સદગુરુ કૃપા હી કેવલમ.
શીર્ષક- ટમેટાં મોંઘાં થયાની મુંજવણ! પણ શું ટમેટાં વગર એક બે મહિના ચલાવી ન શકાય?
હાલના સમયમાં સોશિયલ મીડિયા એક બહુ પ્રભાવક માધ્યમ તરીકે સાબિત થતું જાય છે. એમાં પણ ઋતુ અનુસાર જીવન જરૂરિયાતની કોઈ ને કોઈ ચીજ વસ્તુઓ મોંઘી થાય એટલે સોશિયલ મીડિયા પર એનાં મેસેજનો મારો બોલવા લાગે. ઉનાળામાં લીંબુ, આદું, તો અત્યારે ચોમાસામાં ટમેટાંની બજાર એકદમ ઉંચી છે, અને જ્યાં જુવો ત્યાં બસ આને કારણે સતત કોઈને કોઈ મેસેજ જોવા મળતાં હતાં. આમ વાસ્તવિકતા એ છે કે પ્રજા સતત કોઈને કોઈ કારણોસર ભીસમાં રહેતી દેખાય છે, બાહ્ય પ્રકૃતિમાં થતાં સતત કોઈને કોઈ ઉપદ્રવનો ઊહાપોહ અને આ ઊહાપોહ ને કારણે આંતરિક પ્રકૃતિમાં પણ અસંતુલન સતત જોવા મળે છે. ભારતીય સમાજ આમ પણ સમસ્યાનો ભંડાર છે, અને એમાં પણ મધ્યમ વર્ગીય માનવી તો ઘંટી વચ્ચે પીસાતા અનાજ જેવી હાલત અનુભવે છે. કારણ કે ધનવાનને ગમે તેટલી મોંઘવારી વધે, તો કોઈ ફેર પડતો નથી, અને નીચલા વર્ગને દાન ધર્મને નામે કંઇક મળતું રહે છે, અને આ બધું જોતાં મધ્યમ વર્ગનો માનવી જ અંતે આ બધી સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે.
મધ્યમ વર્ગની વ્યાખ્યા કરવી હોય તો એમાં મોટભાગે નોકરિયાત જ આવે, જેની કમાણી માંથી પા ભાગનો ટેક્ષ સરકાર કાપી લે, અને એ રુપિયા થકી જ નેતાઓના લીલા લહેર હોય. એનાથી પણ વધુ કમાતા વેપારી ટેક્ષ ચોરી કરી વધુ ને વધુ ધનવાન બને,અને આ બધું નજરે જોવાની પીડા અને પાછી ઉપરથી આ ટમેટાં જેવી ચીજની મોંઘવારી અને અન્ય સમસ્યાની ભીંસ જુદી. પરંતુ એક વિચાર એ પણ આવે કે શું ટમેટાં વગર એક બે મહિના ચલાવી ન શકાય?
આજકાલ સમગ્ર વિશ્વ જે રીતે વૈશ્વિક મંદી અને યુદ્ધની અસર તળે આવી ગયું છે, તે જોતાં વિશ્વના બધા જ દેશોમાં કોઈ ને કોઈ તકલીફ થઈ છે. કોઈ ને આર્થિક મુશ્કેલી આવી તો કોઈ દેશમાં અસંખ્ય લોકો કોઈને કોઈ કુદરતી કે કૃત્રિમ હોનારતને કારણે મૃત્યુ પામ્યાં. આ બધાં કારણોસર આજનો યુવા વર્ગ આવતી કાલ પર બહુ ભરોસો કરતો નથી અને "જીવન એટલે જલસા" એ વિચાર પર આ મોંઘવારી વધતી જ જાય છે, કારણકે મોંઘવારી વધવા માટે ડિમાન્ડ વધવી એ એકમાત્ર કારણ છે. ઉપરાંત આધુનિકરણ કે વૈજ્ઞાનિક વિકાસને કારણે વિશ્વમાં બીજા પણ ઘણાં બધા પ્રશ્નો ઉદભવે છે. એમાં પણ ભારત દેશ સૌથી વધુ વસ્તી ધરાવવાને કારણે દરેક એન્ગલથી અત્યારે મૂંઝવણમાં મુકાયો છે. પ્રજાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠતો જાય છે, અને સરકાર કંઈ કરી પણ શક્તી નથી એવું લાગે. સરકાર સામે પણ અત્યારે દિવસે દિવસે પૂર અતિવૃષ્ટિ જેવા અત્યંત કપરા સંજોગો ઉપસ્થિત થઈ રહ્યા છે. પરંતુ દરેક વખતે આપણી પરિસ્થિતિ માટે, સરકાર કે સમાજ જવાબદાર હોતો નથી, એ વાત પણ હવે નાગરિકોએ સમજવા જેવી છે. છતાં પ્રજાના મત અનુસાર આજકાલ આપણો ભારતીય સમાજ કેવા કેવા પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે એ વિશે વિચારીએ, જેમ કે પ્રદૂષણ,વસ્તી વધારાને કારણે દરેક વર્ગને પ્રાથમિક સુવિધાનો અભાવ રહે છે, તેથી આર્થિક અસામાનતા, મોંઘવારી કુપોષણ,બાળ મજૂરી, યૌનશોષણ, ઘરેલુ હિંસા, ચોરી સાયબર ક્રાઇમ, વગેરે. આ ઉપરાંત શિક્ષણ એક વેપાર કે ધંધો બની જતાં પતન તરફ જતું શિક્ષણ,દરેક સેન્ટરમાં અદ્યતન મેડિકલ સારવારનો અભાવ,પાણીની અછતને કારણે ખેત પેદાશોમાં ઘટતું જતું નીપજનું પ્રમાણ, ઉપરાંત રોગનાશક કે જંતુનાશક દવાના કારણે ખોરાકમાંથી ઘટતાં જતાં ન્યુટ્રીશન, પેટ્રોલ ડીઝલનાં વધુ પડતાં વપરાશથી વાતાવરણમાં કાર્બન મોનોક્સાઈડ જેવા ઝેરી વાયુના પ્રમાણનો વધારો.ઉપરાત દુષ્કાળ, અતિવૃષ્ટિ,પૂર, ધરતી કંપ, સુનામી જેવા દરિયાઈ વાવાઝોડા,વાયુના પ્રકોપથી ઉદભવતા વાવાઝોડા, ભૂસ્ખલન,અને કેટલીય પ્રકારના એકસીડન્ટ,અને રોગચાળો,આવાં તો કેટલાંય પ્રશ્નોમાં સામાન્ય નાગરિક જન્મથી મૃત્યુ સુધી ફસાયેલો રહે છે.
વૈજ્ઞાનીકરણ ને કારણે પ્રકૃતિમાં પ્રદૂષણનો સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે, અને તેને બેલેન્સ કરવું ઘણું અઘરું થઈ રહ્યું છે. છતાં આપણે અણસમજુની જેમ પ્રકૃતિના એકેય ઘટકનું સંરક્ષણ કરવું નથી,નથી પાણી બચાવવું કે નથી વિજળી બચાવવી,અને વૃક્ષોનો ઉછેર કરીને કે નવા વાવીને ઓક્સિજન લેવલ વધારી શકીએ તેમ છીએ, કારણ કે ઓક્સિજન વગર માનવ જીવન અશક્ય છે, છતાં એ પણ કરવું નથી,ને વિકાસ ને નામે આડેધડ વૃક્ષો કાપવા છે, તો વિચાર કરો કે પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ કોનું કામ છે? એ કામ આપણું જ છે, અને કરવું પણ નથી, છતાં ફરિયાદ સરકાર સામે કરીએ છીએ. ક્યા ક્યા કારણોસર પ્રકૃતિમાં પ્રદૂષણ આવે છે, એ આપણે સૌ જાણીએ છીએ. કારણ કે એટલું સામાન્ય શિક્ષણ તો આપણે બધાએ લીધું જ છે. છતાં એ તરફ આંખ આડાં કાન કરી આડેધડ જીવન જીવી રહ્યા છીએ, અને દોષ અન્ય પર નાખીને ટમેટાં જેવી સામાન્ય વસ્તુ નથી મળતી ! એવાં બૂમ બરાડા પાડીએ છીએ.
કોરાના કાળ પછી શિક્ષણ પર સારી એવી અસર પડી છે, અને એમાં પણ આ ઓનલાઇન શિક્ષણને કારણે તો ક્યાંક ક્યાંક વિદ્યાર્થીઓ સાવ બગડી ગયાં હોય, તેવું પણ બન્યું છે,કારણ કે સ્માર્ટ ટેકનોલોજીના ફાયદા ની સાથે સાથે ગેરફાયદા પણ ઘણા છે. એ તરફ શરુઆતમાં કોઈક વાલીએ ધ્યાન ન પણ આપ્યું હોય તો બગડી પણ શકે, અને વાંક ઓનલાઇન શિક્ષણનો કાઢવો છે.આ ઉપરાંત શિક્ષણ આજે ધંધો બની ગયો છે, એટલે તેમાં શીખવાડવાની વૃત્તિ કરતા લઈ લેવાની વૃત્તિ કે રૂપિયા પડાવી લેવાની વૃત્તિ વધુ આવી ગઈ હોવાથી અંતે વિદ્યાર્થી સાચી નીતિ શીખી શકતો નથી, અને સ્પર્ધામાં જોડાયો હોય તેવું તેનું જીવન થઈ ગયું છે. આમ પણ સ્નાતક થવા સુધીમાં મીનીમમ વીસ લાખ સુધીનો ખર્ચ થયો હોય તો એ પણ કમાણી શરૂ થયા પછી નીતિ ને છોડી જલ્દીથી એટલાં જોડવામાં લાગી જાય છે.
સરકાર કોઈ પણ હોય ભારત વસ્તી વધારાને કારણે દરેકે દરેકને પ્રાથમિક સુવિધા પૂરી પાડી શકતો નથી.ભારત ગામડાઓથી બનેલો દેશ છે, અને અહીં આર્થિક અસમાનતા પણ ખૂબ જોવા મળે છે.કોઈને રહેવા માટે મોટા મોટા મહેલો હોય, તો કોઈને ઝૂંપડું પણ નસીબ હોતું નથી.કોઈના ઘરમાં ગેસ, ઑવન,હોટ પ્લેટ, માઇક્રોવેવ, જેવા અદ્યતન સાધનો હોય છે, અને કોઈને ચૂલો સળગાવવા લાકડું પણ હોતું નથી, અને કોઈ ને છત્રીસ પકવાન જ્યારે કોઈ ને ભાગે સૂકી રોટી પણ નસીબ નથી હોતી.એટલે આર્થિક અસમાનતા એ અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે.એટલે ગરીબ પ્રજા પોતાની જરૂરિયાત માટે ક્યારેક વિદ્રોહ પર ઉતરી આવે છે,અને ચોરી લૂંટ હિંસા અને બલાત્કાર જેવા શરમજનક કૃત્યો કરે છે.તો સામાન્ય નાગરિક પોતે સુખ સગવડ અને એશોઆરામ માટે નીતિ ને નેવે મુકે છે, અને એ રીતે ભ્રષ્ટાચાર વધે છે.
બીજી સમસ્યા અહીં એ છે કે એકવાર જે વસ્તુ ના ભાવ વધ્યા એ પછી એટલાં ઓછાં થતાં નથી હાં શાકભાજી ની વાત જુદી છે કારણ એ તો બગડી જાય. પણ પેટ્રોલ-ડીઝલ તો હવે સસ્તા થવાનાં નથી,ત્યારબાદ ખાદ્યતેલમાં પણ ઉછાળો નોંધાયો, આમ એક પછી એક જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધારો થતો જ રહે છે, અને મધ્યમ વર્ગનો માનવી એ ચક્રવ્યૂહમાં પીસાતો રહે છે. ખાવા-પીવાની ચીજવસ્તુથી માંડીને દવા અને મેડિકલ સુવિધા પણ આજકાલ અત્યંત મોંઘી થતી જાય છે, જે દરેક લોકો એફર્ડ કરી શકતા નથી,અને ભારતમાં તેથી જ કુપોષણનું પ્રમાણ વધારે છે, અને ગર્ભવતી સ્ત્રીને પુરતું પોષણ મળતું ન હોવાથી વિકલાંગ બાળકોનું પ્રમાણ પણ વધુ છે.
કુદરતી આફત રૂપે પણ પ્રજાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, અને ઘણીવાર તો જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ એવા પણ સંજોગો ઉભા થઈ જાય છે. માંડ માંડ ઉભા કરેલા આવાસો પણ આવી આફતોમાં ધરાશાયી થઇ જતાં લોકો તકલીફમાં આવી જાય છે. પ્રકૃતિના પ્રદૂષણનો વધારો થતાં અતિશય ઠંડી, અતિશય ગરમી, અને અતિવૃષ્ટિ જેવા ઘાતક પ્રશ્નો તો પાછા ઊભા જ છે. પરંતુ કારણ ગમે તે હોય પણ માનવ સમસ્યા કુદરતી હોય કે કુત્રિમ પણ દરેક સમસ્યા સામે લડી લેવાની પોતાની હિમ્મત કે આત્મબળ ને કારણે જ આજ સુધી પોતાનું અસ્તિત્વ બરકરાર રાખી શક્યો છે, એ વાતમાં કોઈ બે મત નથી.જય હિન્દ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
બાંહેધરી :- આથી હું, ફાલ્ગુની વસાવડા ખાતરી આપુ છું કે આ મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.