હિન્દુ સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પવિત્ર સ્નેહને દર્શાવતું ને ઉતરોત્તર સ્નેહ વધારતું અનેરું પર્વ એટલે રક્ષાબંધન - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 27 ઑગસ્ટ, 2023

હિન્દુ સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પવિત્ર સ્નેહને દર્શાવતું ને ઉતરોત્તર સ્નેહ વધારતું અનેરું પર્વ એટલે રક્ષાબંધન

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- વાંચન વિશેષ


હિન્દુ સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પવિત્ર સ્નેહને દર્શાવતું ને ઉતરોત્તર સ્નેહ વધારતું અનેરું પર્વ એટલે રક્ષાબંધન


         ઘણીવાર વિચાર આવે કે આ એકધારી જિંદગીમાં જો તહેવાર અને ઉત્સવો ન હોય તો લોકોનું શું થાય! કારણ કે સામાજિક સમસ્યા, રાજકીય સમસ્યા, અને વ્યવસાયિક સમસ્યા, તેમજ આજકાલ તો સંબંધો પણ હવે અમુક રીતે સમસ્યા જેવા થઈ ગયા છે, એટલે કે એમ કહી શકાય કે ચારે બાજુથી નિરાશાનો અંધકાર હોય ત્યાં, કોઈ જીવવાનું કારણ મળે એવું આશાનું કિરણ આ તહેવારો અને ઉત્સવો આપણને પૂરું પાડે છે.  એટલે આજકાલ પશ્ચિમની સંસ્કૃતિમાં ઉજવાતા મધર્સ ડે, વિમન્સ ડે, મેન્સ ડે, ફાધર્સ ડે, સિસ્ટર્સ ડે, બ્રધર્સ ડે, વગેરે ઉજવવાની આપણે ત્યાં પણ એક પરંપરા શરૂ થઈ છે. શ્રાવણ એટલે ભક્તિનો મહિનો તો ખરો જ! પણ સાથે સાથે તહેવારનો મહિનો પણ ખરો. આપણે કોઈ નું અનુકરણ કરવાની જરૂર નથી કારણ કે આપણી સંસ્કૃતિમાં તો દરેક સંબંધનું મહત્વ વધારતા કોઈને કોઈ તહેવાર છે. શ્રાવણમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધને મજબૂત બનાવતો તહેવાર પણ આવે છે. દરેક બહેન અને ભાઈ આ તહેવારની રાહ જોતા હોય છે, અને રક્ષાબંધનને કંઈ રીતે ખાસ બનાવવી એવું વિચારે છે. આ વખતે તો ચંદ્રાયન 3 નું ચંદ્ર પર સફળતાપૂર્વક લોન્ચિંગ થયું એટલે સોશ્યલ મીડિયા પર," ધરતી માતા પહોંચી ચંદા મામા ને રાખડી બાંધવા" એવાં સુંદર અને આપણી સંસ્કૃતિની ઊંચાઈ દેખાડતા મેસેજ પણ આવે છે. 


   શ્રાવણ સુદ પૂનમ એટલે કે શ્રાવણી પૂનમ, નાળિયેરી પૂનમ, અને રક્ષાબંધનને નામે ઓળખાતો તહેવાર છે. આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં ભાઈ-બહેનના પવિત્ર સ્નેહને દર્શાવતું ને ઉતરોત્તર સ્નેહ વધારતું આ એક અનેરું પર્વ છે, જેમાં બહેન પોતાનાં ભાઈના હાથે રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધી અને ભાઈ તેની રક્ષા કે સમયે મદદનું કરે એ વિશ્વાસથી રાખડી બાધે છે,આ ઉપરાંત બહેન ભાઈનાં કપાળમાં તિલક કરી પોતાના ભાઇનું જીવન સદાય સુખી અને આનંદ ભર્યું રહે, શરીર સ્વસ્થ રહે, તેમજ જીવનના દરેક મુકામે સફળતા પ્રાપ્ત કરે, એવા આશિષ વરસાવે છે. એટલે રક્ષાબંધન નિમિત્તે અન્ય ભાવની લેણાંદેણી હોતી નથી. બહેન પ્રત્યે ભાઈને કાયમ સ્નેહભરી લાગણી હોય છે, અને બહેનને પણ પોતાના ભાઈથી વધુ કંઈ જ હોતું નથી. આવા નિર્દોષ નિખાલસ અને અનન્ય પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન. ભારતમાં આ તહેવાર ખુબજ ધામધુમથી ઉજવવામાં આવે છે, આ સાથે આ પૂનમને શ્રાવણી પૂનમ પણ કહેવામાં આવે છે. દરિયા કિનારાના માછીમાર ભાઈઓ દરિયાદેવની ચોખા ફૂલ અને નાળિયેરથી પૂજા કરે છે, ત્યારે બહેનો પોતાના માછીમાર ભાઈઓને રાખડી બાંધે છે,નાળિયેરીની પૂજા કરે છે, તેથી તેને નાળિયેરી પૂનમ પણ કહેવામાં આવે છે. ભારતમાં આ તહેવાર શું કામ મનાવવામાં આવે છે, એના કોઈ ચોક્કસ કારણો મળતાં નથી. પરંતુ પુરાણો સાથે ક્યાંક તેની વાત જોડાયેલી છે ખરી, એવું અધ્યયનથી દેખાય રહ્યું છે. 


    રક્ષાબંધનનો તહેવાર આમ તો દ્વાપર યુગથી શરૂ થયો હશે, કારણ કે કૃષ્ણના જીવન સાથે એના છેડા અડેલા છે. શ્રીકૃષ્ણના કાકી શ્રુત દેવી એ એક પુત્રને જન્મ આપ્યો જે દેખાવે ખૂબ જ વિચિત્ર હતો. તેને ચાર હાથ અને ત્રણ આંખ હતી, તેના જન્મ સમયે જ ભવિષ્યવાણી કે આકાશવાણી થઇ અને કહેવામાં આવ્યું કે આ બાળકને જેનાં સ્પર્શથી સુંદર દેખાવ પ્રાપ્ત કરશે, એના જ હાથે તેનું મૃત્યુ પણ થશે. એકવાર શ્રી કૃષ્ણ શ્રુત દેવી નાં ઘરે જાય છે, અને નાના શિશુપાલને પોતાના હાથેથી તેડી લે છે, બરાબર એ જ સમયે બાળક સુંદર દેદીપ્યમાન સ્વરૂપ ધારણ કરે છે, અને તેના કાકી એટલે કે શ્રુત દેવી ખૂબ જ રાજી થઇ જાય છે. પરંતુ આકાશવાણી યાદ આવતા તેને થાય છે કે મારા પુત્રનું મૃત્યુનું કારણ પણ શ્રીકૃષ્ણ બનશે, આથી તે પોતાના પુત્રની સલામતી માટે શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે, અને કહે છે કે મારા પુત્રનું આયુષ્ય તમારે હાથે છે, તો ક્ષમા કરો. શ્રીકૃષ્ણ કાકી ને વચન આપે છે કે હું 100 ભૂલ સુધી માફ કરીશ, પરંતુ 101મી ભૂલે તેનો વધ થશે. શિશુપાલ ધીરે ધીરે મોટો થતો જાય છે, અને એક અત્યંત ક્રૂર વ્યક્તિ બને છે. જે આગળ જઈને એક રાજા પણ બને છે, જ્યાં તે તેની પ્રજા પર ખૂબ જ ત્રાસ ગુજારે છે,અને પ્રજાને ચૂપચાપ તેનો ત્રાસ સહન કરવો પડે છે, આ ઉપરાંત તે શ્રીકૃષ્ણ ને વારંવાર પડકાર કરે છે. એક વખત રાજસભામાં શિશુપાલ પોતાની હદ પાર કરી જાય છે, અને શ્રીકૃષ્ણની ખૂબ નિંદા કરે છે. 100 વાર સુધી શ્રીકૃષ્ણ તેને માફ કરે છે પરંતુ 101 મી વારે શ્રીકૃષ્ણ સુદર્શનચક્રથી શિશુપાલનું મસ્તક છેદી નાખે છે, અને ક્રોધમાં તેની આંગળી પણ છેદાઈ જાય છે. ત્યાં હાજર લોકો શ્રીકૃષ્ણની આંગળી પર બાંધવા પાટો શોધવા દોડાદોડ કરે છે, પરંતુ બાજુમાં જ ઊભેલી દ્રૌપદી કંઈ પણ વિચાર્યા વગર પોતાની સાડી ફાડી અને તે શ્રીકૃષ્ણને બાંધી આપે છે, એટલે શ્રીકૃષ્ણ કહે છે, બહેન તેં મારી રક્ષા કરી છે, હું પણ સમયે તમારી રક્ષા કરીશ.


   આગળના પ્રસંગથી આપણે સૌ જ્ઞાત છીએ કે એક દિવસ કૌરવ-પાંડવો ધૃત ક્રીડા કરી રહ્યા હતા, અને પાંડવોની હાર પર હાર થતી હતી, તેમાં તેઓ હવે દ્રૌપદીને દાવ પર રાખી, અને એ દાવ પણ તેઓ હારી ગયાં. આથી કૌરવો ભરી સભામાં દ્રૌપદીનાં ચીર  ખેંચ્યા, અને શ્રીકૃષ્ણ એ સમયે આવી અને તેનું રક્ષણ કર્યું. ત્યારથી આ ભાઈ બહેનના પવિત્ર સંબંધને દર્શાવતો રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.


    આ ઉપરાંત કહેવાય છે કે માતા કુંતીએ પણ પોતાના પૌત્ર અભિમન્યુને રાખડી બાંધી હતી અને તેને કારણે અભિમન્યુ ચક્રવ્યૂહના કોઠામાંથી પસાર થઈ શક્યો.


   એકવાર દેવો અને દાનવો વચ્ચે ખૂબ જ લાંબું મહાયુદ્ધ ચાલ્યું હતું, કહેવાય છે કે બાર વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું, અને દેવતાઓ ચિંતિત થઈ ગયાં, કારણ મોટાભાગના દાનવો વરદાનથી આરક્ષિત હતાં, અને દેવોના દેવ ઈન્દ્ર ગભરાઈ ગયા હતાં, અને તેમણે લગભગ શરણાગતિ સ્વીકારી લીધી હતી, ત્યારે રાણી ઈન્દ્રાણીએ તેમને રક્ષાસૂત્ર બાંધી યુદ્ધમાં મોકલ્યા હતાં, અને કહ્યું હતું કે રક્ષાસૂત્ર તમારી રક્ષા કરશે, અને ત્યારે તેમનો વિજય થયો હતો.


   ભગવાન વિષ્ણુને પણ બલિ રાજાને ત્યાં દ્વારપાળ તરીકે રહેવું પડ્યું હતું, ત્યારે લક્ષ્મીજીએ બલિરાજાને પોતાનો ભાઈ બનાવી અને વિષ્ણુને છોડાવ્યા હતાં. બલિરાજા એ કહ્યું હતું કે આ રક્ષાબંધન એ એના જીવનનો મહાન દિવસ હતો. આમ રાખડી એટલે કે રક્ષા પોટલી એ રક્ષા કરવાના હેતુથી બાંધવામાં આવે છે, એ આની પરથી સાબિત થાય છે, અને તેથી જ આ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.


 મોગલ સમયમાં બાદશાહ હુમાયુને રાણી કર્ણાવતી એ રાખડી બાંધી હતી, અને પોતાનો ભાઈ બનાવી તેની રક્ષાનું વચન લીધું હતું.આમ આવાં તો કેટલાંય ઉદાહરણો મળે જેમાં ભાઈ એ રાખડી ની લાજ રાખી હતી.રાખડી કે રક્ષાસૂત્ર એ બાંધનાર ના મનમાં ભરોસો પ્રતિપાદિત કરે છે, અને બંધાવનાર ના મનમાં સાહસ અને વીરતાનાં ભાવ ઊભા કરે છે, જે કાયમ પોતાની બહેનનું રક્ષણ કરવા માટે તૈયાર રહે છે. આ ઉપરાંત આ દિવસે ભાઈ પોતાની બહેનને વીર પસલી પણ આપે છે તેના સ્નેહ પ્રત્યેનું માન દર્શાવે છે.


   આ ઉપરાંત શ્રાવણ સુદ પૂનમને દિવસે બળેવનો તહેવાર પણ હોય છે, એટલે કે બ્રાહ્મણો આ દિવસે જનોઈ બદલે છે. જનોઈ એટલે કે યજ્ઞોપવિત એ એક એવો સંસ્કાર છે, જે ધારણ કરવાથી કરનારનું રક્ષણ થાય છે. એટલે કે તેનામાં નીતિમત્તા જળવાઈ રહે છે, પ્રમાણિકતા જળવાઈ રહે છે, અને ઇમાનદારી પૂર્વક પોતાનું કર્તવ્ય કર્મ, નિષ્પક્ષ એ કાર્યક્ષેત્રમાં કાર્ય કરે જીવન અને ઊજળું બનાવે છે. જનોઈમાં નવ તાતણા આવેલા હોય છે અને ત્રણ ત્રણમાં ગુંથાયેલા ત્રિ સૂત્રની બની હોવાથી તેને ત્રિસૂત્રી પણ કહેવાય છે',જે  અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ, અને અર્થવેદ મા પ્રતીકરૂપે ધારણ કરવામાં આવે છે. આમ વેદોનું સ્મરણ રહે, અને આપણી સંસ્કૃતિ મુજબનું જીવન જીવી શકે, એ માટે થઈને ઉચ્ચ વર્ણના લોકોમાં યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવતો, જેને કારણે બ્રાહ્મણ જેવું આચરણ બની રહેતું હતું.


   આ ઉપરાંત આ રક્ષાસૂત્ર બહેન ભાઈને જ બાંધે એવું નથી, બ્રાહ્મણો પોતાના યજમાનને રક્ષા સૂત્ર બાંધે છે, પુરોહિત પોતાના રાજાને રક્ષાસૂત્ર બાંધે છે, અને હવે તો ઘણા પોતાના કારને કે વાહનને પણ રાખડી બાંધતા જોવા મળે છે, તેમજ ઘરને પણ રાખડી બાંધે છે. ટૂંકમાં રક્ષાનો હેતુ જળવાઈ રહે એ માટે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે.


   ભારતીય સમાજમાં નારીને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, અને તેની પૂજા એ પણ આપણી સંસ્કૃતિ છે. એટલે કે "યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા" તો સમાજમાં નારીનું સન્માન વધતું રહે, અને જળવાઈ રહે, તે માટે થઈને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવવામાં આવે છે, અને ભાઈ પોતાની બહેનને આજીવન તેની રક્ષાનું વચન આપે છે, અને બહેન પણ તેના લાંબા ને સ્વસ્થ આયુષ્ય માટે સદાય ઈશ્વર આગળ પ્રાર્થના કરે છે. આપણે સૌ આ તહેવારો ના મૂળ માં રહેલું સત્ય જાણી તે પરંપરાને નિભાવી શકીએ, અને આ તહેવારને એની ગરિમા બની રહે તેમ ઊજવી શકીએ અને આપણી મૂળ પરંપરા મુજબ દેવી એટલે કે નારીનું જીવન ખુશહાલ બનાવીએ. જય હિન્દ. 


      લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...