સદગુરુ કૃપા હી કેવલમ
સંકલન- ફાલ્ગુની વસાવડા
શીર્ષક માનસ મહાકાલ! (ભાગ- ૭)
કોલમનું નામ-સદગુરુ વચનામૃત
આશ્રિત અપરાધ કરે તો એ ગુરુ અપરાધ કહેવાય, એવાં દસ પ્રકારના ગુરુ અપરાધથી આશ્રિતે બચવું
સાતમા દિવસની માનસ મહાકાલની કથામાં પ્રવેશ કરતાં પૂજ્ય બાપુએ કહ્યું કે ગુરુકૃપાથી જે સમજાયું તેની આપણે તાત્વિક સાત્વિક ચર્ચામાં મહાકાલનાં મંદિરમાં જ્યાં એક બુદ્ધ પુરુષ બેઠાં છે, અને તેનો આશ્રિત કે જેણે ગુરુના 10 અપરાધ કર્યા છે, તે પણ બેઠો છે. એ આશ્રિતનો એ વખતનો મહાકાલના મંદિરમાં છેલ્લી વારનો પ્રવેશ બતાવાયો છે. કારણ કે ત્યાર પછી એ લોમસના ઘરે બ્રાહ્મણ પુત્ર તરીકે જન્મે છે, અને પછી કાગડો બની જાય છે. બીજી રીતે કહું તો ભૂષંડીજીનો પછી મહામૃત્યુંમાં હવે પ્રવેશ નહીં થાય, હવે એ ઇચ્છામૃત્યુ થઈ ગયો છે, અને આ વાત તે પોતે જ કહે છે.
તજઉં ન તન નિજ ઈચ્છા મરના,
તન બીનુ બેદ ભજન નહિં બરના.
હે ગરુડ! હું હવે કાગડાનું શરીર છોડવા નથી માંગતો, મને ગુરુકૃપાથી કે મહાદેવની કૃપાથી ઈચ્છા મરણનું વરદાન પ્રાપ્ત થયું છે, અને વેદમાં કહ્યું છે કે શરીર વિના ભજન નહીં થાય. કોઈ બુદ્ધ પુરુષનું સાનિધ્ય પ્રાપ્ત થઈ જાય એને વળી મરણ કેવું! શરીરની વાત છોડો!
બુજને સે જીસ ચિરાગ ને ઇનકાર કર દિયા,
ચક્કર કાટ રહી હૈ હવાએ ઉસી કે પાસ!
અસતો મા સદગમય,
તમસો મા જયોર્તિગમય
મૃત્યો મા અમૃતં ગમય.
આપણા ઉપનિષદમાં પણ આવી ઘોષણા કરવામાં આવી છે. ભુષંડીજી મહાકાલનાં મંદિરમાં પછી પ્રવેશ્યા નથી, તો કોઈએ શિવને પૂછ્યું કે તો હવે તમે શું કરશો તો શીવે કહ્યું કે હું એની પાસે જઈશ, અને ભગવાન શંકર હંસના રૂપમાં ભૂષંડીજીની કથા સાંભળવા ગયાં, હંસ બનીને છેલ્લી પંક્તિમાં બેસીને એમણે કથા સાંભળી આ છે. આપણી અસ્મિતા કે અધ્યાત્મની રૂડી પરંપરા! કે જ્યાં ખુદ મહાકાલ શિવ એને મળવા જાય છે.
ભૂષંડીજી એ દસ અપરાધ કર્યા છે, બની શકે તો ગુરૂ અપરાધથી બચવું. ગરુડ એને પૂછે છે કે તમે તમારા બુદ્ધ પુરુષને જોયા નહોતાં! કે આંખો બંધ હતી? એણે કહ્યું કે ના મેં એને જોયા હતાં, પણ અણદેખ્યું કર્યું. પ્રજ્ઞા ચોરીની વાત કરતા કહ્યું કે આજકાલ સમાજમાં પ્રજ્ઞા ચોરી થાય છે. જેનું ચિંતન હોય એનું નામ સાથે કહેવાથી આપણે કંઈ નાના થઈ જતા નથી.
ભૂષંડીજીનાં દસ અપરાધ ગણાવતા કહ્યું કે (૧) ગુરુ સાથે અદ્વૈત સંબંધ રાખવો, એ પ્રથમ અપરાધ છે. એ ગુરુ અને હું એનો આશ્રિત, એ સ્વામી હું સેવક, એમ દ્વૈત સંબંધ જ ત્યાં હોય. (૨) ગુરુ પ્રત્યે દ્વેષ ઈર્ષા અને સ્પર્ધા ને કારણે વારંવાર ગુરુદ્રોહ. (૩) ગુરુમાં મનુષ્ય બુદ્ધિ જોવી એ ત્રીજો અપરાધ છે, ગુરુ નર રૂપ હરિ છે. પૂર્ણ નિષ્ઠા વાળા માટે ગુરુ મનુષ્ય નથી ઈશ્વર છે. (૪) ગુરુએ આપેલો મંત્ર છોડી દેવો, એ ચોથો અપરાધ છે. ગુરુને છોડી દ્યો એને ખરાબ નહિ લાગે, પણ મંત્ર સાર્વભૌમ છે, એટલે એને ક્યારેય છોડવો નહીં. ડોંગરે મહારાજને યાદ કરતા કહ્યું કે મંત્ર, મુર્તિ, અને માળા ક્યારેય છોડવા નહીં તેવું એ પણ કહેતા.(૫) ગુરુ ગ્રંથ છોડવો એ પાંચમો અપરાધ છે, કોઈ વૈદિક શાસ્ત્ર આપણા ગુરુએ આપણને આપ્યું હોય તો, એના મૂળિયા પકડીને નવા નવા ફૂલ ખીલવવા અથવા તો નવા નવા અર્થ કરવાં, પણ એ ગ્રંથ ક્યારેય છોડવો નહીં. (૬) ગુરુ ગાદીની કામના રાખવી એ છઠ્ઠો અપરાધ છે, ગુરુની ગાદી નહીં પણ ગોદની કામના રાખવી એટલે કે, બાળક જેમ એના સ્નેહના અધિકારી થવું. (૭) ગુરુને સાધ્યની બદલે સાધન બનાવવાં એ સાતમો અપરાધ છે. એટલે કે એના નામનો ઉપયોગ કરી, અને પ્રતિષ્ઠા કમાઈ લેવી. (૮)એની પાદુકા રાખવી એનું પૂજન કરવું પણ તેના વચન ને અનુસરવું નહીં, એનાં પદ એટલે કે કવિતા ગીત ગઝલ ને પણ પદ કહેવામાં આવે છે, તો એનું અપમાન કરવું એ આઠમો અપરાધ છે.(૯) ગુરુને સોના ચાંદીના સિક્કાથી તોલવા એ નવમો અપરાધ છે, આવી પરંપરા છે, પરંતુ આશ્રિત પોતાનો ભાવ માટે થઈને આવું કરતો હોય છે, ગુરુને તેનાથી કંઈ ફેર પડતો નથી, એટલે કે સોના ચાંદીનું તેને મને કોઈ મહત્વ હોતું નથી. ગુરુને એની સાદગીથી તોલો, એના વૈરાગ્યથી તોલો, એના અંતકરણના ઊંડાણથી તોલો (૧૦) ગુરુને અંધારામાં રાખી એની સામે ખોટું બોલવું એ દસમો અપરાધ છે. એ તો ભદ્ર પુરુષ છે, વૈષ્ણવ છે, તમારી વાત સાચી માની લેશે, પણ આપણે અપરાધી થઈ જઈશું માટે ગુરુ સામે સાચું જ બોલવું.
આશ્રિત અપરાધ કરે તો એ ગુરુ અપરાધ કહેવાય એ જ રીતે, તથાકથિત ગુરુઓ પણ શિષ્યનો અપરાધ કરે છે, અને એ પણ દસ અપરાધ તુલસી એ લખ્યા છે. તો પલ્લું તો સરખે સરખું હોવું જોઈએ, એટલે કે આશ્રિતને પણ કહેવાતાં ગુરુઓથી નુકસાન ન થવું જોઈએ.
હરહિં શિષ્ય ધન શોક ન હરહિં,
સો ગુરુ ચોર નમક માહિ પરહિં.
તુલસીજી અપરાધ ગણાવતા કહે છે કે (૧) જે ગુરુ શિષ્યનું ધન હરી લે છે, પણ જેના જન્મજન્મનાં શોક હરતાં નથી, એ ગુરુ શિષ્ય અપરાધ કરી રહ્યા છે.(૨) શિષ્ય અને શિષ્ય પરિવારનું શોષણ કરવું તે બીજો અપરાધ છે, કારણ કે ગુરુ શોષક નહીં પરંતુ પોષક હોય છે. (૩) અશુદ્ધ મંત્ર દાન કરવું એ ત્રીજો અપરાધ છે, કારણકે જેમણે મંત્ર સિદ્ધ કર્યો હોય એ જ મંત્રનું દાન કરી શકે, એટલે કે મંત્ર દીક્ષા કે નામ દીક્ષા આપી શકે. શાસ્ત્ર વિરુદ્ધ કે વેદ વિરુદ્ધ મંત્રનું દાન એ શિષ્ય પરાધ છે. (૪) શિષ્યને વારંવાર પ્રલોભન આપવું કે ભય બતાવવો, એ પણ તેનો અપરાધ છે. શિષ્યને મોક્ષનું પણ પ્રલોભન આપવું નહીં, એમને પ્રેમ કરવો અને રામ ભજત સોઈ મુક્તિ ગોસાઈ. આતો નીતિનો પ્રદેશ છે, અહીં કોઈ કહે કે મેં ઈશ્વર તત્વને જાણી લીધું તો, એને ક્યારેય સંત કે ઈશ્વર સમજવા નહીં! (૫) લાભ મેળવવા માટે શિષ્યની ખોટી પ્રસંશસા કરવી, એ પણ એક અપરાધ છે! એમ કરવાથી ખુદની સરસ્વતી રૂઠી જશે અને શિષ્યનું પણ અકલ્યાણ થશે! (૬) શિષ્ય નીપાત્રતા જોયા વિના એમની પાસે શાસ્ત્ર ખોલવું એ પણ અપરાધ છે,અને એટલે જ આપણી ગંગાસતી કહે છે કૃપાત્રની આગળ વસ્તુ ન વાવીએ સમજીને રહીએ ચૂપ રે... એટલે કે અ પાત્રની આગળ શાસ્ત્ર દાન એ અપરાધ છે. (૭) આશ્રિત ભૂલ કરે અને ગુરુ એ વાતનો બદલો લેવા માટે તૈયાર થઈ જાય તો એ પણ એક અપરાધ છે, ગુરુ બદલાનો નહીં, પણ બલિદાનનો માણસ છે.(૮) પરચા અને ચમત્કારની વાતો કરવી અને શિષ્યને છેતરવો. (૯) ગુરુ તરફથી શિષ્યને અમુક પ્રકારની પદવીઓ આપવામાં આવે જેમકે સેવક શિરોમણી, સેવક રત્ન, સેવક શ્રી! તો આવી પદવીઓ આપી અને આશ્રિતની કેટેગરી બનાવવી એ પણ એક અપરાધ છે. (૧૦) દસમો અને અંતિમ અપરાધ ગણાવતા કહ્યું કે આશ્રિત આગળ બ્રહ્મનું નિરુપણ કરવાની બદલે જે તેને ભ્રમમાં રાખે, એટલે કે બ્રહ્મનું નિરૂપણ નહીં ભ્રાંતિઓનું નિરૂપણ કરે એ અપરાધ છે.
સાચાં સંત સાધુ કે સદગુરૂ કોને કહેવા? એમ કરી એક ગુજરાતી ગઝલ કહી.
ખાંપણ સરખો ખેસ કબીરા,
લોક કહે દરવેશ કબીરા.
લીરેલીરા જીવતર ઓઢી,
છોડી ચાલ્યો દેશ કબીરા.
અહાલેક કરીને જીવન મરણની પરવાહ કર્યા વગર જે ખાંપણ જેવડો ખેસ એટલે કે પહેરણ કે જીવન સાધન સ્વીકારીને સમાજ માટે નીકળી પડે. અલખ જગાવીને જે દિશા બદલી નીકળી જાય એ સાધુ છે.
ફરી પાછા મહાકાલનાં મંદિરમાં લઈ જાય છે અને ત્યાં આગળ ભૂષંડીજીએ પોતાના ગુરુને જોયા છતાં દંડવત ન કર્યા, એ ઘટનાનું સ્મરણ કર્યું અને કહ્યું કે ભૂષંડીજી જો મંત્રનું રટણ કરતા હોત તો, એ ગુરુ અપરાધ ન કહેવાય! કારણ કે મંત્રમાં અમુક નિયમો હોય છે, અને તે અમુક સંખ્યામાં પૂરા ન થાય ત્યાં સુધી ઉભું થવાતું નથી. પરંતુ એ તો નામ સ્મરણ કરી રહ્યા હતા, અને છતાં ગુરુને દંડવત ન કર્યા. એટલે મહાકાલ કોપિત થયાં, અને શિવે શાપ આપ્યો. આશ્રિતના બુદ્ધ પુરુષ મદદે આવે છે, બિલકુલ બાળકને એના પિતા દંડ દેતા હોય, ત્યારે જેમ એની માતા વચ્ચે પડીને એનો અપરાધ નથી, એની ભૂલ નથી, એમ કરે છે, એ જ રીતે બુદ્ધ પુરુષ પણ શિવને કહે છે કે, મારી જ કોઈ ખામી રહી ગઈ હશે, માટે એને માફ કરી દો. ભૂષંડીજીને બહુ પસ્તાવો થાય છે, એ બુદ્ધ પુરુષના ચરણોમાં દંડવત કરે છે. પરંતુ અબ ચીડિયા ચૂગ ગઈ ખેત, ની જેમ શિવ કોપિત થઈ ચૂક્યા હતાં, અને તેના ક્રોધને શાંત કરવા માટે એ બુદ્ધ પુરુષ રુદ્રાષ્ટકનું ગાયન કરે છે, અને એની સાત્વિક તાત્વિક ચર્ચા આપણે કરી રહ્યા છીએ. શિવ કૃપાળુ છે, પરંતુ આપણા ગુરુ અતિ કૃપાલુ છે, અને એ આપણાં દંડને પોતાની પર લઈ લેતા હોય છે. એટલે સંત કે સદગુરુના અપરાધથી બચવા માટે રુદ્રાષ્ટક પર્યાપ્ત છે. હું કહું છું કે રુદ્રાષ્ટક સિદ્ધ અષ્ટક છે, અને શુદ્ધ અષ્ટક છે, જે આપણા અંતકરણને પણ શુદ્ધ કરી દે, એવું રુદ્રાષ્ટક એ બુદ્ધ પુરુષ દ્વારા મહાકાલના મંદિરમાં ગાવામાં આવ્યું હતું.
કથાનાં ક્રમમાં આગળ વધતાં કહ્યું કે ગઈકાલે આપણે જોયું કે ભગવાન શંકરને સમાધિમાંથી જાગૃત કરવા માટે કામદેવ આવ્યાં, અને ભગવાને તેને બાળીને ભસ્મ કરી દીધાં. શિવ જાગૃત થયા અને સ્વાર્થી દેવતાઓ શિવ પાસે જઈને એની પ્રશંસા કરી, અને એમને લગ્ન કરવા માટે મનાવી લે છે. મહાદેવ મનોમન કહે છે કે, તમે દેવ છો તો હું મહાદેવ છું! તમારા કહેવાથી કે તમારી પ્રશંસા કરવાથી હું લગ્ન નહીં કરું, પરંતુ મારા ઠાકુરે મને આદેશ આપ્યો છે, માટે હું લગ્ન કરવા તૈયાર છું. પછી તો શિવનાં ગણો દ્વારા શિવનાં શૃંગાર વગેરેનું વર્ણન કર્યું, જાનનું વર્ણન કર્યું. પાર્વતી નાં દુલ્હાને જોઈ હિમાચલવાસી ઓની દ્વિધા બતાવી, દુલ્હના દેશમાં ભગવાન શંકરનું રૂપ જોઈ, રાજા હિમાચલ અને મેનાવતીનાં દુઃખનું વર્ણન કર્યું. નારદ આવ્યાં અને એમણે તેમની શંકાનું સમાધાન કર્યું કે આ પુત્રી મા જગદંબા છે, અને ભગવાન શંકર તેના જન્મો જન્મના સ્વામી છે. અષ્ટ સખીઓ દ્વારા પાર્વતીના શૃંગારની તેમજ પાણીગ્રહણની વિધિ બતાવી. હિમાચલ અને મેનાવતી એ ભારે હૃદય પુત્રીની વિદાય કરી. રંક હોય કે રાજા પણ પુત્રીની વિદાય, દરેક માતા-પિતા માટે વસમી વેળા છે, એ વાતનું પણ સવિસ્તાર વર્ણન કર્યું. હિમાચલથી વિદાય લઈને શંકર પાર્વતી કૈલાશ આવે છે, અને ભગવાન શંકર અને મા પાર્વતીના નિતનૂતન વિહારનું તુલસીદાસજી મર્યાદામાં વર્ણન કરે છે. દિવસો વીતવા લાગ્યા અને મા પાર્વતી કાર્તિકને જન્મ આપે છે. કાર્તિકેયનો એક અર્થ પુરુષાર્થ થાય છે, અને કાર્તિકનાં છ મુખ, એટલે પુરુષાર્થના પણ છ મુખ હોય છે. કાર્તિકેય તાડકા સુરનો વધ કરે છે, અને દેવતાઓને તેમના સુખ અને ભોગ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ એક દિવસ શિવ પ્રસન્નતાથી વટ નીચે વિશ્રામ કરતાં બેઠા છે, ત્યાં પાર્વતી આવી અને શિવનાં વામ ભાગમાં આસન ગ્રહણ કરે છે. રામકથાની જીજ્ઞાસા વ્યક્ત કરે છે, અને કહે છે કે હે પ્રભુ મને રામ તત્વ સમજાવો, અને આમ ભગવાન શિવ, પાર્વતી સન્મુખ થઈ જ્ઞાનપીઠ ઉપરથી કથાનો પ્રારંભ કરે છે, અને આપણે એ કથા કાલે કરીશું એમ કરી કથાને વિરામ આપે છે.
સંકલન. ફાલ્ગુની વસાવડા.( ભાવનગર)
બાંહેધરી :- આથી હું, 'ફાલ્ગુની વસાવડા' ખાતરી આપુ છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે. જો એ કોઈની નકલ પુરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ?
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.