનું સિંચન કરીને તેને સારો વ્યક્તિ બનાવવો વગેરે જેવી અનેક જવાબદારીઓ પણ બાળકની સાથે જન્મતી હોય છે. તે જ રીતે માત્ર એક છોડ વાવી દેવાથી તમારું આ પ્રકૃતિ પરનું ઋણ અદા નથી થઈ જતું. તમે અત્યારસુધી હવા, પાણી અને જમીન પર જે અનેક જાતના પ્રદૂષણ ફેલાવીને આ પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું છે, તેની ભરપાઈ નથી થઈ જવાની. હા, પણ બદલામાં પ્રકૃતિએ તમારા અનેક અત્યાચારો સહન કરીને પણ તમને હજુ સાચવી રાખ્યાં છે, એ માટે તમે એક છોડને વાવીને, તેનું જતન કરીને, તેને સમયસર પાણી આપીને, તેની ઢોર-ઢાંખરથી રક્ષા કરીને, તેને એક ઘટાદાર વૃક્ષ ભેટમાં આપીને તેના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી શકો છો. એક છોડ વાવીને તમે એને ' Thank you ' કહી શકો છો. બીજા શું કરે છે એની વાત જવા દો, તમે પોતે શું કરો છો એ જુઓ. તમારા ઘર આગળ ઘટાદાર લીમડો હશે તો એનો છાંયડો અને શુદ્ધ હવા તમને જ મળવાની છે અને હા, સાથે અમૂલ્ય શુદ્ધ ઑક્સિજન ફ્રી... 

           સોશિયલ મીડિયામાં વાહવાહી માટે ફોટોશૂટ કરાવવા, સો છોડ વાવીને સો એ સોને ભૂખ્યાં, તરસ્યાં તડકામાં તડપતાં છોડી દેવા અને તેમનું બાળમરણ જોવું, એના કરતાં ફક્ત એક છોડ વાવો અને તેની સાથે એક સુંદર સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં અપલોડ કરો. વાહવાહી તો તેનાથી પણ થશે. સાથે જ સંકલ્પ કરો કે આ છોડને હું હવે પછીનાં વર્ષે આવતાં વિશ્વ પર્યાવરણ દિવસ સુધી સાચવી રાખીશ અને આવતાં વર્ષે પણ આ જ મોટાં થયેલાં વૃક્ષની સાથે સેલ્ફી લઈશ અને તેની પાસે બીજો એક છોડ રોપીશ. આ સંકલ્પ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરો અને પર્યાવરણ પ્રત્યે નાની સરખી કૃતજ્ઞતા વ્યક્ત કરો. અને હા, પોતાના નામની આગળ દેશભક્ત લગાવતાં મહાનુભાવોને જણાવવાનું કે, આ પણ એક પ્રકારની દેશ સેવા જ છે હો...

                                                   લેખક :- પાર્થ પ્રજાપતિ

                                                    ( વિચારોનું વિશ્લેષણ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...