વિશ્વાસ પ્રેમ સમર્પણ : દાંપત્યજીવનના ત્રણ આધાર સ્તંભ - કૃપા બોરીસાણીયા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 20 ઑગસ્ટ, 2023

વિશ્વાસ પ્રેમ સમર્પણ : દાંપત્યજીવનના ત્રણ આધાર સ્તંભ - કૃપા બોરીસાણીયા

વિષય : વિશ્વાસ પ્રેમ સમર્પણ : દાંપત્યજીવનના ત્રણ આધાર સ્તંભ

લેખિકા : કૃપા બોરીસાણીયા


          સંબંધ એ ઈશ્વરે મનુષ્ય જાતને આપેલું સૌથી મોટું વરદાન છે. અને પ્રેમ અને વિશ્વાસ એ સંબંધમાં જીવ પુરે છે. અને સમર્પણ એ સંબંધનો આત્મા સમાન છે. કોઈપણ સંબંધ હોય માતા-પિતાનો, ભાઈ બહેન નો, મિત્રતાનો કે પતિ પત્નીનો દરેક સંબંધનો પાયો એ વિશ્વાસ છે. કોઈપણ સંબંધમાં પ્રેમ પહેલા વિશ્વાસનો પ્રવેશ થાય છે. અને ધીમે ધીમે વિશ્વાસ ના બીજ માં પ્રેમરૂપી પાણીનું સિંચન થઈને સંબંધનું વટ વૃક્ષ બને છે. પરંતુ, જ્યારે વૃક્ષને પાણી ઓછું મળે છે, ત્યારે તે ધીમે ધીમે સુકાતું જાય છે. અને નવી કુંપળો ફૂટતી નથી. ઘણી નવી ડાળીઓ ધરાવી વિશાળ બની ગયેલા વટ વૃક્ષ ને પણ પ્રેમરૂપી સિંચન ની જરૂરિયાત હોય છે. નહીં તો વૃક્ષને સુકાતા વાર નથી લાગતી.

    

           તેવી જ રીતે સંબંધ નવો હોય કે જૂનો, સંબંધની ઉંમર માત્ર એક દિવસ હોય કે વર્ષો વીતી ગયા હોય, પણ સતત તેને પ્રેમ અને વિશ્વાસનું સિંચન મળતું રહેવું જોઈએ, નહીં તો સંબંધોનો છોડ વિકસિત થયા પૂર્વ જ સુકાઈ જશે.


         આજના યુગમાં છૂટાછેડા એ ટ્રેન્ડ બની ગયો છે. ફાવે તો રહેવું નહીં તો છૂટા પડી જવું. સહનશક્તિ, જતું કરવાની ભાવના, સમર્પણ આજકાલ તમામ સંબંધોમાં ઓછા થઈ રહ્યા છે. જ્યારે કોઈ ઇમારતના પાયા નબળા હોય તો ઈમારત લાંબા સમય સુધી ટકી નથી શકતી. તેવી જ રીતે પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ એ દાંપત્ય જીવનના ત્રણ આધાર સ્તંભ છે. સંબંધ શરૂ થતી વખતે સૌથી પહેલો આધાર સ્તંભ વિશ્વાસ વિકસે છે. એકબીજા પરનો અતૂટ વિશ્વાસ એ સંબંધને વધારે મજબૂત બનાવે છે. અને પ્રેમને જન્મ આપે છે. સાથે સાથે પ્રેમ હોય ત્યાં સમર્પણ હોય જ છે. જે પાત્રને, જે વ્યક્તિને આપણે પસંદ કરીએ છીએ, પ્રેમ કરીએ છીએ આપણે તેના માટે કોઈપણ વસ્તુ કરી છૂટવા તૈયાર થઈ જઈએ છીએ. કોઈ પણ ત્યાગ કરવા પણ તૈયાર થઈ જઈએ છીએ. પરંતુ, આજના સમયમાં સમર્પણ અને જતું કરવાની ભાવના ખૂબ ઘટી રહી છે, તેનું એકમાત્ર કારણ છે આજના યુવા વર્ગમાં ઘટતી જતી સહનશીલતા.

   

        મોર્ડન અને આત્મા નિર્ભર બનવાની દોડમાં આજનો યુવા વર્ગ કોઈપણ સંબંધોમાં જતું કરતો નથી. " નમે તે સૌને ગમે" આ કહેવત આજના સમયમાં લુપ્ત થતી જણાઈ રહી છે. જેના કારણે તમામ સંબંધો ઓક્સિજન ઉપર આવી ગયા છે. ક્યારે સંબંધોનો શ્વાસ તુંટે તેનું નક્કી નથી રહેતું. પતિ પત્નીના સંબંધમાં જ્યારે સંબંધ બંધાયો હોય ત્યારે બંને પાત્ર વચ્ચે ખૂબ જ પ્રેમ અને વિશ્વાસ જોવા મળે છે. પણ ધીમે ધીમે પરિસ્થિતિઓના કારણે જ્યારે બંને વચ્ચે કોઈ નાની નાની બાબતમા મત-ભેદ થાય છે, કોઈ એક મુદ્દા પર બંને પાત્રને વિચારસરણીઓ અને મંતવ્યો જુદા પડે છે ત્યારે, 'હું જ સાચો છું.' અને 'મારી વાત જ યોગ્ય છે.' આવી તુચ્છ બાબતમાં સંબંધોમાં વિશ્વાસ નું રિચાર્જ ઘટવા લાગે છે. અને ધીમે ધીમે વિશ્વાસની આ ઘટ પ્રેમને પણ પોતાના સકંજામાં લે છે. અને પ્રેમ પણ ઘટવા લાગે છે. જ્યારે પ્રેમ ન હોય, તો સમર્પણનો તો કોઈ હેતુ જ નથી રહેતો. અને ધીમે ધીમે સંબંધ તૂટવાના આરે આવી જાય છે.


         જ્યારે કોઈ સંબંધમાંથી મુક્ત થવાનો વિચાર આવે, ત્યારે વ્યક્તિ એ વિચાર ક્યારેય નથી કરતો કે આટલા સમય સુધી આપણે આ સંબંધમાં શા માટે જોડાયેલા હતા? આ સંબંધ કેવી રીતે બંધાયો હતો? અને સામેના પાત્ર એ પોતાના પ્રત્યે કેટલો પ્રેમ રાખ્યો હતો? સંબંધ નિભાવવામાં બંને પાત્ર એ એકબીજાની ઘણી બધી બાબતો જતી કરી હોય છે તે વસ્તુ તે સમયે આગમાં ઘી પુરવાનું કામ કરે છે અને સંબંધો તૂટી જાય છે.


            જરૂરિયાત હોય છે ફક્ત પરિસ્થિતિને બંને બાજુથી જોવાની, વિચારવાની અને સમજવાની તથા પોતાના સંબંધને થોડો સમય આપવાની. કારણ કે, વિશ્વમાં કોઈપણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન નથી. બધી વાતોમાં પૂર્ણ નથી. માણસ માત્રથી ભૂલ થવાની અને સંજોગો અને વિકટ પરિસ્થિતિ હંમેશા મનુષ્યને ભાન ભુલાવે છે. અને જે સંબંધ પરીક્ષાની અગ્નિમાં તપે છે તે જ સોના જેવો શુદ્ધ અને પવિત્ર બને છે અને વિશ્વમાં એક મિશાલ બનાવે આપણા શાસ્ત્રોમાં પણ રામ-સીતા, રાધાકૃષ્ણ, દ્રોપદી અને અર્જુનનો સંબંધ, શિવ સતી અને શિવ પાર્વતી જેવા કેટ કેટલાય પતિ પત્નીના ઉદાહરણો છે કે જેમણે ઈશ્વર હોવા છતાં પણ જીવનમાં પડે પડે પરીક્ષાઓ આપી છે અને પોતાના સંબંધને વધારે નિખાર્યો છે. પરેશાની આવે ત્યારે જરૂરિયાત હોય છે માત્ર ધીરજ રાખવાની અને સંબંધને થોડો સમય આપવાની. આપોઆપ તમામ વસ્તુ ઠીક થઈ જાય છે. પણ ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાના બદલે જેની સાથે સંબંધમાં છીએ તે વ્યક્તિ પર વિશ્વાસ રાખવાના બદલે આપણે જાતે જ આપણી જિંદગીના જજ બની જતા હોઈએ છીએ. અને અમૂલ્ય સંબંધોને ખોઈ બેસતા હોઈએ છીએ. પછી પસ્તાવા સિવાય કશું જ બાકી નથી રહેતું.


બાંહેધરી : હું કૃપા બોરીસાણીયા બાંહેધરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...