ચિંતનની ક્ષણે - બુધવાર સ્પેશિયલ- ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 9 ઑગસ્ટ, 2023

ચિંતનની ક્ષણે - બુધવાર સ્પેશિયલ- ફાલ્ગુની વસાવડા


સદગુરુ કૃપા હી કેવલમ 

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર



કથાનકનો બોધ:: સોનામહોરનો થેલો એટલે આપણાં કર્મનાં લેખાંજોખાંની પોટલી, જે આપણું ભવિષ્ય નક્કી કરનાર છે.


હે ઈશ્વર આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે બુધવાર એટલે બોધ કથા. આમ તો બોધ ગ્રહણ કરવો હોય તો કથાની જરૂર પડતી નથી, માત્ર થોડું આસપાસ નિરીક્ષણ કરવાની ટેવ પાડીએ તો, પ્રાકૃતિક અંગો અને આપણી આસપાસ ઘટતી કેટલીય એવી ઘટના હોય છે જે, આપણને કંઈક ને કંઈક શીખવી જતી હોય છે. પરંતુ આપણે હવે આપણી આસપાસ કે બહાર નજર ફેલાવીએ છીએ, તો એ માત્ર ઈર્ષાને નિંદા માટે જ, અથવા તો અહમને કારણે કોને ઉતારી પાડવા ! બસ આવી નિમ્ન પ્રવૃત્તિ જ થતી હોય છે અથવા તો વ્યવહાર કે ઔપચારિકતા માટે, બાકી તો સ્વ શરીરની આસપાસ જ આપણું ધ્યાન પ્રવર્ત રહે છે એટલે કે ક્યાં અને કેટલું લાલન પાલન કરવું! આપણી પાસે શું છે? શું નથી? અને કેવી રીતે મેળવવું? બસ આ પ્રયત્નોમાં જ જીવન પૂરું થઈ જાય છે. પરંતુ સદગુરુ કૃપા રૂપી આપણને આ બોધ પ્રાપ્ત થાય છે, એમાંથી આપણે જો કંઈક ગ્રહણ કરીએ તો, મનુષ્ય રુપે મળેલો આ જન્મ સફળ થઈ શકે. તો આજે આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન સાથે ઘટેલી એક ઘટના વિશે બોધ કથા રૂપે ચિંતનમાં વાત કરીશું.


    કુરુક્ષેત્રનાં યુદ્ધ પછી હસ્તિનાપુરમાં શ્રીકૃષ્ણ અને અર્જુન બંને જણા ફરવા નીકળે છે, અને એક ગરીબ ભિક્ષુક ને જોઈને અર્જુન દયાવશ તેને સોના મહોર ભરેલી થેલી આપે છે, પરંતુ એક ચોર એ જોઈ જતાં, તે થેલી ચોરાઈ જાય છે, અને એ ભિક્ષુક ફરી પાછો બીજે દિવસે ત્યાં જ ઉભેલો જોવા મળે છે. અર્જુન આજે તેને એક સુંદર અને કીંમતી રત્ન આપે છે, એ ભિક્ષુક ઘરે આવી તેને માટલીમાં સંતાડી દે છે, અને બીજે દિવસે તેની પત્ની એ જ માટલી લઈને પાણી ભરવા જાય છે અને માટલી તૂટી જાય છે, પોતાનું પ્રારબ્ધ ફૂટેલું છે, એનો વસવસો કરતો હતો. વળી પાછો બજારમાં ઊભો રહે છે, અર્જુનને એ ભિક્ષુક સાથે શું ઘટના ઘટી એને વિશે ખ્યાલ નથી માટે તેને ખૂબ ગુસ્સો આવે છે કે, આ ભીક્ષુક બહુ જ લાલચુ છે, અને આજે તેને કંઈ જ આપવું નથી એમ વિચારી એ તેને કંઈ જ આપતો નથી. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ તેને બે પૈસા આપે છે, ભિક્ષુક બે-ત્રણ દિવસના અન્નની વ્યવસ્થા થઈ ગઈ એમ સમજી ચાલ્યો જાય છે, અને રસ્તામાં એક તડપતી માછલી જોઈ, તેને થયું કે, હું તો આમ પણ ભીક્ષુક છું,  બીજે માંગી લઈશ! પણ આ બે પૈસા માંથી આ માછલી ખરીદી અને ફરી પાછી તેને પાણીમાં મૂકી દઉં, જેથી કરી એનું જીવન સુરક્ષિત થઈ જાય, અને એ પેલા બે પૈસામાંથી વિચાર્યા પ્રમાણે કરતાં પાણીમાં મુકવા જતો હતો, ત્યાં જ તેના ગળામાં કંઈક સલવાયેલું જોયું, અને તેણે જેમ તેમ કરીને એ પદાર્થ બહાર કાઢ્યો. પથ્થર જેવા એ પદાર્થ પર તેનું ધ્યાન ગયું, તો તેને થયું કે આતો ગઈકાલે મળેલું રત્ન છે, અને તે ખુશીથી નાચવા લાગ્યો, અને મળી ગયો! મળી ગયો! એમ કરવા લાગ્યો. કુદરત નું કરવું અને એ જ સમયે પેલો ચોર ત્યાં આગળ સોનામહોરની થેલી દાટવા આવ્યો હતો, એણે આ સાંભળ્યું, અને તેને થયું કે આ ભિક્ષુક મને ઓળખી ગયો છે, એટલે ભર બજારમાં એ મને પકડી પાડશે, તો મને રાજા ને સુપ્રત કરવામાં આવશે, અને મને આકરી સજા થશે! આવું વિચારીને તે એ થેલી મૂકીને ભાગ્યો. બીજે દિવસે ભિક્ષુક શ્રીકૃષ્ણનો આભાર માને છે, કે તમે મને બે પૈસા આપ્યા એણે મારી જીંદગી બદલી નાખી. આ વાત સાંભળીને અર્જુન શ્રી કૃષ્ણ સામે જોઈ રહે છે, કે આમ કેમ ? મેં આટલું બધું આપ્યું છતાં, આભાર તમારો કેમ માને છે? શ્રીકૃષ્ણે કહ્યું કે તે આપેલા આ રત્નને સોનામહોર જોઈ તે પોતાના એટલે કે સ્વ માટેના સ્વપ્નાં જોવા લાગ્યો કે, મોટો મહેલ ખરીદશે, ખેતર ખરીદશે વગેરે વગેરે, જ્યારે આ બે પૈસામાંથી તેણે એક જીવને બચાવવાની ઈચ્છા થઈ, અને આ સંવેદનાને કારણે જ તેને પોતાનું ખોવાયેલું ધન પ્રાપ્ત થયું. 


     મિત્રો કથાનકની વાત તો ત્યાં પૂરી થઈ. પરંતુ. આપણે આ કથાનક માંથી શું બોધ ગ્રહણ કરી શકીશું પહેલો તો સીધો સાદો અર્થ એ છે કે ભાગ્યમાં લખાયેલું હોય તો એ ક્યાંય જતું નથી, અને સમયે પ્રાપ્ત થાય છે. પરંતુ બીજો અર્થ એ છે કે શું માત્ર સોનામહોરની થેલી કે કીંમતી રત્ન એટલે કે ધન એશ્વર્ય માંજ સુખ કે આનંદ સમાયેલો છે? સાચો આનંદ તો બીજાનું દુઃખ જોઈને જેનું અંતર દ્રવી ઉઠે અને પોતાનાથી જે કંઈ મદદ થાય એ મદદ કરવાથી જ પ્રાપ્ત થાય છે. પરંતુ હજી આ કથાનક પરથી ત્રીજી રીતે મૂલ્યાંકન થઈ શકે. કે એ સોના મહોરનો થેલો એટલે આપણા કર્મના લેખાંજોખાંની પોટલી, જે આપણું ભવિષ્ય નક્કી કરનાર છે, અને એમાં જો કોઈની આંતરડી ઠાર્યા નું પુણ્ય હશે, કે પછી કોઈ ના દર્દ ને ઓછું કર્યા નું કંઈક કર્મ હશે, કોઈ ના આંસુ લુછ્યા નું સ્મરણ હશે, કે પછી કંઈક પણ કરી શક્યા નો સંતોષ હશે, તો એ પોટલીનું વજન નહીં લાગે,અને જીવનની કીમતી ક્ષણો જ સોનામહોર ની જેમ ચમકતી હશે અથવા તો સુખમય જીવન પસાર થતું હશે. એ રત્ન એટલે માનવનું આયુષ્ય કે જેનું મહત્વ કિંમતી રત્નથી જરાય ઓછું નથી, અને આપણે તે વેડફી રહ્યા છીએ. કોઈ સંવેદના જ તેને સુરક્ષિત કરી શકે તેમ છે, કે પછી તેનું મૂલ્ય આંકી શકે તેમ છે, એ વાત યાદ રાખવી, એ પણ આ કથાનક આપણને શીખવે છે. 


   આપણા તથા આપણી પછીની પેઢી માટે ધન એકઠું કરવામાં જીવનમાં કેટલાય કિમતી વર્ષો વિતાવ્યા અને એ એટલી હદે ખોટું પણ નથી પરંતુ માત્ર એ વિચાર જીવનને શાંતિ આપી શકતો નથી થાળીમાં લાખ ભાવતા ભોજન પીરસાયા હોય તો પણ ભૂખ હોય એટલું જ જમી શકાય છે. એ જ રીતે આપણા પ્રારબ્ધમાં જેટલું હોય એટલું જ ભોગવી શકાય છે, તો બાકીના માંથી થોડો હિસ્સો અન્યનું ભાગ્ય ઉજળું બનાવવા શું કામ વાપરી ન શકાય? અને વાપરવા માટે કંઈ ધનવાન હોવું એ પણ જરૂરી નથી. એ ભિક્ષુક પાસે માત્ર બે પૈસા હતાં, અને છતાં તેને માછલી પ્રત્યે સંવેદના થઈ તો આપણી પાસે જે કંઈ છે, એમાંથી થોડું ઘણું કંઈક કરતા રહીએ તો, ઈશ્વરની નજર આપણી પર પડશે. એટલે કે કૃષ્ણની નજર જેમ પેલા ભિક્ષુક પર પડી, એમ એ પણ આપણું દાન કર્મ થતું રહે, એ માટે કંઈક ને કંઈક આપતો રહેશે. પણ યાદ રાખવાનું છે કે, ઈશ્વરે આપેલું એ ધન એના હેતુ માટે પણ વપરાવું જોઈએ. ઈશ્વરનું એક સ્વરૂપ આપણે ત્યાં સહસ્ત્ર પૂજા વાળુ પણ ગણવામાં આવ્યું છે તો આપણે અકર્તાના ભાવથી એની એ સહસ્ત્ર પૂજામાં આપણી બેભુજા ભેળવીને નિષ્કામ કર્મ કરતા રહીએ, અને સોનામહોરની પોટલી જેમ આપણાં કર્મની પોટલીમાં આવા કર્મનું ભાથું ભરતા રહીએ કે જેથી કરીને લેખાં ચોખાનો સમય આવે ત્યારે આપણે પસ્તાવાનો વારો આવે નહીં, અને આયુષ્યરૂપી એ રતનનું રામ નામ અને રામ કામ થતી જતન કરતા રહીએ એવી એક અનન્ય પ્રાર્થના રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


    લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)



 આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...