સદગુરુ કૃપા હી કેવલમ.
શીર્ષક:- શિવાલયનો મહિમા.
દ્વાપર યુગના મહાભારત કાળનો ઈતિહાસ ધરાવતું અને પાંડવોથી સ્થાપિત આખલોલ મહાદેવનું અનોખું મંદિર.
શ્રાવણ આવ્યો અને હર હર ભોલે,હર હર મહાદેવ,હર હર શંભુ, તથા ઓમ નમઃ શિવાયનાના નાદથી શિવાલયો ગુંજશે. શ્રાવણે શિવાલયનો મહિમા જ કંઈક અલગ હોય છે અને દર્શન ને જનારાના જન્મારા સુધરી જતાં હોય છે. લોકોના એ અલખનાદને માણવા માટે શિવાલયમા જવું પડે, પરંતુ અમુક તીર્થ મંદિરમાં બધા રોજ જઈ શકે નહીં. એ તો છોડો સમયનો એવો કાળ ચાલે છે કે ઘરમાં ને ઘરમાં રહેલા મંદિરમાં જવું પણ ઘણી વખત શક્ય બનતું નથી.ઉપરથી કાળ માથે મૃત્યુની તલવાર લઈ ને ઉભો છે, તો આપણે રોજ અલગ-અલગ શિવાલય વિષે વાત કરીશું. શ્રાવણ એટલે ભક્તિભાવનો મહિનો અને એમાં પણ શંકર જેવો આરાધ્ય દેવ કે જે, માત્ર પાણીથી પણ પ્રસન્ન થાય, અને બીલીપત્ર ચઢાવવાથી સાધકના ત્રણેય કાળના દુઃખ દર્દ દૂર કરે, અને સ્મરણ માત્રથી તેની આસપાસ મંડરાતી મેલી મુરાદ ચાલી જાય, એને આ રીતે ભજીશું. શંકર પોતે સંસારી હોવાથી સંસારીના દુઃખદર્દ વધુ ઝડપથી સમજી શકે, અને ભોળો ભંડારી કાયમ ભક્ત વત્સલ બની આપણી સમસ્યાનાં વીષ પી જાય, આજે આપણે ભાવનગર વરતેજને જોડતા એક અનોખાં શિવાલય એટલે કે આંખલોલ મહાદેવની આપણે વાત કરીશું. જે આજે પણ દર્શને આવનાર ને સત્ય સાત્વિક શ્રદ્ધાથી ભરનાર છે.
ભાવનગર શહેર અને વરતેજનાં સીમાડે આવેલું આ આખલોલ મહાદેવ એટલે કે ગંગનાથ મહાદેવ અને પંચનાથ મહાદેવ નામથી પણ તે પ્રસિદ્ધ છે. કહેવાય છે કે આ મંદિર પાંડવોનાં સમયનું છે, અને સ્વયં પાંડવોએ અહીં તેની સ્થાપના કરી છે. કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ પૂર્ણ થતા યુધિષ્ઠિર અને બાકીના પાંડવો ભગવાન શ્રીકૃષ્ણ પાસે જાય છે, અને કહે છે કે એ દ્વારિકાનાથ આ યુદ્ધમાં મહા સંહાર થયો છે, અને એમાં કેટલીય હત્યાઓનાં અમે નિમિત્ત બન્યા છીએ. માટે તેનો ભાર લાગે છે,જો અમારા આ પાપને ધોઈ શકાય તો સારું. ભગવાન તેને જણાવે છે કે, સૌરાષ્ટ્ર પંથકમાં ભાવેણા નામની નગરી છે, અને ત્યાં આગળ નિષ્કલંક નામે મહાદેવ આવેલું છે, એ મંદિરમાં તમે જઈ અને ત્યાં આગળ સડષોપચાર વિધિથી પૂજન વિધિ કરશો, તો તમારા પાપ ધોવાઈ જશે, પાંડવો પૂછે છે કે અમારા પાપ ધોવાયા કે નહીં તેની કેમ ખબર પડે? શ્રી કૃષ્ણ કહે છે કે, કાળી ધજા જ્યારે શ્વેત રંગની થાય ત્યારે સમજવું કે પાપ ધોવાઈ ગયાં. ભગવાનનાં જણાવ્યા અનુસાર પાંડવોએ યાત્રા શરૂ કરી અને જ્યાં પણ રાત્રી રોકાણ કરે, ત્યાં તેઓ શિવલિંગની સ્થાપના કરતાં હતાં. પ્રાતઃકાળ તેઓ શિવલિંગની સડષોપચાર વિધિથી પૂજન અર્ચન કરી, અને આગળની યાત્રા માટે પ્રયાણ કરતાં. ફરતાં ફરતાં તેઓ વરતેજ અને ભાવનગરની સીમ પાસે આવી પહોંચ્યા અને અહીં રાત્રિ રોકાણ કરવાનું નક્કી કર્યું નિયમ મુજબ શંકરની સ્થાપના કરી, પરંતુ વેરાન જગ્યા હોવાથી ષડશોપચાર વિધિ માટે શુદ્ધ પાણી મળે તેમ નહોતું. આથી યુધિષ્ઠિર ના કહેવાથી ધનુર્ધર અર્જુને બ્રહ્માસ્ત્ર ના ઉપયોગથી ગંગાને પ્રગટ કરી,અને શિવલિંગનો અભિષેક કર્યો. પરંતુ બીલીપત્રમાં પણ એક બીલીપત્ર ઓછું હોવાથી પોતાની આંખની કીકીનો ભાગ જેને લોલ કહેવામાં આવે છે તે શિવલિંગને અર્પણ કરી એટલે કે આંખની કીકી નો વચ્ચેનો ભાગ જેને લોલ કહેવાય છે તે, ભગવાન આશુતોષ ને અર્પણ કર્યું હોવાથી આંખલોલ એની પરથી આ નામ પ્રસિદ્ધ થયું. ગંગાની ધારા પ્રગટ થઈ હોવાથી ગંગનાથ મહાદેવ પણ કહેવાય છે તો પાંચ પાંડવોએ પ્રતિષ્ઠા કરી હોવાથી આ મંદિરને પંચનાથ પણ કહેવાય છે. તો મૂળ આ વાત મંદિરના શિવલિંગ સાથે જોડાયેલા ઇતિહાસની છે.
આ મંદિર લાકડાનું બનેલું હતું, અને તેમાં અજાણી ભાષામાં લખાયેલો એક શિલાલેખ પણ છે. વારંવારના જીર્ણોદ્ધાર ને કારણે આજે તો હવે તેનું મૂળ સ્વરૂપ રહ્યું નથી. પરંતુ ભાવનગર નાં રાજા તખ્તસિંહજીએ અને પછી ત્યારબાદ કૃષ્ણકુમારસિંહજી એ તેનો જીર્ણોદ્ધાર કરેલો,અને તેની સાથે પણ એક દંતકથા જોડાયેલી છે. કહેવાય છે કે એકવાર મહારાજા તખ્તસિંહજી સિહોરથી ભાવનગર પાછા આવી રહ્યા હતા અને રસ્તામાં આવતા આખલોલ મહાદેવ માંથી બ્રાહ્મણોના મંત્રોચાર નો સુર તેના કાને અથડાયો અને આ ભાગમાં તેને અદભુત શાંતિનો અનુભવ થયો, હકારાત્મક ઊર્જા મહેસુસ થઈ હોવાથી તેમણે વિચાર્યું કે આ મંદિરમાં જઈ અને ભગવાન આશુતોષને પ્રાર્થના કરું કે અમારે આ વર્ષે ભાવનગરમાં વરસાદ થયો નથી તો, ભાવેણાની ધરા ને વરસાદથી પરિતૃપ્ત કરે, સાથોસાથ તેમણે માનતા રાખી કે જો વરસાદ આવશે તો હું આ મંદીરનો જીર્ણોધાર કરીશ, અને હજી તો મહારાજા નિલમબાગ પેલેસ સુધી પણ પહોંચ્યા નહીં, ત્યાં આગળ ધોધમાર વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો અને એ રીતે આંખલોલ મહાદેવ નો જીર્ણોદ્ધાર થયો.
આંખલોલ નું અપભ્રંશ થઈને હવે બધા આખલોલ જ બોલે છે, અને આ શિવાલય નાં અગ્રભાગમાં બે કુંડ આવેલા છે, જેના પવિત્ર જળ નું આચમન લેવાથી પણ પવિત્રતાનો ભાવ આવે છે, અને અલૌકિક શક્તિ તેમજ અદભુત સકારાત્મક ઊર્જાનું કેન્દ્ર એવા આ આંખલોલ મહાદેવ આશરે સાડા પાંચ હજાર વર્ષ પહેલાંનું મનાય છે. સૌપ્રથમ તો પહેલા એક ઓટલો જ હતો, પછી કાષ્ટ નું મંદિર થયું, અને હવે તેના અત્યાર ના સ્વરૂપમાં મંદિર છે. વર્ષોથી આ મંદિરની સેવા પૂજા ભારતી પરિવાર કરી રહ્યો છે, અને એક નિષ્ઠાથી કરાતી પરંપરાગત પૂજા પ્રેરણાદાયી છે. ભારતીય સંસ્કૃતિ મુજબ અહીં ભાદરવી અમાસ અને ઋષિ પાંચમ નો મેળો ભરાય છે આ ઉપરાંત શિવરાત્રીના તહેવારને પણ ધૂમધામથી મનાવવામાં આવે છે
મહિનો શ્રાવણ હોય કે બીજો, આપણે તો બસ ૐ નમઃ શિવાય નો સીધોસાદો મંત્ર સ્મરી એને ભજી લેવાનો છે. અન્ય દેવી દેવતા ઓનાં લાંબા લાંબા કર્મકાંડીય યજ્ઞ કે પૂજન વિધિ જેવું કંઈ જ કરવાનું નથી. ભગવાન શંકર તો ભક્તનાં ભાવથી રીજી જનારો છે તેને અન્ય કોઈ સાધનની જરૂર નથી પરંતુ આપણી પાસે તેને દેવા માટે શુદ્ધ ભાવ પણ ક્યાં છે તો ભાવનગરના આ શિવાલયના દર્શન કરી અને શુદ્ધ થઈ શુદ્ધ ભાવે આખલોલ મહાદેવ ને સ્મરીએ.તો આ વાત છે ભાવેણાના સૌથી પ્રાચીન મંદિર એટલે કે આશરે સાડા પાંચ હજાર વર્ષ પહેલા સ્વયમ પાંડવો એ જેની સ્થાપના કરી હતી એવા સ્વયંભૂ શિવલિંગની વાત અને ધર્મરાજ યુધિષ્ઠિર ના હાથે જેનો ષડશોપચાર વિધિથી પૂજન થયું હતું, એવા આ શિવલિંગ ના દર્શન માત્રથી આપણા ત્રણે કાળના પાપનો નાશ થાય છે. તેમજ એક અદ્ભુત ઉર્જાનો અનુભવ થાય છે. તો આ શ્રવણે આપણે આ રીતે આ શિવાલયનો ઈતિહાસ જાણીશું, અને સમય અનૂકૂળ થતાં સૌ કોઈ તેના દર્શનનો લાભ લઈ ખુદ પવિત્ર થઈશુ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
બાંહેધરી :- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.