સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય- ફાલ્ગુની વસાવડા
શીર્ષક- ચિંતનની ક્ષણે
મિત્રો- શુભ સવાર
એક પ્રાર્થના:: સકારાત્મક ઊર્જા પ્રાપ્ત કરવા મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું હૈયામાં વહેવું બહુ જરૂરી છે.
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે ગુરુવાર અને સદગુરુ ભગવાન આપણને પ્રાર્થના થકી વિશ્વને સુંદર અને જીવવા લાયક બનાવી શકાય છે, એવો બોધ આપવા જઈ રહ્યા છે, તો બધાં જ સ્વાર્થ ને ભૂલીને આપણે પરમાત્મા એ બનાવેલી આ સૃષ્ટિ ને સત્ય પ્રેમ અને કરુણા ના ભાવથી નીરખી ને એ જ ભાવ ગ્રહણ કરીને જીવીએ તો ખરેખર સુંદર પરિણામ પ્રાપ્ત થાય. આપણે આજ સુધી જોયું કે પ્રાર્થના એટલે? જીવન વિશે કોઈ માંગણી નથી, કોઈ ફરિયાદ નથી, કોઈ પ્રશ્ન નથી, પરંતુ જીવનને બહેતર બનાવવા માટે એટલે કે મનુષ્ય તરીકે જન્મ મળ્યો છે તો તેને સફળ બનાવવા માટે આધ્યાત્મિક ભાવની માંગણી અથવા તો ચાહત ને પ્રાર્થના નામ આપી શકાય. ટૂંકમાં કહીએ તો હૃદયના ભાવ માં પવિત્ર પ્રેમની સ્થાપના થાય, અને સંવેદનાનો અનુભવ થાય એવી પ્રાર્થના હોવી જોઈએ એકધારી નીરસ અને કર્તવ્ય કર્મ ભરેલી જીંદગી બોજારૂપ લાગતી હોય, ત્યારે સામાન્ય રીતે જીવન ફરિયાદ જેવું લાગે પરંતુ અન્યને કારણે આપણું જીવન જેટલું જટિલ નથી હોતું, એટલું આપણા કારણે જ હોય છે, એ વાત જેટલી ઝડપથી સમજાય, તેટલી ઝડપથી વ્યક્તિને ક્યાં સુધારો કરવો અને કઈ રીતે જીવવું તેને વિશેનું જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અંતઃકરણ ચતુષ્કોણ ને કારણે માનવી સારું, નરસું જીવન જીવતો હોય છે, અને તે પ્રમાણે તેની વૈચારિકતા નક્કી થતી હોય છે. તો ક્યારેક સારું-નરસું જીવવા માટે સંજોગો પણ જવાબદાર હોય છે. પરંતુ આ બધાથી છૂટવું હોય તો જીવન બહેતર બનાવવા માટે પ્રાર્થના જેવો એક પણ સરળ ઉપાય નથી. પ્રાર્થનામાં ખૂબ જ તાકાત છે,વિદેશમાં કોઈ સ્વજન બીમાર હોય અને અહીંયા બેઠા બેઠા પણ જો તેની માટે પ્રાર્થના કરવામાં આવે, તો તેને સારું થયાના દાખલા પણ આપણે જોયા છે. પ્રાર્થના માટેની એક જ લાયકાત છે, અને તે છે ભાવ શુદ્ધી અથવા તો હૃદયની નિર્મળતા, અને આવી જ એક હૃદયને નિર્મળ બનાવનારી પ્રાર્થના આપણે સૌએ શાળાના સમયમાં વર્ગ ખંડમાં ગાયેલી છે, ચિત્રભાનુ મહારાજ ની એ પ્રાર્થના વિશે આજે આપણે વાત કરીશું.
. 🌹ચિત્રભાનુ મહારાજ 🌹
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે
આ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું અર્ધ્ય રહે
દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે
માર્ગ ભૂલેલા જીવનપથિકને માર્ગ ચીંધવા ઊભો રહું
કરે ઉપેક્ષા એ મારગની તો પણ સમતા ચિત્ત ધરું
મૈત્ર્યાદિ આ ચાર ભાવના હૈયે ગુણી
જન જે લાવે
વેરઝેરના પાપ તજું ને મંગલ ગીતો એ ગાવે
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
જૈન ધર્મના બહુ મોટા ઉપાસક અને વિદેશ સુધી જૈન ધર્મનો પ્રચાર કરવાવાળા, અથવા વિદેશમાં જૈન ધર્મની સ્થાપના કરાવનાર, ચિત્રભાનુ મહારાજ ની આ રચના છે, અને લગભગ બધા જ તેને વિશે જાણે છે.તેને ગાવાથી પણ ખૂબ જ સારા ભાવ મહેસૂસ થાય છે, તો કવિની આ રચના કક્ષાએ શબ્દાનુભૂતિની પરાકાષ્ઠાએ રહી હશે. હિન્દુ, જૈન, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એ બધા જ ધર્મ ખૂબ જ મહાન છે, અને દરેકે દરેક માનવતા શીખવાડે છે. પરંતુ જૈન ધર્મ એક એવો ધર્મ છે, જેમાં માનવતાની સાથે-સાથે અહિંસાને પણ બહુ મોટા ગુણ તરીકે સ્વીકારવામાં આવ્યો છે, અને આપણે બધા જ જાણીએ છીએ, કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી પણ જૈન હોવાથી, તેમણે અહિંસાની લડત આપી અને આપણને સ્વરાજ્ય અપાવ્યું છે. ચિત્રભાનુ મહારાજે બહુ નાની ઉંમરમાં જૈન દીક્ષા ગ્રહણ કરી હતી, અને ખૂબ આકરી તપસ્યા કરી, અને ધર્મના મર્મ સુધી તેઓ પહોંચ્યા હતા. એક વાત તો બહુ સ્પષ્ટ છે કે જીવનમાં વિશેષ કર્મ કરવું, એ દરેક ના બસની વાત નથી. પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ તો અહીં સૌ કરતાં હોય છે, અને આમ જુવો તો જીવ સૃષ્ટીનો દરેક જીવ તે કરે છે, એમ પણ કહી શકીએ. પરંતુ માનવીની ઘણી લાક્ષણિકતાઓ છે, અને ઈશ્વરે પણ માનવ તરીકે જન્મ આપ્યો છે તો આપણે કંઈક કરવું ઘટે, કદાચ ન થાય તો જેણે કર્યું હોય તેને વંદન કરીએ તો પણ જીવન સુધરી જાય છે. તો આપણે આજે ચિત્રભાનુ મહારાજની રચના ગાઈને ભાવ ને શુદ્ધ કરી શકીએ છીએ. હૈયામાં મૈત્રી નું ઝરણું વહાવી શકીએ છીએ, એટલી એ શબ્દોની તાકાત છે. શાસ્ત્ર શસ્ત્ર કરતાં પણ વધુ ધારદાર અને અસરકારકતા સાબિત થાય છે. સ્વયં ઈશ્વરની મરજી હોય, તો જ આ બધું શક્ય છે. માટે આવા દરેક વંદનીય મહાપુરુષનું જ્યારે જ્યારે સ્મરણ થાય ત્યારે તેની એ કક્ષાને વંદન કરી લેવાથી પણ જીવન સરળ બને છે.
હમણાં 6 ઓગસ્ટે ફ્રેન્ડશીપ ડે એટલે કે મિત્રતા દિવસ ગયો, આજકાલના આ યુગમાં યુવાનોને આવા બધા દિવસો ઉજવવાનું ઘેલું લાગ્યું હોય તેમ દેખાય છે. પણ મિત્ર તો હોવો જ જોઈએ એટલે કે કોઈ એકાદ ખૂણો એવો હોવો જોઈએ કે જ્યાં આપણે આ દુનિયાદારી આવ્યા વાર કે કર્તવ્ય ઘરમાં બધું જ ભૂલી અને નીરસ થતી જતી જિંદગીમાં રસ ભરી શકીએ! અને લગભગ બધાંએ કબુલ્યું હશે કે જીવનમાં એકાદ મિત્ર તો હોવો જ જોઈએ. એ દિવસે સોશિયલ મીડિયા પર મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું નામની પ્રાર્થના પણ ખૂબ બધા ગ્રુપમાં અને અન્ય સ્વજનો દ્વારા એકબીજાને મોકલવામાં આવી, એટલે કે હૃદયની અંદર મૈત્રીનું ઝરણું રાખીને જીવવામાં આવે તો એ જીવનને સકારાત્મક બનાવે છે, તેમ જ એકબીજા સાથે જોડવાનું પણ કાર્ય કરે છે. તો હે ઈશ્વર કવિની કલ્પના કે ઈચ્છા જેમ સૌનાં હૃદયમાં મિત્રતાનો ભાવ બનાવી રાખજે, અથવા તો સંવેદન વહેતુ રહે એવું કરજો. જેથી કરીને સકલ વિશ્વ માટે મંગલ ભાવના બની રહે, પુરા વિશ્વમાં કોઈ પારકું ન હોવાનો ભાવ થાય, એટલે કે વસુધૈવ કુટુંબની ભાવના અંતરમાં વહે ત્યારે જ આપણે બીજાનું પણ શુભ વિચારી શકીએ છીએ.અહમ ને ભૂલીને અન્યના ગુણ દર્શન કરી શકું એવી દ્રષ્ટિ આપજો, તથા એવી વ્યક્તિ દેખાય તો હૈયું નૃત્ય કરે, અથવા રાજી થઈ જાય, એવા ગુરુજનો અથવા તો ગુણવાન વ્યક્તિના ચરણમાં બેસી જીવન પસાર થાય. સમાજમાં દિન, હિંસક, એટલે કે ક્રૂર અને ધર્મ હીન બની જીવનારા લોકોને જોઈને, દિલમાં દર્દ થાયને આંખ માંથી એના પ્રત્યે કરુણા વહે. જીવનના માર્ગ એટલે કે સચ્ચાઈ ને ઈમાનદારીની રાહ પરથી જે ભટકી ગયા હોય તેને સચ્ચાઈની રાહ દેખાડવા ધૈર્ય પૂર્વક ઉભો રહું, ઉપેક્ષા કરે તોય ચિત્તમાં સમભાવ રાખી શકું.મૈત્રીના ચારેય ગુણ હૈયામાં ધરી ગુણીજનની જેમ વેરઝેરના ભાવ ત્યજીને વિશ્વ મંગલના ગીત ગાઉં. આપણે સૌ પણ બાળક બની અને આ પ્રાર્થના નું ગાન કરીને કવિની હ્રદયતમ ઈચ્છા પ્રમાણે હૈયામાં મૈત્રીના આ ભાવ ભરી જીવીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવી પ્રાર્થના સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
આથી હું ફાલ્ગુની વસાવડા બાંહેધરી આપું છું કે આ મારી સ્વરચિત રચના છે..
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.