માત્ર રૂપિયા કમાવાની ઈચ્છા એ કોઈ ધ્યેય નથી - ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2023

માત્ર રૂપિયા કમાવાની ઈચ્છા એ કોઈ ધ્યેય નથી - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


માત્ર રૂપિયા કમાવાની ઈચ્છા એ કોઈ ધ્યેય નથી! એવું વિચારી સારું લક્ષ્ય રાખી ખુદની સાથોસાથ અન્યને પણ જીવનમાં પ્રેરણા આપી જાય, એવું ધ્યેય હોવું જોઈએ.


હે ઈશ્વર.

          આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. તારી લીલાઓ અપરંપાર છે, અને તેને પામવાની કે જાણવાની કોશિશ કરીએ, તો એમાં સફળતા મળતી નથી. પરંતુ માણવાની કોશિશ કરીએ તો સાધુ પુરુષો કંઈક અંશે સફળ થાય છે, પરંતુ અમારી જેવા સંસારીઓ માટે તો એ કાર્ય દુર્લભ છે. જ્યારે જ્યારે જીવ ને એવો અહેસાસ થાય છે કે, હવે તો બધું જ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, અને જીવનમાં સુખ દુખની ઘડીએ પણ સમ રહી શકાશે, ત્યારે જ કંઈક એવી ઘટના ઘટે કે અંદરનો માંહ્યલો એ સ્વીકારી ના શકે. મમતાનો રંગ બહુ ગહેરો હોય છે, અને એ બહુ આસાનીથી છૂટતો નથી. જેને આપણે ધર્મરાજ કહીએ છીએ, એ યુધિષ્ઠિર પણ આ પરીક્ષામાં પાસ થયા નથી, તો આપણી તો શું વિસાત!! એટલે સ્વજન જ્યારે દુઃખમાં હોય, ત્યારે આપણે સ્વાભાવિક રીતે જ ખુશ કે આનંદિત રહી શકતા નથી, અને હમણાંતો દાદાને પથારીમાં સહજ કેટલી એ સમસ્યા હોય, એટલે તે ભાવ ઉદાસ કરે,અને જીવ સતત નામ-સ્મરણ ગાયત્રી મંત્રનું રટણ કરી બુદ્ધિ સમ રાખવા મથે, અને સદગુરુ કૃપા એ તરત સ્થિરતા પણ પ્રાપ્ત કરે. આવાં નિરાશા ના ભાવ દૂર કરવા હમણાં હમણાં ક્યારેક જૂનાં ગીત સાંભળું છું, તો હમણાં એક ગીત સાંભળ્યું અને આજે શુક્રવાર એટલે તરાને કી તર્જ જીવન કાં અર્ક અંતર્ગત એને જોઈએ. 



રુક જાના નહીં તું કહી હાર કે,

કાંટો પે ચલકે મિલેગે સાયે બહાર કે,

ઓ રાહી ઓ રાહી.

ઓ રાહી ઓ રાહી.


   1974 બનેલી ઈમ્તિહાન નામની આ ફિલ્મમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત છે, અને કિશોર કુમારનો અવાજ. પહેલા કોઈ અસરાર ઉલ હસન નામના અન્ય મુસ્લિમ શાયરે આ રચના લખી હતી, પછી મઝરુહ સુલતાનપુરી એ તેને યોગ્ય શબ્દ દેહ આપ્યો, અને ફિલ્મમાં વિનોદ ખન્ના તેમજ તનુજા એ અભિનય કર્યો હતો.


     જીવનમાં હકારાત્મક અભિગમ કેળવવા માટે શાયર ખુદ પોતાની જાતને ધક્કો આપે છે, અને કહે છે રુક જાના નહીં, ક્યારેય ચાલતો ચાલતો અટકી જઈશ નહીં. આ જીંદગીમાં કાંટા ઉપર ચાલીને જ બહાર સુધી પહોંચાય છે, એટલે કે અવરોધો પાર કરીએ પછી જ જીવનની સુંદરતા વધે છે, જીવનમાં બહાર આવી હોય એવા અનુભવ થાય છે, ખુશીના ફૂલો ખીલે છે, અને રંગબેરંગી ભાવોની રંગોળી રચાય છે. પરંતુ શરત માત્ર એટલી જ છે કે સમસ્યા અવરોધ કે પછી જે કંઈ મુશ્કેલ લાગતું હોય એ બધું જ સહન કરવું પડે, અને જો રોદણાં રડવા બેસી જઈએ તો, જીવન ખલાસ થઈ જતું પણ દેખાય છે. એટલે કે દરેક જણ આ સમસ્યાઓથી ગભરાઈને આત્મહત્યા નથી કરતાં, પરંતુ તેમને જીવનમાં કંઈક નવું કરવાની કોશિશ નથી કરતા કે, પછી બધું જ સરખું થઈ જશે, બસ થોડી હિંમતની જરૂર છે, એવો ભાવ કેળવી શકતા નથી, અને સતત નિરાશામાં રહે છે, અન્યને પણ નિરાશામાં ગરકાવ કરતાં રહે છે.


   જેમ દિવસ પછી રાત આવે છે, એટલે કે સૂર્ય અને ચન્દ્રની હાજરી જીવન માટે બહુ જ જરૂરી છે. એ જ રીતે સુખ-દુઃખના મુકામો પણ જીવનમાં એટલા જ જરૂરી છે, સમયની એક એક ઘડી આપણને કંઈક નવું શીખવા માટે જ આવી રહી છે. પરંતુ આપણે તે સત્ય એક બાજુ રાખી અને આપણી સાથે શું શું થયું, અને અન્ય કેમ આ તકલીફમાં નથી, એ વાતનો સતત ખેદ મનમાં ને મનમાં કરી, વધુને વધુ નિરાશ થઈ જતા હોઈએ છીએ, બાકી સમસ્યા એટલી મોટી ક્યારેય હોતી નથી કે જેનો કોઇ ઉકેલ શોધી ન શકાય!!. આમ પણ આપણે ત્યાં કહેવત છે કે ઈશ્વર, એક બારી બંધ કરે તો બીજી ખોલતો જ હોય છે. કોઈ પણ રોગ આપ્યા પહેલા તેની દવા પણ તે તૈયાર રાખતો હોય છે. પરંતુ વાસ્તવિકતાનો સામનો ન કરી શકવાની આપણી બુદ્ધિની નાદાનિયત ને કારણે આપણે વધુ ને વધુ નિરાશામાં ગરકાવ થતા જઈએ છીએ, અને જીવન અંધારી ખાઈ જેવું બની જાય છે. 

    

  આ ગીતની એક-એક પંક્તિમાં જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો તેને કારણે અટક્યા વિના અને પગમાં તીવ્ર કાંટા વાગે તોય તેની ચિંતા કર્યા વિના આગળ વધવાની પ્રેરણા આપે છે. આટલું જ નહીં, લક્ષ્ય સુધી પહોંચવાની. પ્રેરણા પણ આ ગીત આપે છે. આટલું જ નહીં, લક્ષ્ય સાથે પહોંચવાના મનોબળ સાથે પોતાની ધૂન પર નીકળી પડેલાને જોઈ સૂરજ પણ અટકી પડે છે અને તેના દ્રઢ નિર્ધાર સમક્ષ ઝૂકી જાય છે. આ ઉદાહરણ આપી શાયર મંજિલ ભણી નીકળેલા યુવાનને અનેરું બળ પૂરું પાડે છે. આટલેથી અટક્યા વિના શાયર એમ પણ કહે છે કે તારી સાથે માર્ગમાં કોઈ સાથી પણ નથી. મંજિલ પર પહોંચવું એ તારી અઘરી પરીક્ષા સમુ છે. કોઈનેય જોયા વિના, અટક્યા વિના, તારે સતત આગળ વધતા રહેવાનું છે. તારી સાથે તારા સ્વપ્ન સિવાય બીજું કોઈ નથી, તું મંજિલ પર પહોંચે ત્યારે તને આવકારવા નિસર્ગ શીતળ છાયો પાથરીને રાહ જોઈ રહ્યું હશે, એવી શાયર હૈયાધારણ પણ આપે છે.


    ૪૭ વર્ષ પહેલાં લખાયેલું આ ગીત આજની પેઢીને પણ એટલું જ પ્રેરણાદાયી છે, અને હવે આવનારી બીજી સદી સુધી પણ આ પ્રેરણાને સમયનો કાટ નહીં લાગે, તેનો ચળકાટ યથાવત્ રહેશે. જીવનના કોઈ પણ ક્ષેત્રની વ્યક્તિને આ ગીત અનેરું પ્રોત્સાહન આપે છે અને આપતું રહેશે, પરંતુ જેને જીવનમાં કંઈક વિશેષ કરવું છે એવો સંકલ્પ કરે કોઈ વિશેષ ધ્યેય કે લક્ષ્ય રાખે તો બધું જ થઈ શકે. આજકાલ યુવાનો પોતાનું લક્ષ્ય પુરું કરવા માટે ખરેખર રાત-દિવસ જોયા વગર મથતા હોય છે. પરંતુ એમાં માત્ર એક નાનો ફેરફાર કરવાની જરૂર છે, એટલે કે એક તો સતત સ્પર્ધાના આ યુગમાં ક્યારે કોણ ફેંકાઈ જશે, કે કોણ રોકાઈ જશે, કે કોણ નાપાસ થશે, એ નક્કી હોતું નથી. ત્યારે માત્ર ને માત્ર મારા ભોગવિલાસ કે સાધન સંપન્નતા વધારે એવું બને ત્યાં સુધી લક્ષ્ય રાખવુ નહીં. એટલે કે માત્ર રૂપિયા કમાવાની ઈચ્છા એ કોઈ ધ્યેય નથી, એવું વિચારી સારું લક્ષ્ય રાખે તો ખુદની સાથોસાથ અન્યને પણ જીવનમાં પ્રેરણા આપી જાય, એવું કંઈક કરવું જોઈએ. જેમ કે આઝાદી પહેલા દરેક ભારતીયનું સ્વપ્ન હતું, આઝાદ ભારત, એટલે કે અંગ્રેજોને આપણા દેશમાંથી હાંકી કાઢવા, અને દેશ ઉપર સંપૂર્ણ સત્તા ભારતીયોની રહે. આપણે જોઈએ છીએ કે આ સ્વપ્ન સાચું પડ્યું, અને આપણે આજે આઝાદ થયાં. પરંતુ દેશ એક રીતે આઝાદ થયો છે પરંતુ માનસિકતાની દ્રષ્ટિએ આજે આપણે આપણા ને આપણા ગુલામ થતા જઈએ છીએ, એટલે કે આપણી જરૂરિયાતો આપણે એટલી વધારી દીધી છે કે, તેને પૂરી કરવા માટે આપણે સાચું-ખોટું કંઈ વિચારી શકતા નથી, તો સમાજ નું ચિત્ર બદલવું હશે, એટલે કે વર્તમાન સમાજમાં ફેરફાર કરવા હશે, તો ફરી પાછા બધાએ એક જ ધ્યેય રાખવું પડશે, અને એ હિંદુ સંસ્કૃતિનો વિશ્વમાં ડંકો વગાડવો, અથવા તો ફરી પાછી તેને વિશ્વ ઉજાગર કરવી.


   જીવન છે તો સતત કંઈ ને કંઈ સારું ખરાબ થવાનું જ છે, અને એ સત્યનો સહર્ષ સ્વીકાર કરી નાની મોટી તકલીફોને ગણકાર્યા વગર જીવનમાં ચાલતા રહેવું, જેને કારણે જીવન બંધિયાર થઈ જશે નહીં, અને નાની નાની વાતમાં પણ ખુશી આપશે. આમ પણ ખુશ રહેવા માટે કંઈ દરેક જણાએ મુકેશ અંબાણી કે રતન ટાટા બનવાની જરૂર નથી, અને એ લોકો પણ ખુશ છે એવી ક્યાં ખાતરી આપી શકાય એમ છે?? ખુશી તો આપવાથી વધે છે, એ સત્ય યાદ રાખી આપણાથી અન્યને જેટલા ખુશ કરી શકાય તેટલા કરવા, અથવા તો અન્યની સમસ્યાઓ હળવી કરીએ, તો પણ મનને ઘણી શાંતિ મળે છે. આજ સુધીના જીવનમાં આડો આંક વળ્યો હોય, એ રીતે આ લાવ તે લાવ!! આ કર તે કર!! એમ કર્યું. પરંતુ હવે ભોગની બાબતમાં જીવને હવે બસ કર એમ કરવું પડશે, અને તો જ જીવનમાં નવી દિશાનાં દ્વાર ખુલશે. જ્યાં સતત સત્યનો સુરજ આપણને સત્કારવા ઉભો હશે, ગ્રહ નક્ષત્ર શુભ મંગલ ગાન કરી રહ્યા હશે, અને સકલ અસ્તિત્વ આપણા ધ્યેયને પૂરું કરવા મથી રહ્યું હશે. હું અને તમે આપણે બધા જ સંસારી છીએ અને આ સંસારની મોહ-માયા મમતાના ધાગા એટલા આસાનીથી ઉકેલી શકવાના નથી, ત્યારે અંદરનો માંહ્યલો કે અંતર આત્માનો અવાજ રુક જાના નહીં તું કહી હાર કે!! એ સતત સંભળાતો રહે એમ જીવન જીવી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


       લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...