ચિંતનની ક્ષણે શ્રાવણ માસ સ્પેશિયલ- ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

મંગળવાર, 5 સપ્ટેમ્બર, 2023

ચિંતનની ક્ષણે શ્રાવણ માસ સ્પેશિયલ- ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિષે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે. પરંતુ આપને વિષે સંશય કરવો યોગ્ય નથી, કારણકે બીજા કોઈ સમર્થ નથી.


 હે મહાદેવ.

          આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ભગવાન શિવ શંકર તો ભોળી ભાવનાનો ભૂખ્યો છે તેને આપણા દ્વારા કરવામાં આવતા દર્શન વ્રત ઉપવાસ કે એકટાણાનું એટલું મહત્વ નથી, પણ તેમાં રહેલા ભાવનું મહત્વ છે. છતાં જીવ પોતાની માનસિકતા અનુસાર તેને ભજે છે. પંડિતો હોય તે સ્તુતિ સ્તવન ગાઈને શંકરને આરાધે છે, કોઈ રુદ્રીના પાઠ કરે છે. જ્યારે સામાન્ય માણસો દૂધ પાણીના અભિષેક કરીને શિવને પ્રસન્ન કરવા મથે છે. ગામડા ગામનો માણસ તો મંદિરમાં કે શંકર સમીપે ગયા વગર જ, ઓમ નમઃ શિવાયનો મંત્ર જપે છે, અથવા તો ભજન ધૂન ગાઈને શ્રાવણ ઉજવે છે. પરંતુ ભગવાન તેમાં ભૂલ કાઢતો નથી, તેને મન રાય ને રંક બધા જ સરખા છે. ટૂંકમાં કહીએ તો માનસિકતા ભલે બધાની જુદી હોય પણ કારણ તો ભોળા ભગવાનને રીઝવવાનો છે અને એ રીતે જીવ શિવની સન્મુખ થાય છે. હિંદુ સનાતન ધર્મમાં 33 કરોડ દેવી-દેવતા ઓનું સ્થાન છે, પરંતુ એક મહિના સુધી કોઈ ભગવાનની આરાધના થતી હોય તો તે ફક્ત શિવ શંકર છે.


 હે કૈલાશ પતિ, હે દિન દયાળુ, ઉમાનાથ ગૌરીશંકર ભોળા નાથ કિડ્સ કેટલા નામ છે તમારા અને જગ્યા સાથે જોડાયેલા નામ પણ અલગ.કથા વસ્તુ કે દંતકથા સાથે જોડાયેલા નામ પણ શિવ પુરાણ શિવ મહિમા અનેરો છે. આમ જુઓ તો મૂળ નામ આશુતોષ છે, અને આશુતોષ તો અજન્મા એટલે પૂરાવાની કોઈ વાત જ નથી, કે આનો પુત્ર ને આ તેના મા-બાપ એવું કાંઈ નહીં. પરંતુ આપણા તરીકે આપણે તેને સ્વીકારી અને યુગો યુગોથી ભજતા આવ્યા છીએ, અને આગળ પણ ભજીશું. આ શ્રાવણને ભક્તિ શૃંખલામાં આપણે શંકરાચાર્ય ભગવાનના માનસિક પૂજાના સ્તોત્રથી શરૂઆત કરી હતી, ગઈ કાલથી આપણે શિવ મહિમ્ન સ્તોત્રનો ભાવાર્થ સમજવાનું શરુ કર્યું છે, હવે આગળ...


શિવ મહિમ્ન સ્તોત્ર.


કિમીહ: કિકાર્ય સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં

કિમાધારો ધાતા સૂજતિ વિમૂપાક્ષ ન ઈતિ ચ |

આતકયૈશ્વર્થે તવય્યનવ સરયુ:સ્યો હતવિય:

કુતર્કોર્ય કાશ્રિન્સુખરયતિ મોહાય જગત: || 5 ||


***અર્થ : ‘હે ભગવાન ! પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે. પરંતુ જડબુદ્ધિવાળાઓ ‘જગતને ઉત્પન્ન કરવા બાબત શી ક્રિયા થતી હશે, તે ક્રિયા ક્યા પ્રકારની હશે, તેના અમલમાં ક્યા ક્યા પ્રકારો યોજાયા હશે, જગતનો આધાર તણા જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે ?’ આવો કુતર્ક કરે છે, પ્રભુ, એ કુતર્કનું તાત્પર્ય એ છે કે, જગતભરના આપણા ભક્તોના ચિત્તને ભ્રમણા પમાડવી. આપને વિષે આવા કુતર્ક એ જ અયોગ્ય છે, કારણકે આપ તો અચિંત્ય માહાત્મયથી યુક્ત છો.


અજન્માનો લોકા: કિમવ વંતોડપિ જગતા

મધિષ્ઠાતરં કિં ભવવિધિરનાદત્ય ભવતિ |

અનીશો વા કુર્યાદભુવનજનને ક: પરિકરો

વ તો મદાસત્વા પ્રત્યમરવર ! સંશેરક ઈમેં || 6 ||


***અર્થ : હે ભગવાન ! આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો, છતાં ‘આ દ્રશ્યમાન સપ્તલોક સાકાર છે. આમ જગત સાકાર હોવા છતાં અજન્મા હશે એ સંભવિત નથી, કારણકે જે સાકાર વસ્તુ છે તેનો જન્મ પણ હોય છે જ. જેમ ઘડો સાકાર છે, તેથી તે ઉત્પત્તિમાન છે, તેમ આ જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે, ઈશ્વર સિવાય બીજો કોઈ જગતકર્તા હશે !’ બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિષે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે. પરંતુ આપને વિષે સંશય કરવો યોગ્ય નથી. તેમજ આપ કરતાં બીજો કોઈ સમર્થ પણ નથી.


ત્રયી સાંખ્યયોગ: પશુપતિમતં વૈષ્ણનમિતિ

પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ: પથ્યમિતિ ચ |

રુચિનાં વૈચિત્ર્યાદ્દજકુટિલનાનાપથનુષાં

નૃણાંમેકો ગમ્યસ્ત્વસિ પયસામર્ણવ ઈત્ર || 7 ||


અર્થ : ત્રણ વાક્યો વડે, ત્રણ વેદ તમારી પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. સાંખ્ય વડે કપિલ, યોગશાસ્ત્રદ્વારા પતંજલિમુનિ તથા ન્યાય વૈશેષિક શાસ્ત્રદ્વારા ગૌતમ કણાદમુનિ પશુપતિ વડે શૈવો, તથા નારદ-જેઓ ‘નારદપંચરાત્ર’ ના રચનાર છે તેઓ વૈષ્ણવ મત દ્વારા તમારી પ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગ બતાવે છે. આ મુખ્ય પાંચ ભેદ છે. અને સકલ મતવાદીઓ અહંકાર વડે પોતપોતાના સિદ્ધાંતને જુદા માને છે, પરંતુ જેમ સર્વ નદીઓના જળ પૃથક્ પૃથક્ માર્ગો વડે એક સમુદ્રમાં મળી જાય છે, તેમ અધિકારી ભેદ વડે આપ એક પ્રભુ સઘળા જ મુમુક્ષુઓને પ્રાપ્ત થાઓ છો.


મહોક્ષ: ખટવાંગં પરશુરજિનં ભસ્મ ફણિન:

કપાલં ચતીયતવ વરદ ! તંત્રીપકરણમ્ |

સુરાસ્તાં તામૃદ્ધિ દધતિ તુ ભવદભ્રૂપ્રણિહિતાં

નહિ સ્વાત્મારામ વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ || 8 ||


અર્થ : ‘હે વરદાન આપનાર : નંદી ખટવાંગ ફરશી, વ્યાધચર્મ, ભસ્મ, સર્પ, કપાળ વગેરે તારા જીવનનિર્વાહનાં સાધનો છે. છતાં તેં આપેલી સંપત્તિને રાજાઓ પણ ભોગવે છે. અભયના દાતા ! વિષયો ઝાંઝવાના જળ જેવા છે. તે આત્માથી જ પ્રસન્ન એવા યોગીને બ્રહ્મનિષ્ઠાથી ચલાયમાન કરી શકતા નથી.



        પુષ્પદંત એક ગંધર્વરાજ હતા પરંતુ ગંધર્વો વિશે ફક્ત તે સ્વર્ગ લોકના સંગીતકાર છે, અને આજે ઉત્તર ભારતમાં જે ગૈવૈયાની પ્રજાતિ છે, તેને ગંધર્વ જાતિ કહેવાય છે, એટલો જ ઉલ્લેખ આપણને પુરાણોમાંથી મળે છે, તો હવે આપણે મૂળ શિવ તત્વ કે જેની આરાધના પુષ્પદંતે કરી હતી તેને વિષે રોજ થોડું થોડું જાણીશું.       


        શિવ એટલે કે આશુતોષ  અજન્મા છે, અને શિવ તત્વનો સીધો સાદો અર્થ કરવામાં આવે તો, શિવ એટલે કલ્યાણ. કલ્યાણ ની ભાવના જેમ જેમ વધતી જાય, તેમ જીવનમાં શિવ તત્વ વધુ ને વધુ પ્રબળ થતું જાય છે. પરમ કલ્યાણનો હેતુ નિસ્વાર્થ હોય છે, કોઈની પણ સાથે કંઈપણ લેવાદેવા ન હોય એટલે કે સંબંધ ન હોય, અને છતાં હૃદયમાં એટલી કરુણા ઉમટે કે જીવ જે તે કાર્ય કર્યા વગર રહી ના શકે તે કલ્યાણ છે.અગાઉના ચિંતનમાં સહાનુભૂતિથી સંવેદના અને સંવેદનાથી કરુણા સુધીની યાત્રા આપણે જોઈ છે. એટલે મૂળ વાત એમ છે કે શંકર ભલે અજન્મા હોય, પણ જીવમાં કરુણા રૂપે કે કલ્યાણ રૂપે તેનો જન્મ ભક્તિની પરાકાષ્ઠા એ થાય છે, માનસમાં એ તત્વ પડેલું જ હોય છે, પણ સમાધિ અવસ્થામાં રહેલા એ શિવ, કામ ભાવ સમ થતાં સમાધિમાંથી જાગૃત થાય છે, અથવા તો ઘણીવાર કામને બાળવા માટે પણ શિવ સમાધિમાંથી જાગે છે, બંને ભૂમિકા માં જીવ શિવ તત્વને પામે છે. કોઈવાર સંસારના ભોગ વિલાસ થી અત્યંત ઉબી(ધરાઈ) ગયેલો જીવ પણ શિવને તેનાથી ઉગારવા પ્રાર્થના કરે છે, તો આપણે આવા શિવ તત્ત્વોથી ભરાયેલા શિવલિંગ ની ઉપાસના કરીએ છીએ તો શિવલિંગનો થોડો અર્થ જોઈએ.


          શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે. શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. આ ઉપાસનામાં શિવ અને શક્તિ અભિન્ન હોવાથી આ સ્વરૂપ પૂજન અર્ચન માટે સ્વીકારાયું છે.આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ઉમા, લક્ષ્મી, શચિ ઇત્યાદિ દેવીઓ, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ-પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે!   શિવલીંગ અને વેદીમાં વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવે તો ચિત્તવૃત્તિ માં ધીરે ધીરે આત્મ લીંગ ની સ્થાપના થાય છે, બાહ્ય સ્થૂલ લિંગ અને આંતર આત્મ લીંગની સહાયતાથી વ્યાપક પરમેશ્વર તરફ ગતિ થાય છે અને સંસાર ભાવમાં ધીરે ધીરે વિલીનતા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્યબ્રહ્મની કૃપાથી કારણ બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે. પછી એ જીવાત્માને આવાગમનનો જરાય ભય રહેતો નથી.   શિવલિંગની પૂજા નો વ્રતના દિવસે ષોડશોપચાર વિધિથી કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવ એટલે મંગલ. આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારનાં પૂજનને "ષોડશોપચાર" કહેવામાં આવે છે.   શિવલિંગના પાચ સ્વરૂપો છે. પૂજન માટે વપરાતા શિવલિંગના પાચ પ્રકારો આ પ્રકારે છે: (૧) સ્વયંભૂ લિંગ (૨) બિંદુ લિંગ (૩) સ્થાપિત લિંગ (૪) ચરલિંગ (૫) ગુરુ લિંગ 


       ગુરુકૃપા એ શિવ વિશે જેટલું સમજાયું તેને બને એટલી મૌલિક ભાષામાં લખવા પ્રયત્ન કર્યો છે, છતાં પણ અઘરું તો છે. પરંતુ એક વાત સાવ સહેલી છે, અને એ છે કે શિવ ને માત્ર લોક કલ્યાણ અને કરુણાના ભાવથી જ પામી શકાય છે. તો આપણે સૌ એ કલ્યાણને જ જીવનમંત્ર બનાવી અને શિવને આરાધી એ, કેવી એક અનન્ય પ્રાર્થના સાથે હું આજે અહીં જ વિરમું છું. તો સૌને મારા આજના દિવસના સ્નેહવંદન અને જય સીયારામ.


     લી. ફાલ્ગુની વસાવડા. ( ભાવનગર)

બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...