જીવન અંજલી થાજો! - ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

જીવન અંજલી થાજો! - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


જીવન અંજલી થાજો! જગતના ઝેર ભલે પીવા પડે પણ મારી સમીપે જે આવે તેને ઉરના અમૃત વહેંચી શકું!એવા ભાવ આપજો.


હે ઈશ્વર.

         આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. શ્રાવણ પૂરો થયો એટલે વળી પાછું આપણે રૂટિનને અનુરસરીએ! આજે ગુરુવાર એટલે ચાલો પ્રાર્થના કરીએ. સામાન્ય રીતે માનવીની એ સમજ છે કે ઈશ્વર પાસે કંઈક માંગવાના કે ઇચ્છા પૂરી કરવા માટેના જે ભાવ હોય, તેને પ્રાર્થના કહેવામાં આવે છે. પરંતુ પ્રાર્થના એ તો નિર્મળ હૃદયમાં વહેતુ સંવેદનાનું ઝરણું છે. તે કોઈ અન્યને માટે થતી હોય છે, અથવા તો પોતાનામાં જ્યારે જીવ થી કંઈ સુધાર આવી ન શકે, ત્યારે પ્રાર્થના થતી હોય છે, કે ઈશ્વર તું આમ કર! મારી બુદ્ધિ ને નિર્મળ અથવા તો પરદુઃખે દુઃખી થઈ તેની મદદ કરી શકું તેમ કર. સામાન્ય રીતે જીવનું આયુષ્ય પહેલા સો વર્ષનું ગણીને આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ તેની અવસ્થા પ્રમાણેનાં ચાર ભાગ પાડ્યા હતા. અને દરેક અવસ્થામાં પોતાનું કર્તવ્ય કર્મ કરતાં કરતાં કંઈક વિશેષ કર્મ પણ એ અવસ્થા મુજબ કરવા માટે જીવ ઈશ્વરને પ્રાર્થના કરતો હોય છે. પરંતુ આજ કાલ જીંદગી નો કોઈ ભરોસો નથી,કારણ જીવન ધોરણમાં ઘણો તફાવત આવી ગયો છે, એટલે જેટલું જીવન છે, એમાં જ કંઈક કરવાનું છે, તેથી જેને વિશેષ કર્મ કરવું છે, તો એણે જીવનના ઉતરાર્ધ સુધી રાહ જોવી પોષાય નહીં.પહેલા પોતે જાગે અને પછી બીજા ને જગાડે એ રીતે જોઈએ સમય બગાડ્યા વગર વર્તમાનમાં જીવવું જોઈએ, અને આમ જુઓ તો પ્રાર્થના એ ઈશ્વર સુધી પહોંચવાની સીડી છે, પરંતુ શરત એટલી જ છે કે જાગૃતિની જાણકારી જે જીવમાં હોય તેણે, ઈશ્વરને શું પસંદ છે, અથવા તો ઈશ્વર આપણી પાસેથી શું આશા રાખે છે, તે મુજબનું વર્તન, કે વ્યવહાર કરીને જો જીવન જીવે,જેથી કરીને ઝડપથી ત્યાં સુધી પહોંચી શકે. ઈશ્વર અને જીવ બંનેનું પ્રાર્થનાના માધ્યમથી જો મિલન થાય તો તે અપેક્ષા ઉપેક્ષા મુક્ત રહે છે.દરિયો સાવ નજીક હોય અને ઉંચા ઉંચા ભરતી નાં મોજાં ઉછળે એમ લહેરાતો હોય, પરંતુ તરસ લાગે તો દરિયો કામ આવતો નથી! એટલે કે દરિયાના પાણીથી તૃપ્તિ થતી નથી. પરંતુ જો એક ખોબા અથવા અંજલિ જેટલું મીઠું પાણી મળી જાય, તો એ તૃપ્તિ કરાવે છે.બસ‌ એ જ રીતે આયુષ્ય ગમે તેટલું મોટું હોય તો પણ એમાં કંઈ વિશેષ કર્મ ન કર્યું હોય તો સંતોષ થતો નથી, પરંતુ નાના એવા આયખામાં પણ કંઈક કર્યાનો આત્મસંતોષ થાય, એવું જીવન જીવવા મળે એવી એક સુંદર પ્રાર્થનાની વાત આપણે કરીશું.


** કવિ શ્રી કરસનદાસ માણેક ની રચના**


જીવન અંજલી થાજો !

મારું જીવન અંજલિ થાજો !


ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;

દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો !

મારું જીવન અંજલિ થાજો !


સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,

ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !

મારું જીવન અંજલિ થાજો !


વણ થાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;

હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !

મારું જીવન અંજલિ થાજો !


વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;

શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો !

મારું જીવન અંજલિ થાજો !


       કવિ શ્રી કરસનદાસ માણેકની સુંદર રચના આપણે બધાએ લગભગ પ્રાર્થના તરીકે ગાઈ હશે, અને પ્રાથમિક શાળાનો એ વર્ગ યાદ કરીએ તો બંધ આંખે આ પ્રાર્થના થતી, ત્યારે દરેકના મનમાં લગભગ આવા જ ભાવ હતા. કારણ બાળકની નિર્દોષતા તે સમયે દરેકના જીવનમાં હતી, અને નિખાલસતા બાળપણનો સૌથી મોટો ગુણ છે. પરંતુ ઉંમર વધતા રાગ-દ્વેષ વધતા ગયા, અને મારું-તારુંની ભાવના દ્રઢ થતી ગઈ, તો ક્યારેક ક્યારેક જવાબદારી અને કર્તવ્ય કર્મના બોજા હેઠળ પણ જીવ મૂંઝાયને ન કરવાનું કરી બેસે,તો ક્યારેક મહત્વાકાંક્ષાને કારણે પણ માનવી માર્ગેથી ભટકે છે.એવે સમયે બાળક જેવી નિર્દોષતા પાછી મેળવવા તેમજ કંઈક વિશેષ કર્મ કરવા માટે આવી કોઈ પ્રાર્થનાનો સહારો લેવો પડે.


           કવિની આ રચનામાં કોઈ ભારેખમ શબ્દ નથી, નથી કોઈ સંસ્કૃત ભાષાનો પ્રયોગ કર્યો, છતાં કેટલી અસરકારક ને ઉતમ ભાવ અર્જીત કરનારી છે. હે ઈશ્વર મને આયુષ્ય ભલે નાનકડું એવું આપો, પણ એ જીવન માં હું કોઈ ને ભોજન કરાવી શકું, કોઈ તરસ્યાની આંતરડી ઠારી શકું, દર્દમાં તડપતા કોઈના આંસું લૂછવામાં હું કોઈ દિવસ પાછી પાની ન કરું,હર હંમેશ તૈયાર રહું.સત્યનો માર્ગ કાંટાળો છે એવું કહેનારના માર્ગ પર પુષ્પ બની હું પથરાતો રહું,જગતના ઝેર ભલે પીવા પડે પણ મારી સમીપે જે આવે તેને ઉરના અમૃત વહેંચી શકું, અથવા તો ઉમળકાથી સ્વાગત કરી શકું એવા ભાવ આપજો. ઈશ્વર તારી સમીપે આવવા માટે મારા પગમાં ક્યારેય બળ ખૂટે નહી આપવા તો હું થાકું નહીં, અને તારા અનન્ય સ્વરુપની ઝાંખી કરવા માટે હું નિશદિન ચાલતો રહું, એટલી શક્તિ આપજો. હૃદયની ધડકન સાથે તારા નામનું સ્મરણ થાય એવી બુદ્ધિ આપજો. સંસાર સાગર કહો કે ભવસાગર કહો તેમાં જો અમારી આ જીવન નાવ હાલકડોલક થાય તો તેનો તું ધ્યાન રાખજે, ગમે તેટલી કઠિન પરિસ્થિતિ આવે, પણ મનમાં તારા તરફની શ્રદ્ધાનો દીપક ક્યારેય બુઝાય નહીં. ઈશ્વર નું અનન્ય સ્વરૂપ કે અનન્ય પ્રાર્થના એવો શબ્દ પ્રયોગ થાય એટલે બહુ સ્વાભાવિક એમ થાય કે એવું કયું સ્વરૂપ ની વાત કરે છે. આમ તો આપણી આંખો ઈશ્વર ના અમુક નિશ્ચિત સ્વરૂપ ને જ ઈશ્વર માને છે! અને એ જ આપણી ભૂલ છે. પ્રત્યેક જીવ ખુદ એક ઈશ્વર છે પણ એણે એના દર્શન સામેવાળા માં કરવાનાં છે, અને એ વ્યક્તિ એની માટે અનન્ય સ્વરૂપ ધરાવતા ઈશ્વર સમકક્ષ છે! આપણે જેમ પૂજામા ભોગ ઈત્યાદિ સાધનો ઈશ્વર ને અર્પણ કરીએ છીએ એ જ રીતે એ અનન્ય સ્વરૂપને ચરણે અર્પણ કરી દેવાથી ઈશ્વરે આપણી ભેટ સ્વીકારી એવો અનુભવ થાય છે! અને આવો અનુભવ કવિ ને કોઈની મદદ કરવાથી થયો હશે 


   આપણે આવી કોઈ પ્રાર્થના જ્યારે કરીએ, એનો સાચો અર્થ સમજીએ અને આપણે એ મુજબ જીવવા જ્યારે કટિબદ્ધ ત્યારે અનુભવાય કે જીવન કેટલું સરળ હતું, અને આપણે એને કેટલું જટિલ બનાવ્યું છે, કંઈ જ કરવાનું નથી, માત્રને માત્ર અંતરના ભાવ શુદ્ધ કરીએ તો આપોઆપ ઈશ્વર આપણને અનુભવાય છે.ભારતીય મનીષી ઓ આ બધું જ તત્વજ્ઞાન જાણતા હતા, એટલે તેમણે પ્રાર્થના પર બહુ મોટો ભાર મૂક્યો છે, અને બાળક હોય કે મોટા સૌને પોતાના દિવસની શરૂઆત પ્રાર્થનાથી જ કરવી જોઈએ. જેથી કરીને આખો દિવસ સારો જાય, અને અંતરાત્મામાં નો અવાજ સાંભળીને જીવવાની ટેવ પડે. પ્રાર્થના એ એવો પ્રયોગ છે જે સૌએ કરવા જેવો ખરો, આપણે પણ વિશ્વ આખાની અશાંતિની હાલની વિકટ પરિસ્થિતિ ને પહોંચી વળવા મોરલ સપોર્ટ વધારવા અને જીવન ને સુંદર બનાવવા આવી કંઈક પ્રાર્થના કરીએ, અને સૌના જીવન ખુશખુશાલ બંને એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવી પ્રાર્થના સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


    લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...