સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય ફાલ્ગુની વસાવડા
શીર્ષક શિવાલયનો મહિમા
સ્વદેહ માટે કે સ્વપરિવાર માટે માનવી જેમ જેમ સ્વાર્થને સાધન બનાવવા લાગ્યો છે, તેમ તેમ એની માનવતા પાતાળે ચાલી જાય છે.
આજે શ્રાવણ વદ અમાસ અને એને સૌરાષ્ટ્ર પંથકમાં ભાદરવી પણ કહેવામાં આવે છે. ભોળાં ભક્તોનાં ભોળાનાથ એવા શિવ શંકરની આરાધનાનાં દિવસો પત્યા. આમ તો સાતે વાર અલ્લાહના એમ ઈશ્વરને ભજવા માટે કોઇ નિયત દિવસ, કે નિયત ચોઘડિયાની જરૂર હોતી નથી, અને એમાં પણ ભગવાન શંકરનુ મંદિર પણ આખો દિવસ ખુલ્લુ રહે છે. તેના તો આપણે ગમે ત્યારે દર્શન કરી શકીએ, ગમે ત્યારે પોકારી શકીએ, ગમે ત્યારે ભજી શકીએ. સામાન્ય રીતે મહાદેવ ભોળાનાથ અને શિવ શંકરનાં નામે ઓળખાતાં શિવજીનાં આપણા સમાજમાં ખૂબ બધાં નામ પ્રચલિત છે, અને એક નામ ના કેટલાય મંદિરો હોય, એ પણ બહુ સ્વાભાવિક વાત છે. શિવાલય માટે મુખ્યત્વે તેનો પ્રગટ સ્થાનનો મહિમા દર્શાવતું નામ હોય છે. આખો મહિનો આપણે ગુજરાત અને ગુજરાતની બહાર આવેલા કેટલાય શિવાલયો અને તેના ઐતિહાસિક કારણો કે કથા વિશે વાત કરી, અને હજી તો આખું વર્ષ પુરું થાય તોય શિવાલય પુરાં થાય એમ નથી. આજે આપણે ગુજરાતમાં જ આવેલા ત્રણ પાતાળેશ્વરનાં મંદિર વિશે આપણે વાત કરીશું.
પ્રથમ પાતાળેશ્વર મહાદેવનું મંદિર પાલનપુર પાસે આવેલું છે, અને તે સિદ્ધરાજ જયસિંહના જન્મ સ્થળ પાસે તેની માતા મીનળદેવી દ્વારા બનાવવામાં આવ્યું છે. ઈ.સ. ૧૧૫૦માં પાલનપુર ખાતે ગર્ભાવસ્થા ની વેળા ગર્ભવતી રાણી મિનળદેવીની કુખે તેજસ્વી બાળકનો જન્મ થયો હતો. જે મોટો થતાં સિદ્ધરાજ જયસિંહ તરીકે પ્રસિદ્ધ થયો હતો. પુત્ર જન્મની ખુશાલીમાં માતા મિનળદેવીએ આ સ્થળે એક વાવ ખોદાવવાની શરૂ કરી. ખોદકામ દરમ્યાન પાતાળમાંથી સ્વયંભુ શિવલીંગ પ્રગટ થતાં મીનળદેવીએ તે સ્થળે મંદિર બાંધવાનો નિર્ણય કર્યો હતો. આ મંદિરની રચના પાતાળ જેવી હોવાને લીધે તેનું નામ પાતાળેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું. પાલનપુરના ઇતિહાસમાં અને કીર્તિસ્તંભ ઉપરના શિલાલેખમાં પણ આ જગ્યા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ હોવાનો ઉલ્લેખ છે. આજે પણ શ્રદ્ધાળુઓ દુર-દુરથી ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન આ શિવાલયના દર્શન માટે આવે છે
બીજું પાતાળેશ્વર નું મંદિર મધ્ય ગીરમાં આવેલું અને વર્ષમાં માત્ર બે જ વાર દર્શન માટે ખુલતું પાતાળેશ્વર મહાદેવનું મંદિર ભક્તોમાં ભારે આસ્થા ધરાવે છે. ગીરમાં અનેક ફરવા લાયક કુદરતી સ્થળ તેમજ મહાભારત સમયના અનેક શિવલિંગો આવેલા છે. તેમાનું એક શિવલિંગ એટલે પાતાળેશ્વર મહાદેવ. બાબરિયા ગામથી આઠ કિલોમીટર અંદર બાબરીયા જંગલમાં આવેલું તીર્થ સ્થાન અતિ રમણીય અને પાવનકારી છે. પ્રકૃતિની સાનિધ્યમાં આવેલું શિવલિંગ લોકોને ખૂબ જ આકર્ષે છે. લોકવાયકા મુજબ મહાભારત સમયમાં પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોની ભક્તિથી ખુશ થઈને મહાદેવ ખુદ પાતાળમાંથી ઉત્પન્ન થઈ, કુંતા માતા તેમજ પાંડવોને દર્શન આપ્યા હતા. બસ ત્યારથી પાતાળેશ્વર મહાદેવ અહીં બિરાજમાન છે. વર્ષ દરમિયાન અપૂજ રહેતા પાતાળેશ્વર મહાદેવની પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો પૂજા-અર્ચના કરીને ધન્યતા અનુભવે છે. અહીં એક મોટા ઓટલા પર પાતાળેશ્વર મહાદેવની શિવલિંગ સ્થાપિત છે. જેને ફરતે લીલીછમ વનરાજી, ખળખળ વહેતા ઝરણાં અને વન્ય પક્ષીઓના કલરવથી વાતાવરણ સુગંધિત થઈ જાય છે.જંગલ વિસ્તારમાં સ્વયંભૂ પ્રગટેલા પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો ભારે શાંતિનો અનુભવ કરે છે. પાતાળેશ્વર મહાદેવનું મંદિર જંગલમાં હોવાને કારણે અહી રોડ પર હિંસક પ્રાણીઓનો પણ સામનો કરવો પડે છે. તેમ છતાં હજુ સુધી કોઈ દર્શનાર્થીને ઇજા કે નુકસાન થવા પામ્યું નથી, જેને ભક્તો પાતાળેશ્વર મહાદેવની કૃપા માને છે. તેથી શિવભક્તો આખું વર્ષ આ મંદિર ખુલ્લે તેની રાહ જોતા હોય છે.
ત્રીજું પાતાળેશ્વર મહાદેવનું મંદિર, ફતેપુરાના ભોજેલામાં સેંકડો વર્ષ જુની ત્રણ વાવ અને શિવમંદિર આવેલ છે. ફતેપુરા તાલુકાના ભોજેલામાં સેંકડો વર્ષ જૂનું અતિ પૌરાણિક પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જેની નજીકમાં વાવ પણ છે. અહીં મોટું તળાવ હતું અને તે માતાજીના પ્રકોપથી ફાટી જતાં મંદિર સહિતનો વિસ્તાર ખેદાનમેદાન થઇ ગયો હતો. પરંતુ હાલમાં પણ વાવ તથા મંદિર સહિત ખંડિત મૂર્તિઓ મોજૂદ છે. ફતેપુરા તાલુકામાં ભોજેલા ગામ આવેલું છે. આ ગામમાં વર્ષો પહેલાં મોટું વિશાળ તળાવ હતું. આ વિસ્તારમાં રાજસ્થાનમાંથી માછી સમાજના લોકોએ અહીં આવીને વસવાટ કર્યો હતો. તેઓ માછીમારી કરી, પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ તળાવની નજીકમાં જ વર્ષો જૂની વાવ અને પાતાળેશ્વર મહાદેવનું મંદિર હતું, અને તેની પૂજા અર્ચના માછી સમાજના લોકો કરતાં હતા. લોકવાયકા મુજબ આ વિસ્તારમાં મુસલમાન રાજાનું રાજ ચાલતુ હતું. લોકોને તેના શાસનથી સંતોષ પણ હતો, પરંતુ રાજાના મનમાં એક માછી જાતિની કન્યા વસી જતાં, તેણે તેની સાથે લગ્ન કરવાની જીદ પકડતાં સમાજ, અને રાજા વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં માછી સમાજની કુળદેવી ચામુંડા માતાએ પ્રકોપ વેરવાથી તળાવ ફાટતાં આ વિસ્તાર ખેદાન મેદાન થઇ ગયો હતો, અને રાજાનો પણ નાશ થયો હતો. સમય જતાં આ વાવમાંથી રાત્રીના સમયે માતાજીનાં સ્વરમાં માછી સમાજના ગામમાં અદ્ભુત પડઘાં સંભળાતા હતા. જેથી આ વિસ્તારના લોકોએ ભેગા મળી માછી સમાજની ભાળ મેળવી, તેમને પરત અહી લાવ્યા હતા. તેઓએ માતાજીને રીઝવવા તેમની આરાધના કરી, મોટો યજ્ઞ કર્યો હતો. જેથી માછી સમાજના ભક્તને આ વાવમાં મૂર્તિ હોવાનું સ્વપ્ન આવ્યું હતું. જેથી સમાજના લોકોએ દીવાની જયોત પ્રગટાવી તે સ્વરૂપે માતાજીને અહીથી લઇ જઇ ડીયાપરૂણ ગામે સ્થાપના કરી હતી. બાવન ગામ માછી સમાજ દ્વારા ચામુંડા માતાજીનું ભવ્ય મંદિર અહીં બનાવાયું છે. દર ચૈત્રી આઠમે અહીં હવન કરાય છે, તેમજ મોટો મેળો ભરાય છે, જ્યાં આ પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં વાવમાંથી સીધું પાણી શિવલિંગ પર આવતું હતું. હાલમાં પણ અહીં ખોબા આકારના પથ્થર મોજૂદ છે, તેમજ અહીં માતાજી, હનુમાનજી તથા અન્ય દેવીની ખંડિત મૂર્તિઓ પણ છે અને પ્રાચીન લિપિમાં કોતરણી કરેલા પથ્થરો પણ મોજૂદ છે.
ઐતિહાસીક મહત્વ ધરાવનાર શિવલિંગ કે શિવાલય હોય! કે પછી ન પણ હોય! પણ લોક હ્રદયમાં ભગવાન શંકર પ્રત્યેની આરાધનામાં કોઈ ફેર પડતો નથી, કારણકે યુગોયગોથી જીવ શિવને ભજતો આવ્યો છે, અને પોતાની સમસ્યા ભગવાન ભોળાનાથના શરણે મુકી નિશ્ચિત થતો આવ્યો છીએ, પરંતુ માનવ જેમ જેમ સ્વ દેહ માટે કે સ્વ પરિવાર માટે સ્વાર્થ ને સાધન બનાવવા લાગ્યો છે તેમ તેમ એ પૂજા પાઠ વગેરે તો કરે છે પણ એનો હેતુ બદલાઈ ગયો છે એટલે આપણી ભક્તિ ની તીવ્રતા ઘટતી જાય છે. એટલે કે એની માનવતા છેક પાતાળે ચાલી જાય છે! અને એટલે પાતાળેશ્વર સ્વરૂપ ની આરાધના કરી એને પ્રસન્ન કરવો પડશે! આમ પણ ભગવાન ભોળાનાથ તો ભોળો છે, અને એકવાર શુદ્ધ હ્રદયથી એની શરણાગતિ સ્વીકારી એ તો એ મનમાં કોઈ દુર્ભાવ રાખ્યા વગર આપણી મદદ કરશે, એ પણ એટલું જ સાચું છે.તો આજે આપણે પણ આપણી આ કાળ રુપી સમસ્યા ભગવાન ભોળાનાથના શરણે મૂકી નિશ્ચિત થઈએ.તો બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.