અગિયારમાં રુદ્ર અવતાર તરીકે આવેલા હનુમાન એ માત્ર અનુમાન નથી દિવ્ય અનુભૂતિ છે. - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2023

અગિયારમાં રુદ્ર અવતાર તરીકે આવેલા હનુમાન એ માત્ર અનુમાન નથી દિવ્ય અનુભૂતિ છે.

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


અગિયારમાં રુદ્ર અવતાર તરીકે આવેલા હનુમાન એ માત્ર અનુમાન નથી દિવ્ય અનુભૂતિ છે.

      

હે મહાદેવ.

       આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ‌. શ્રાવણ સુદથી શરૂ કરી અને શ્રાવણ વદ અમાસ સુધીની તિથિ એ અમે તમને જુદાં જુદાં આત્મનિવેદન કરી પોકાર્યા. અંતરતમ ભાવને અર્પી દીધું , હૃદય આખું ખોલી નાખ્યું, ભલે ને અમે જેવા હતાં તેવા પણ અંતે તો તારા જ છીએ. લોક કલ્યાણનાં કાર્યો કર્યા નથી, અને કલ્યાણના દેવને મનાવવા આવ્યાં છીએ, એ બધું જ સાચું ! પરંતુ અહીં ન આવીએ તો ક્યાં જઈએ? એ પણ એટલું જ સાચું. સંસ્કારને નામે તો હિંદુ સનાતન ધર્મમાં ખૂબ જ સારા સંસ્કાર આપ્યા હતાં ,માતા-પિતા એ પણ કોઈ કમી રાખી નથી. છતાં ગાડરિયા પ્રવાહમાં તણાઈ ગયાં, આંધળું અનુકરણ કરવામાં પાછી પાની ન કરી. પશ્ચિમ દેશની ચકાચૌંધથી અંજાય ગયાં, એ બધું જ સો ટકા સાચું. પરંતુ હવે એ ભૂલ નહીં થાય, એવી પ્રાર્થના કરવા આવ્યાં છીએ. ગંધર્વ રાજ પુષ્પદંત રચિત શિવ મહિમ્નનો આખરી પડાવ આવી ગયો છે, અને તેની પર તમે જેમ પ્રસન્ન થઈ અને તેની વિદ્યા પાછી આપી હતી, તેમ અમને હે મહાદેવ પાછા માનવ બનવાનો મોકો આપો.


**શિવ મહિમ્ન સ્તોત્ર.**


આસમાપ્તિમિદં સ્તોત્ર પુણ્યં ગંધર્વભાષિતમ |

અનૌપમ્યં મનોહારિ શિવમીશ્વરર્ણન || 39 ||


અર્થ : આ સમાપ્તિ સુધીનું સ્તોત્ર ઉપમા આપી શકાય નહિ તેવું છે. તે (સુગંધિત વાયુની જેમ મનને પ્રફુલ્લિત કરે છે તેમ આત્માને પ્રફુલ્લિત કરે છે.) મનોહર, મંગલમય ઈશ્વરના વર્ણનરૂપ હોઈ, તે પુષ્પદંત નામે યક્ષે રચ્યું છે.


ઈત્યેષા વાંડમયી પૂજા શ્રીમચ્છંકરપાદયો: |

અર્પિતા તેન દેવેશ: પ્રીયતાં મે સદાશિવ: || 40 ||


અર્થ : હે દેવના દેવ ! મારી વાણી રૂપી આ પૂજા તમારાં ચરણકમળમાં અર્પણ કરી છે, તો આપ સર્વદા પ્રસન્ન થજો


તવ તત્વં ન જાનામિ કોદ્દ્શોડસિ મહેશ્વર: |

યાદશોડશિ મહાદેવ ! તાદશાય નમોનમ: || 41 ||


અર્થ : હે મહેશ્વર ! હે મહાદેવ ! હું તો અજ્ઞાની છું. આપનું તત્વ કયું અને આપ કેવા હોઈ શકો તેની મને ખબર નથી. પણ જેવી રીતે પોતાની કર્તવ્ય પરાયણતાને ન સમજનાર માનવ સ્નેહવશ થઈને વડિલને નમે છે, તેવા ભાવથી હું આપને પુન: પુન: નમું છું.


એકકાલં દ્વિકાલં વા ત્રિકાલં ય પઠેન્નર: |

સર્વપાપવિનિર્મુક્ત શિવલોકે મહીયતે || 42 ||


અર્થ : જે મનુષ્ય દિવસમાં એકવાર, બેવાર, કે ત્રણવાર આ સ્તોત્રનો પાઠ કરે છે, તે બધાં ય પાપોથી છુટીને શિવલોક વિષે પૂજાને પાત્ર થાય છે.


શ્રી પુષ્પદંત મુખ પંકજનિર્ગતેન

સ્તોત્રેણ કિલ્વિષહરેણ હરિપ્રિયેણ |

કંઠસ્થિતેન પઠિતેન સ્માનહિતેન

સપ્રીણિતા ભવતિ ભૂતગતિર્મહેશ || 43 ||


અર્થ : જે કોઈ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું સર્વપાપોને નાશ કરનારું, શિવજીને અતિપ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે અને તેનો ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલકપિતા શ્રી મહેશ પ્રસન્ન થાય છે.


ઈતિ શ્રી શિવ મહિમ્ન સ્તોત્ર સમાપ્ત…..


******

     આજે આપણે વાત કરીશું હિંદુ સનાતન ધારાના સૌથી પ્રિય એવા હનુમંત તત્વની. હનુમાન તો આપણો પ્રાણ આધાર છે, એ વાતને કોઈ નકારી નહીં શકે. હનુમાનને એક બ્રહ્મચારી અને પૂર્ણ વૈરાગી દેવ માનવામાં આવે છે. આપણે ગઈકાલે જોયું તેમ ભગવાન શંકરના રુદ્રાવતાર તરીકે માનવામાં આવતા, હનુમાન એ ત્રેતાયુગમાં અંજની અને કેસરીનાં પુત્ર તરીકે ઓળખાય છે. આજે મનુષ્ય પણ તપ કે તપશ્ચર્યા કરતા નથી, પણ તે યુગમાં વાનરો પણ તપશ્ચર્યા કરતાં હતાં.માતા અંજની એ તેજસ્વી પુત્ર પામવા માટે થઈને તપશ્ચર્યા કરી, અને પવનદેવે પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યું. આથી તેઓ પવનપુત્ર પણ કહેવાયા. બાળ હનુમાનની વીરતાની વાતો આપણે જાણીએ છીએ, કે તે ખૂબ જ શક્તિશાળી હતાં. એક દિવસ સૂર્યને ગળી જવા માટે નીકળ્યા હતા, આથી તે શાપિત થયા અને તેમની વિદ્યા ભૂલી ગયા.


    દશરથ નંદન રામને જ્યારે વનવાસ થયો, ત્યારે નાનાભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સાથે તેઓ ફરતા ફરતા વનમાં એટલેકે પંચવટીમાં વસે છે. ત્યાં લંકા પતિ રાવણ આવીને સીતાનું અપહરણ કરી જાય છે. એ વાત આપણા દેશનો નાનામાં નાનું બાળક પણ જાણે છે. સીતાની શોધ માટે, કિષ્કીનધા નરેશ વાલી ને સુગ્રીવ સાથે રામની મુલાકાત થાય છે. વાલીનો વધ કરી, રામ સગ્રીરીને તેનું રાજ્ય સોંપે છે. પછી હનુમાન, જાંબુવંત, અંગત, નલ, નીલ અને અન્ય વાનરો સાથે સીતાજીની શોધમાં નીકળે છે. માર્ગમાં ભગવાનનું સ્મરણ કરતા તેમની બધી જ વિદ્યાઓ તેમને પાછી પ્રાપ્ત થાય છે. અને આપણે જાણીએ છીએ કે હનુમાનજી ઉડીને લંકા પહોંચે છે. રસ્તામાં પણ સુરસાને લંકીનીનો સામનો કરે છે. વિભીષણને ઘરે તુલસી ક્યારો જોઈ વૈષ્ણવના મનોમન દર્શન કરે છે. અશોક વાટિકામાં સીતાને હૈયાધારણ આપે છે. રાવણના અહમને તોડવા લંકાને જલાવે છે. પાછા ફરી રામને આખું વૃતાંત જણાવે છે, પછી રામ લક્ષ્મણ સાથે વાનર સેના લંકા પર ચઢાઈ કરે છે. અંતે કેટલા ભયંકર યુદ્ધને પરિણામે રાવણનો નાશ થાય છે. એટલે આમ જોઈએ તો આ વાર્તાથી સૌ કોઈ પરિચિત છે.


   પોતાનું જીવન તેમણે બ્રહ્મચારી તરીકે વ્યતિત કર્યું છે, અને રામ એટલે પોતે વિષ્ણુના પરમ ભક્ત હોવાથી, તેની સેવામાં આખું જીવન સમર્પિત છે. તેઓ બ્રહ્મચારી હોવા છતાં પણ એક પરોક્ષ પુત્રના પિતા છે, એ વાત કદાચ કોઈ જાણતું ન પણ હોય. લંકામાં સીતાની શોધમાં ગયેલા હનુમાનને બંદી બનાવીને, જ્યારે પકડી લેવામાં આવે છે. ત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ, કે લંકામાં તેને પૂંછડીને જલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, અને તેના કારણે હનુમાનની પોતાની પૂંછડી વધારતા ગયા, અને લંકા આખુ જલાવી દીધી. પછી જ્યારે તે પોતાની પૂંછડીની આગ ઠારવા માટે થઈને સમુદ્રમાં ગયા, ત્યારે તેમના પરસેવાનું કે વીર્યનું એક ટીપું, એક મકર નામની માછલીના મોઢામાં ગયું, અને આ માછલી ને પાતાળમાં અહીરાવણના સૈનિકોએ પકડી લીધી, ત્યારે તેનું પેટ કાપતા તેમાંથી આ બાળ મળ્યો, અને તે મકરના પેટમાંથી મળ્યો હોવાથી, તેનું નામ મકર ધ્વજ પડ્યું.તુલસીકૃત રામાયણમાં આ વાતનો ઉલ્લેખ નથી, પણ વાલ્મીકિ કૃત રામાયણમાં આનો આછડતો ઉલ્લેખ જોવા મળે છે. ઉપરાંત બીજા પણ કંઈક રામાયણોમાં આ વિશે થોડી વાત થઇ છે.

તેમાં તો એવું પણ છે કે અહિ રાવણ રામ-લક્ષ્મણને બંદી બનાવી, પાતાળમાં લઈ જાય છે, અને હનુમાન તેમને છોડાવવા પાતાળ પહોંચે છે. ત્યારે દ્વારપાળ તરીકે મકરધ્વજ તેમને રોકે છે, અને પોતાને હનુમાન પુત્ર બતાવે છે. હનુમાન પોતે બ્રહ્મચારી હોવાથી આ વાત જાણતા નથી, પરંતુ ધ્યાનમાં જઈને જુએ છે, પછી તેમને ખ્યાલ આવે છે કે આવું કંઈક થયું. એટલે તે મકરધ્વજને આશીર્વાદ આપે છે, પરંતુ મકરધ્વજ અહિરાવણ સાથે દગો કરવા નથી માગતો,અને પિતા પુત્ર બંને દ્વંદ યુદ્ધ કરે છે. તે હનુમાન જેટલા જ તે સૌર્ય શક્તિશાળી હોવાથી, આ યુદ્ધ બહુ કઠિન રહ્યું. આ ઉપરાંત મહાભારતમાં પણ હનુમાનનો ઉલ્લેખ છે. ભગવાન રામે અને સીતાજી એ, હનુમાન ને અજર અમરના વરદાન આપ્યા છે. એટલે યુગોયુગોથી,હનુમાન ચરિત્ર આ જ રીતે પ્રિય અને જીવંત રહ્યું છે. કળિયુગમાં નામ સાધનાનું ખૂબ જ મહત્વ છે, અને જ્યાં જ્યાં રામ કથા થતી હોય ત્યાં હનુમાન અવશ્ય હોય છે.


   તુલસીદાસજીએ શ્રીરામચરિત માનસની રચના કરી, આપણી પર એક અનન્ય ઉપકાર કર્યો છે. તે ઉપરાંત તેમણે હનુમાન ચાલીસાની રચના કરી, અને તેનાથી પણ વધુ ઉપકાર કર્યો છે. હનુમાન ચાલીસાનું ગાન નિત્ય કરવાથી ખરેખર જીવનમાં સંકટનો નાશ થાય છે, અને આ વાત સૌ કોઈ જાણે છે. ડરામણી પરિસ્થિતિ, કે જગ્યાએ જો આપણે પહોંચી જઈએ, તો અચાનક મોઢામાંથી હનુમાનનું નામ કે હનુમાન ચાલીસા નીકળી જાય છે તે બતાવે છે, કે હનુમાન આજે પણ એટલા જ પ્રિય છે, અને લોકોની તેની પર પૂર્ણ આસ્થા છે. તો આ છે, ભગવાન શંકરના રુદ્રાવતાર હનુમાનની વાત.

જેમ કૃષ્ણ ચરિત્ર પર લખવાનું કહેવામાં આવે, અને જિંદગી પૂરી થાય, પણ કંઈને કંઈ રહી જાય, તે જ રીતે હનુમાન પણ એટલા જ પ્રિય રહ્યા છે, તેની પર પણ ખૂબ લખી શકાય. અને એટલે એક વાક્ય લખીને પૂરું કરું કે,બીજા અન્ય દેવી દેવતાઓનું આપણે લોકોએ અનુમાન કરી, કે કલ્પના કરી અને તસવીર બનાવી હશે. પણ ""હનુમાન એ માત્ર અનુમાન નથી અનુભૂતિ છે""


        તો મિત્રો શ્રાવણ ના દિવસો પુરા થયા, અને આપણું આ શ્રાવણિય અનુષ્ઠાન પણ પૂર્ણ થયું. એટલે કે શિવ શંકર ની આરાધના તો જીવ જન્મો જન્મથી કરતો આવ્યો છે અને કરશે. પરંતુ આ વિશિષ્ટ રીતે શરૂ કરેલું વ્રત અનુષ્ઠાન આજે સંપન્ન થઇ રહ્યું છે, અને વાચકમિત્રોને પૂરું સત્ય મળે, તે હેતુથી શાસ્ત્ર પ્રમાણ સાથે અહીં ઘણી વાતો રજૂ થઈ. તેની માટે થઈ ને googleનો સહારો પણ લેવામાં આવેલ છે, એ આત્મનિવેદન પણ કરવું ઘટે. મુખ્યત્વે શ્લોક અને તેનો ભાવાર્થ એ જ રીતે અહીં રજૂ કરવામાં આવ્યો છે. બાકી તો મૌલિક રીતે જેમ ચિંતન થાય છે, તે રીતે ક્યાંક ક્યાંક કંઈક વાંચીને, તો કંઈક સદગુરુ કૃપા એ ચિંતન લખાયું છે.અને લખવા બેસું પછી દર વખતની જેમ શબ્દ મર્યાદા, કે સમય મર્યાદા રહેતી નથી. એ માટે સર્વની ક્ષમા પ્રાર્થી છું. તો મિત્રો દરેકે દરેકની જીંદગી શિવ એટલે કે કલ્યાણ તત્વથી ભરપુર ભરાય, અને બચેલા જીવનમાં લોક મંગલના કાર્યો થાય. એવા ફરી પાછા માનવ બની, અને આપણું જીવન વ્યતીત થાય, એવી એક શુભ મંગલની અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. તો સૌને મારા વંદન અને જય સીયારામ.


     લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...