સમાજ દર્શન (Bharat or India) - ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 24 સપ્ટેમ્બર, 2023

સમાજ દર્શન (Bharat or India) - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક- સમાજ દર્શન


શું "ઈન્ડિયા" ની બદલે "ભારત" કરવાથી મૂળ ભારતીય સંસ્કારો આપણે પાછા મેળવી શકીશું?? એ વિચારવા નો સમય આવી ગયો છે. 


   હાલના સમયમાં અને સમાજમાં કેટલીય બાબતો પર ચર્ચા ચાલી રહી છે, જેમ કે સનાતન ધર્મની મહત્તા ઓછી કરવા કંઈ કેટલાય છમકલાં અન્ય સંપ્રદાય થકી થઈ રહ્યાં છે.તો બીજી બાજુ વિજ્ઞાન વિકાસના કારણે ભારત આજે વિશ્વભરમા ઘણી પ્રસિદ્ધિ મેળવી છે, અને વૈજ્ઞાનિકો મિસાઈલ દ્ધારા છેક સૂર્ય ચંદ્ર પર પહોંચ્યા છે. શિક્ષણ અને શિક્ષકો વચ્ચે સતત સ્પર્ધા ના માહોલને કારણે અંતે શું પરિણામ આવે છે? શું સતત ધન અને રુપિયા કમાવવા કે પડાવી લેવા એ જ આજની યુવાનીનો ટાર્ગેટ છે! સમાજમાં ખુલ્લેઆમ લૂંટ હત્યા અને બલાત્કાર એ શું સૂચવે છે! સમય બહુ ખતરનાક મોડ પર છે, દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે! બધે દેખાડો અને દંભ આગળ વધી રહ્યા છે. સમાજમાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ વધતા જાય છે, એ પણ નીંદનીય હોવા છતાં સ્વીકારવુ પડે છે. નિતનવા રોગ સામે પણ વિષયી જીવ ઝઝૂમે છે, અને વિજ્ઞાન દરેક પડકારનો જવાબ આપે છે, આમ ભોગી અને વિષયી હોવા છતાં આયુષ્ય વધતું જાય છે. તો બીજી બાજુ સમાજનો અમુક વર્ગ શારીરિક અને માનસિક શાંતિ માટે યોગ, ધ્યાન, અને ચિંતન તરફ આગળ વધી પોતાની જાતને સુધારી રહ્યો છે. આમ બૌદ્ધિકતાની દ્રષ્ટિએ વિરોધાભાસ ધરાવતા હોવા છતાં સમય પ્રમાણે ઘણું બધું થતું હોય છે, અને ઘણા બધાં વિચારોમાં સમાજ જો પરિવર્તન ઈચ્છે તો કરી પણ શકે. અઢારમી સદીના અમુક ઝડ રીત રિવાજો આજે આપણે નથી અનુસરતા, કારણ કે એનાથી સમાજનો સર્વાંગી વિકાસ થતો નથી. સ્ત્રીઓ એ સારી એવી સફળતા પ્રાપ્ત કરી છે અને લગભગ બધા જ ક્ષેત્રોમાં એણે પોતાનુ નામ કર્યું છે. હમણાં હમણાં એક બીજી ચર્ચા એ પણ જોર પકડ્યું છે, અને એ છે બંધારણની પ્રથમ કોલમમાં જ લખાયેલા ઈન્ડિયા શબ્દની બદલે સરકાર ભારત શબ્દ મુકવા માંગે છે. આપણે બધા જ ભારતીય છીએ પણ આ બાબતે દરેકનાં મંતવ્ય અલગ અલગ હોય શકે છે. પણ જ્યાં સુધી રાષ્ટ્રની વાત હોય તો એમાં સર્વની સંમતિ બહુ જરૂરી છે. જોકે આજે આપણે શું કામ આવું કરવું જોઈએ? એની પર વાત કરવા કરતાં, આવું કરવાથી શું ફેર પડશે ખરો? એ મહત્વની વાત તરફ ધ્યાન દોરવા વિનંતી છે. 


    આપણે જાણીએ છીએ કે ઈન્ડિયા એટલે ભારતના ઘણા નામ છે. જેમકે પ્રાચીન કાળથી આપણાં દેશનાં અલગ-અલગ નામ રહ્યાં છે. પ્રાચીન ગ્રંથોમાં જમ્બૂદ્વીપ, ભારતખંડ, હિમવર્ષ, અજનાભ વર્ષ, આર્યાવર્ત વગેરે તો કેટલાક ઈતિહાસકારોએ હિંદ, હિંદુસ્તાન, ઈન્ડિયા જેવા નામ આપ્યાં. ભારત નામ ની સૌથી સામાન્ય જાણકારી આપણે સૌને છે કે દુષ્યંત અને શકુંતલા ના પુત્ર ભારતે ચારે દિશામાં સફળતા મેળવીને ભારત વર્ષની સ્થાપના કરી હતી. આ ઉપરાંત આપણા સનાતની ઓનાં આદર્શ રહેલા પ્રભુ શ્રીરામના ભ્રાતા એવા ભરતના પરમ ત્યાગ ના લક્ષણને માન આપીને આ દેશનું નામ ભારત રાખવામાં આવ્યો એવી પણ ધારણા છે. તો વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે ઋષભદેવ બ્રહ્મ ઉપાસના માટે વન-ગમન કરે છે, ત્યારે પોતાના જયષ્ટ પુત્ર ભરતને ઉતરાધિકારી બનાવે છે અને તેના નામ પરથી ભારત નામ પડ્યું. સમુદ્ર ની ઉતરેથી હિમાલયના દક્ષિણ સુધીના પ્રદેશને ભારત કહે છે. 


   આ ઉપરાંત આ પ્રદેશમાં સૌથી પહેલા આર્ય જાતિના લોકોએ વસવાટ કર્યો હોવાથી તેને આર્યાવર્ત પણ કહેવામાં આવે છે. તો મધ્ય યુગમાં તુર્કી અને ઈરાનીઓએ સિંધુ ઘાટી માંથી આ પ્રદેશમાં પ્રવેશ કર્યો હતો અને એ લોકો સ ની બદલે હ બોલતા હોવાથી આ પ્રદેશને હિન્દુસ્તાન પણ કહેવામાં આવે છે. વિષ્ણુ પુરાણ ના બીજા અધ્યાયમાં હિમાલયમાં થતા જમ્બૂ નામના વૃક્ષના ફળો હાથી જેવડા મોટા હોય છે, એનો ઉલ્લેખ જોવા મળે છે, અને આ ફળ પાકી ને એનો રસ જ્યારે હિમાલયથી નીચે વહેતો ત્યારે નદી જેટલો પ્રવાહ વહેતો હતો એટલે આ વૃક્ષની મહત્તા દર્શાવવા માટે આ પ્રદેશને જમ્બૂદ્વીપ પણ કહેવામાં આવતું હતું. આ ઉપરાંત હિમાલયમાં સતત બરફ એટલે કે હિમ થીજેલો રહેતો અને એને કારણે હિમવર્ષ પણ કહેવાતું હતું. 


  પરંતુ અંગ્રેજોએ જ્યારે આપણા આ વિસ્તારમાં પ્રવેશ કર્યો ત્યારે એ પણ સિંધુ ઘાટી માંથી જ પ્રવેશ્યા હતા અને એ લોકોએ આ ઘાટીને ઈંડસ વેલી એવું નામ આપ્યું, અને આ પ્રદેશ કે વિસ્તાર ને એ લોકોને બોલવામાં ભારતવર્ષ કે હિન્દુસ્તાન અઘરું પડતું હતું એટલે ઈન્ડિયા ઈંડસ વેલી નાં પ્રદેશને ઈન્ડિયા કહેવા લાગ્યા અને આમ બંધારણમાં ઈન્ડિયા એવું નામ દાખલ થયું. 


    તાજેતરમાં ચાલી રહેલી તજવીજ મુજબ આ ઈન્ડિયા નામ કાઢી અને ત્યાં ભારત નામ દાખલ કરવું એવી એક સ્પષ્ટ વાત છે અને આર એસ એસનાં વડા શ્રી મોહન ભાગવત સાહેબની જનતાને અપીલ પણ છે કે ઈન્ડિયાની બદલે ભારત નામથી જ આપણા દેશને પ્રેઝન્ટ કરવો! ૨૦૨૦ માં પણ આ અંગે થોડી તજવીજ થઈ હતી, પણ કંઈ થયું નહીં. ઈન્ડિયા નામ આપણને ગુલામીની યાદ અપાવે છે, એવો તર્ક પણ ઘણા લગાવે છે. પણ પ્રશ્ન એ છે શું આપણે ખરેખર આઝાદ છીએ ? મને લાગે છે કે કદાચ નથી. દેશની ઉપર ભલે હવે કોઈ રાજ કરતું નથી, પણ દિવસે ને દિવસે આપણે આપણી જાતનાં ગુલામ થઈ રહ્યાં છીએ અને એને કારણે દેશ તો આઝાદ થયો પણ આપણે દેહના ગુલામ થઈને આપણી નૈતિકતા ગીરવે મુકતાં પણ ખચકાતા નથી! શું આપણી આ માનસિકતા ઈન્ડિયા નામ બદલવાથી દુર થશે? પણ કમનસીબે કહેવું પડે છે કે એમાં રતીભાર ફેર પડવાનો નથી કારણ કે આંખે આધુનિકતા ના ચશ્મા ચડાવ્યા છે એ સાચું સારું કે ખોટું ખરાબ જોવા જ ક્યાં દે છે. સાચી દેશદાઝ વાળા બેશક આ ઉપાય ને કારગત માને પણ સમાજ અને સમયની દોડને લગામની જરૂર ચોક્કસ છે! પણ હવે આ નામ બદલવાથી કેટલે અંશે ફેર પડે છે, એ તો સમય પર જ છોડવું પડશે. ઈન્ડિયાની બદલે ભારત નામ થાય તો સારું જ છે! પણ શું માત્ર નામ બદલવાથી આપણે મૂળ ભારતીય સંસ્કાર તરફ પાછા ફરી શકીશું? કે જેમાં અન્ન એવો ઓડકાર, અને અન્ન બગડે એનું મન બગડે, એવી પ્રાથમિકતા થી આપણને સિંચ્યા છે. આજના આ દોર એ તો આ બાબતે દાટ વાળ્યો છે, અને એને કારણે જ સમાજ આટલો ક્રૂર અને હિંસક થતો જાય છે, એ તરફ ધ્યાન આપવું પડશે, એ વિચારવાનો સમય પાકી ગયો છે. ભારતમાં જન્મ થયો એ આપણી માટે બહુ ગર્વની વાત છે, પણ આપણી કમનસીબી છે કે એને આપણે સમજી શકતા નથી. જો એ વાત સમજાય જાય કે આપણે ભારતીય છીએ અને આ પ્રમાણે જીવવું એ જ મારી સાચી લાયકાત છે, તો પછી આપણે ન‌ અંગ્રેજો ની ગુલામી કરવી પડે કે ન તેણે આપેલા ઈન્ડિયા નામની! અને જહાં ડાલ ડાલ પર સોને કી ચીડિયા કરતી હે બસેરા વો ભારત દેશ હૈ મેરા! જહાં સત્ય, અહિંસા ઓર ધર્મ કા પગ પગ લગતા ડેરા,વો ભારત દેશ હૈ મેરા, એ ગીતની કલ્પના મુજબનું ભારતવર્ષ ફરી જોવા મળે.જય હિન્દ.


      લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...