સપના - હરેશ ભટ્ટ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 10 ઑગસ્ટ, 2023

સપના - હરેશ ભટ્ટ

શીર્ષક - "સપના"

લેખક -- હરેશ ભટ્ટ

-----------------------------


     સંગીતા અને સંજીવ બંને સરસ ભણ્યા અને પોતાની મરજી મુજબનું , સંગીતાને હૃદય રોગના નિષ્ણાંત ડોક્ટર થવું હતું અને સંજીવને કોમ્પ્યુટર સાયન્સમાં ડોકટરેટ (PHD) કરવું હતું, એ બંનેની ઈચ્છા પૂરી થઇ એટલું જ નહિ બંને ને મેડલ્સ પણ મળ્યા અને સારી જોબ, આ બંને ભાઈ બહેન ની ઈચ્છા તો પૂરી થઇ પણ કોઈકના કહેવાથી એમને જીવન ભર જે કાંઈ પણ મેળવ્યું એના માટે આનંદ નહિ પણ અફસોસ થવા માંડ્યો, અત્યાર સુધી જે વિચાર પણ મગજમાં આવ્યો ના હતો એ એમના એક વડીલના કહેવાથી આવ્યો, આ ભાઈ બહેન જ્યારે એ વડીલ ના આશીર્વાદ લેવા ગયા ત્યારે એમણે જે વાત કરી એ સાંભળી જ્ઞાન આવ્યું, વડીલે કહ્યું કે "તમને હું ખરા હૃદયથી આશીર્વાદ આપું છું કે તમારા બધા સપના પુરા થયા પણ બાળકો જો સાચા આશીર્વાદ જોતા હોય તો તમારા પિતા ઈશ્વરના પગ ધોઈ પૂજો , એ સાક્ષાત ઈશ્વર જ છે, એણે પોતાના માટે કોઈ જ સપનું જોયું નથી, જીવનમાં એણે કાંઈ મેળવ્યું નથી. એનેય કાંઈક બનવું હતું , એનેય પોતાના શોખ પુરા કરવા હતા પણ બાળપણમાં માતા પિતાનું છત્ર ગુમાવ્યું અને બધા સપના રાખ થઇ ગયા. એના નસીબમાં માત્ર મજુરી લખી હશે એટલે એ જ કરી મેં જ એના લગ્ન કરાવ્યા તમારી માં એને બધી વાતે મદદ કરતી મજુરીમાં પણ, એ દુખી થતો તો એ કહેતી "એમ ઢીલા ના થાઓ તમે જે દેવી માં ને માનો છો એ બધા સારા વાના કરશે તમે હિમત ના હારો". એની તકલીફો, સતત મજુરી થોડી આવક અને એમાં તમે બે જોડકા જન્મ્યા પછી એનું સપનું એક જ કે મેં જે દુખ ભોગવ્યા એનો પડછાયો પણ મારા બાળકો પર ના પડે , અને પછી તો બધું જ તમને ખબર જ છે. તમને કોઈ દિવસ તમારી કોઈ માગણી માટે એણે ના પાડી છે? પોતે પોતાની જાતને કપડા માટે કે પત્નીને નવી સાડી માટે ના પાડી હશે પણ તમને ગમતા કપડા ચોક્કસ લઇ આપ્યા છે. બસ વધારે નહિ કહું પણ એ ઈશ્વરના આશીર્વાદ લો , હવે એણે સંકેલીને મૂકી દીધેલા અને મુરજાઈ ગયેલા સપના ખીલવો અને પુરા કરો.


     ઈશ્વર ખરેખર ભગવાનનો અવતાર કહી શકાય. એ ભલે જન્મ્યો સામાન્ય મધ્યમ વર્ગીય ઘરમાં પણ એના વિચારો ઉચ્ચ ખાનદાનના નબીરાઓને પણ શરમાવે એવા. એ સાવ સરળ શાંત અને સંતોષી કોઈ વસ્તુ ની ઈચ્છા કરી હોય અને ના મળે તો અફસોસ નહિ એ એમ જ વિચારે કે હશે આપણાં નસીબ નહિ હોય કે આ આપણાં માટે નહિ હોય, કોઈ જાતનો અફસોસ નહિ, એ જ્યારે જન્મ્યો ત્યારે એની માં ને ઇન્ફેકશન થઇ ગયેલું ડોકટરે બહુ પ્રયત્ન કર્યા કોઈકે ઈશ્વરના પિતાને કહ્યું કે ખાનગી હોસ્પિટલ લઇ જા , પણ પોસાવું જોઈએને ? હજી વિચારે ત્યાંતો દેહ છોડી દીધો એના શોકમાં ઈશ્વરે એના પિતાને પણ ચાર વર્ષનો થયો ત્યાં ગુમાવી દીધા. એ સાવ નોધારો થઇ ગયો હવે એણે ઓશિયાળા થઇ કોઈ જ પ્રકારની માંગણી કર્યા વગર અને કોઈ પાસે લાગણીની અપેક્ષા રાખ્યા વગર જીવવાનું હતું.એના મામાએ એને રાખ્યો , એ સવારે ભણતો અને બપોરે મજુરી કરતો મજુરી કરતા જ એ બહાર સદાવ્રતમાં રોટલો શાક ખાઈ લેતો. એ મામા પાસે કોઈ આશા ના રાખતો અને એનો મામો પૂછતો પણ નહિ કે ક્યાં જા છો,, શું કામ કરે છે?, જમે છે ક્યાં? વગેરે, અરે પૂછે તો તકલીફ થાય એ બીકે આઘો જ રહે એને એટલી ખબર હતી કે માથે નથી પડતો. ઈશ્વરને તો ભણીને કંઈક બનવું હતું પણ એ સપનું તો સાકાર થાય નહિ તોય એક શેઠે શક્ય એટલું ભણાવ્યો મેટ્રિક પાસ થયો પણ કોલેજ ના કરી શક્યો, હવે એ એ શેઠને ત્યાં ઓફિસમાં કામ કરતો અને મજુરી પણ કરતો. ઈશ્વર ત્યાં નજીકમાં એક માતાજીનું મંદિર હતું એ માતાજી માં ને બહુ માનતો , એ માં આગળ કાંઈ માંગતો નહિ પણ કહેતો "માં દયાન રાખજે હું, જે છે એ તું જ છે,મારી ભૂલ થાય તો ટોકજે, રોકજે, પણ માં દયાન રાખજે, મારે કાંઈ જોતું નથી પણ બે ટંક રોટલો, માથે છત અને તન ઢાંકવા કપડા મળે ઍલે બહુ થઇ ગયું. હવે બધા સપના વાળીને મૂકી દીધા છે આવતા જન્મે પુરા કરાવજે પણ અત્યારે ખાલી આટલું દયાન રાખજે. માં એક નાની જગ્યા રહેવા મળી જાયને તો રાતે મામાને ત્યાં સુવા ના જાવું પડે , માં જોજે હો" એ દિવસે કોણ જાણે કેમ પણ એ ઓફિસે ગયો ત્યારે પહેલા શેઠે કહ્યું કે ઈશ્વર આટલો માલ અ જગ્યાએ મૂકી આવ અને આ ટેમ્પો લઈને જા , ઈશ્વરે હાથલારી થી માંડી મોટી લોરી સુધી બધું જ ચલાવેલું એ લઇ ગયો અને મૂકી પાછો આવ્યો બપોરે પાછળ શેઠને ત્યાંથી આવેલું ટીફીન જમતો હતો ઓરડીમાં, ત્યાં બે રૂમ નું આઉટ હાઉસ હતું એકમાં થોડો સામાન રહેતો અને બહાર આરામ માટે એક ઓરડી. એ જમતો હતો ત્યારે શેઠ પાછળ કોઈ કામથી આવ્યા અને ઈશ્વર તો જમતા જમતા ઉભો થઇ ગયો અને બોલ્યો શેઠ કાંઈ કામ? તો શેઠ કહે જમી લે શાંતિથી હું આવું એટલે જમતા જમતા ઉભા નહિ થવાનું અને હા એક કામ કર હવેથી તું આ રૂમમાં જ રહે બેય રૂમ સાફ કરી નાખ, તારે તો મામાને ત્યાં સુવા જ જવાનું ને? એના કરતા અહીં જ રહે. બસ એ ત્યાં રહેવા માંડ્યો, વિચારો કે ઈશ્વરને માથે માતાજી માં બેઠી છે એ દયાન રાખે છે , ભલે કોઈને વિચિત્ર લાગતું હશે પણ એક વાત નિશ્ચિત છે દિલના સાફ, ચોક્ખી નીતિ વાળા , પરગજુ, માનવ ધરમ માં માનવા વાળા નિશ્વાર્થ લોકોનું ભગવાન દયાન રાખે જ છે.


     આ જ ઈશ્વરને એ શેઠે એક સુંદર કન્યા સાથે પરણાવ્યો. જ્યારે શેઠે નક્કી કર્યું ત્યારે એ ના પાડતો હતો કારણ એને થતું મારું માંડ પૂરું કરું છું તો આને કેમ રાખીશ, એય કોઈની દીકરી છે એના બાપને તો આશા હોય ને કે મારી દીકરી સુખી થાય? પણ શેઠે હિમત આપી અને નક્કી કર્યું. આ નક્કી થયું ત્યારે પણ એ માતાજી માં પાસે ગયો હતો " માં આ શેઠ પરાણે પરણાવે છે મારી હેસિયત નથી પણ માં દયાન રાખજે" એ તો કહી નીકળી ગયો અને એના લગ્ન શેઠે દેવી સાથે કરાવ્યા , દેવી પણ સરળ સમજુ. લગ્ન પછી જયારે દેવીને કહ્યું કે " જો આપણી હેસિયત આટલી છે , આપણા નસીબમાં મજુરી જ છે, હું તને મોજ શોખ નહિ કરાવી શકું " આ સાંભળી દેવીએ કહ્યું " હું તમારા દરેક કામમાં મદદ કરીશ જે મળશે એ સંતોષ થી માણીશું " બસ બંનેનો સંસાર ચાલવા માંડ્યો અને દેવીને સારા દિવસો રહ્યા આનંદ તો બંનેને થાય પણ ઈશ્વરને ચિંતા થાય કે હવે બાળકનું પણ પૂરું કરવાનું? પણ ઈશ્વર બધું જ વિચારે આ હજી અસમંજસ હતી ત્યાં દેવીએ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો એક દીકરો અને એક દીકરી. ઈશ્વર તો ગયો મંદિરે અને માતાજી માં ને પગે લાગી કહે " શું કર્યું આ? હજી તો હું સપના જોતો હતો કે થોડા પૈસા બચાવું અને પત્નીને ક્યાંક ફરવા લઇ જાઉં ત્યાં બે બાળકો ? કેમ થાશે? મારે તો દરેક વખતે સપના સંકેલીને મૂકી દેવાના , આ બે આપ્યા છે એમના સપના તમે પુરા કરજો, હું તો માની જાતો પણ આ બે બાળકો નવી પેઢીના કેમ માનશે? "


     ઈશ્વરને બહુ જ કાઠું પડ્યું એક દીકરો અને એક દીકરીને મોટા કરતા શેઠને કહી સારી શ્કુલ માં મુક્યા હોંશિયાર હતા એટલે બધા મિત્રતા રાખવા પ્રયત્ન કરે આ બેય ભાઈ બહેન કોઈ સહપાઠી પોતાને ઘેર આવવાનું કહે તો જાય નહિ કારણ આ બંને તો કોઈને પોતાને ઘેર લાવી શકે નહિ, કપડા સારા, લાગે સારા પણ ગરીબ માં બાપના છે એ ખબર ના પડે, આ બંને કહે ઈશ્વરને કે " અમે કોઈના ઘેર જઈ ના શકીએ કારણ કે અમે જઈએ તો એ લોકોને અહી લાવવા પડે અને એ આવે તો અમારી હેસિયત બહાર આવી જાય, કેવી લાચારી છે? અમે ઉંચા ઘેર કેમ ના જન્મ્યા ?" આ સાંભળી ઈશ્વર અને દેવી એક બીજા સામે જોઈ આંસુ જ સારે પણ હિમત રાખે કાંઈ બોલે નહિ. આ બંને જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે તો દીકરાએ એક વાર ઈશ્વરને કહેલું "આમ ક્યા સુધી મજુરી કરી ઝુપડામાં પડી રહેશો, તમે મજુરી કરો અને અમારે પગ ઢસડતા બસમાં લટકતા જવાનું બીજા છોકરા તો વાહન લઇ આવે તમારી તો ટુ વ્હીલર લઇ આપવાની પણ હેસિયત નથી," આ ઈશ્વરને લાગી આવ્યું એને લોકોને વિનંતીઓ કરી લોન લઇ ટુ વ્હીલર ચુપચાપ લાવી આપી દીધું. આ તો ઠીક પણ આગળ ભણવું હતું ત્યારે બેય ભાઈ બહેન રાત્રે સુતા સુતા વાત કરે કે આપણે એવા ખોરડે જન્મ્યા કે આપણા સપના પુરા નહિ થાય કારણ વધુ ફીની આપણા બાપની હેસિયત નથી," ઈશ્વર આ સાંભળી હેબતાઈ ગયો, ઓશીકામાં માથું નાખી રોવા માંડ્યો, દેવીએ વાંસામાં હાથ ફેરવ્યો અને કહ્યું " ભલે કાંઈ ના થાય ભલે તમે હેસિયત વગરના કહેવાવ પણ હવે ખેંચાતા નહિ, " તોય આ તો બાપ છે એણે શેઠને કહી શિક્ષણ લોનનું શોધી કાઢ્યું અને ભણાવ્યા ઈશ્વરે દિવસ રાત મજુરી કરી હપ્તા ભર્યા પેટે પાટા બાંધી દીકરા દીકરીના સપના પુરા કર્યા.



     ઈશ્વર આજે એની પત્ની સાથે આરામથી બેઠો હતો, એ કહેતો હતો કે "બસ દેવી હવે થાકી ગયો, હજી હપ્તા ચાલુ છે. હવે આ બને કાંઈ નવું ના વિચારે તો સારું , બસ હવે તો બેયને સારી નોકરી મળી છે હવે એ લોકો આ ભાર ઉપાડી લે તો માતાજી માં ને કહું કે માં હવે મને ઉપાડી લે.' આ હજી બોલ્યો ત્યાં સંગીતા સંજીવ આવ્યા અને સંજીવ એટલું બોલ્યો કે "બાપુ" ત્યાં તો ઈશ્વરે બે હાથ જોડ્યા અને બોલ્યો " બસ હવે બહુ થયું કોઈ નવી વાત નહિ કરતા હું થાકી ગયો છું, ભલે હું હેસિયત વગરનો છું, ગરીબ છું , લાચાર છું , બીજા છોકરાઓના માં બાપ જેવું તમને નથી આપી શકતો જે છું તે છું અત્યાર સુધી તમારી માં ની હિમતે ટકી રહ્યો પણ હવે બસ" આટલું બોલતા તો ઈશ્વર ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડ્યો અને બોલતો રહ્યો હવે મને માફ કરો, સંજીવે પપ્પાનો હાથ પકડ્યા અને સંજીવે પપ્પાનો હાથ પકડ્યા અને સંગીતા પગમાં પડી ગઈ અત્યારે બધાની આંખમાં આંસુ હતા, બાળકો બોલ્યા કે " માં બાપુ હવે એક જ વાત કહેવી છે કે હવે બહુ થયું તમે આરામ કરો હવે અમે કમાશું , અમે હપ્તા ભરશું, અમે તમારા બધા સપના પુરા કરશું.અમને શેઠે આશીર્વાદ આપતા બહુ મોટી શીખ આપી છે. અમારાથી જે કાંઈ તમારી હેસિયત બાબતે બોલાઈ ગયું એ માફ કરજો. એમ કહી બેય ભાઈ બહેને માં બાપના ચરણોમાં માથું મૂકી દીધું. ઈશ્વર અનેદેવીની આંખો હવે સંતોષ સભર ખુશીઓના આંસુ થી છલકતી હતી.


     બધા યુવાનો યુવતીઓનેને એ જ કહેવું છે કે , તમને આટલે પહોંચાડવા માટે તમારા માં બાપે પોતાના સપના સંકેલીને મૂકી દીધા હશે એમના આત્માને દુખી નહિ કરતા. દરેક માં બાપને સંતાનોને સુખી કરવાના સપના હોય છે પણ એમને દેવામાં તણાવીને જીદ પૂરી નહિ કરતા એમનો આત્મા નહિ દુભાવતા કે એમને કટુ વેણ નહિ કહેતા કારણ એ કેમ કરતા હોય છે એ એમનું મન જાણતું હોય છે. તમે ભણી એમના સપના પુરા કરજો, એમની આમન્યા જાળવજો , એમને માન આપજો , પાછલી ઉમરે સાચવજો, કારણ એમણે પણ સપના જોયા હશે કે બાળકો ભણીને આપણને સાચવશે. મંદિરે કે કોઈ તીરથ નહીં જાવ તો ચાલશે. માં બાપમાં જ બધા દેવી દેવતા છે.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

બાંહેધરી -- હું હરેશ ભટ્ટ ખાતરી પૂર્વક કહું છું કે આ રચના મારું પોતાની લખેલી મૌલિક રચના છે. કોઈની નકલ નથી. જો કોઈને નકલ જણાય તો કાયદાકીય કરી શકે છે.

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- 


આ પણ વાંચો:- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ -AI માનવજાત માટે વરદાન કે શ્રાપ? 


 અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...