સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય ફાલ્ગુની વસાવડા
શીર્ષક પ્રાસંગિક
આજે સમાજમાં ઘણીબધી બાબતો પર ગેરસમજ ચાલે છે, અને સમાજને હવે પ્રત્યાહાર કરવાની જરૂર છે સૌને મિચ્છામી દુક્કડમ
હમણાં હમણાં સનાતન ધર્મ જાણે ખતરામાં હોય એમ એની પર પ્રહારો થાય છે, પણ બહુ ઉંડા મૂળિયાં છે, એમ કંઈ કોઈ જડ કાપી શકે એમ નથી.પણ અમુક લોકોને એનાથી કંઈ ફેર પડ્યો નહોય એમ આરામથી ચૂપ છે.ભારતીય સમાજ આમ પણ ઘણીબધી વાતે એકદમ ઉદાર છે,અને એમાં પણ ધર્મ નિરપેક્ષ હોવાથી સર્વ ધર્મમાં માનનારો પણ છે. જેમ કે હિન્દુ ચર્ચમાં પણ જાય દરગાહ ને મઝાર પર પણ જાય, દેરાસરમાં પણ જાય, અને અન્ય કોઈ બોદ્ધ શીખ ધર્મનું સ્થાન હોય ત્યાં પણ જાય ! પરંતુ ક્યારેક આટલી ઉદારતા મોંઘી પડે! એમ અન્ય ધર્મના લોકો એવું સમજવા લાગ્યા છે કે, એને કોઈ ધર્મ જ નથી! અને એટલે આપણા દેવી દેવતાઓ વિશે ગમે તેવી ટિપ્પણી કરતાં પણ એ લોકો અચકાતા નથી. પરંતુ સનાતન ધર્મના જ મુખ્ય ત્રણ ફાંટામાં હિન્દુ બૌદ્ધ, જૈન અને એમ પેટા માર્ગ કે પંથ છે. હમણાં હિન્દુ પંચાગ મુજબ ગણેશ ઉત્સવનાં દિવસો ચાલે છે તો બીજી બાજુ જૈન ધર્મનાં પર્યુષણનાં દિવસો પણ ચાલતાં હતાં. તો જૈન ધર્મમાં પર્યુષણના અંતિમ દિવસે મિચ્છામી દુક્કડમનો તહેવાર ઉજવવામાં આવે છે. તો ગણેશ ઉત્સવમાં અગિયાર દિવસ ગણેશ પૂજન અર્ચન કરીને અનંત ચૌદસ એ એનું વિસર્જન કરવામાં આવે છે. આપણી સંસ્કૃતિ પ્રમાણે સમાજમાં ચાર વર્ણ નક્કી કરવામાં આવે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શૂદ્ર! દરેકની અલગ અલગ માનસિકતાને કારણે આ વર્ણ વ્યવસ્થા સ્વીકારવામાં આવી હતી, પરંતુ હાલ એને વંશ પરંપરાગત બનાવી દીધી છે. આજે આપણે બ્રાહ્મણ અને વણિક વર્ગની બે મહત્વની વાત વિશે વાત કરીશું, જે બંને અલગ-અલગ સંપ્રદાયના છે. એક ઈશ્વર પ્રતિ જે ભાવ ઉત્પન્ન થયો છે તે પહેલા દેહ શુદ્ધીનો છે. અને બીજો શબ્દ હિન્દુ ધર્મનીની અને બ્રાહ્મણો અત્યારે જે, માત્ર એક ક્રિયા તરીકે જ કરે છે તેની વિશેનો છે.
***@૧-- સંધ્યા.
આજકાલ સામાન્ય રીતે બ્રાહ્મણના ઘરમાં જ આ ક્રિયા થતી જોવા મળે છે. જીવને આજે એટલી ઉતાવળ છે કે આ ફક્ત હવે ક્રિયા જ રહી છે. સંધ્યા દિવસમાં ત્રણવાર કરવામાં આવે છે.
૧-- સવારની સંધ્યા
પ્રાતઃકાળે વહેલા ઉઠી શરીરને નિત્યકર્મથી શુદ્ધ કરી, પ્રાણાયામ જેવી અતિશય શક્તિ, આપનારી ક્રિયા કરી આત્માને જગાડવામાં આવે છે. પૂજન જાપ વગેરે ક્રિયા પણ કરી લેવામાં આવે છે. આ બધી જ ક્રિયાઓ જો એકાગ્રતાપૂર્વક થાય તો, શરીરમાં એક સ્થિર ભાવનાઓનું નિર્માણ થાય છે. અને દેહ સાથે કંઈક બીજું પણ આપણને સત્યની કે ઈશ્વર પ્રત્યેની સંવેદના, જાગૃત થવાથી અનુભવાય છે. સંધ્યાનો મૂળ અર્થ એ છે કે, બહાર જે છે તે અને આપણા જે સ્થૂળ શરીરમાં છે આત્મા રૂપે બિરાજમાન છે, તેને મેળવવાની ક્રિયા. પરમાત્માની આત્મા પર દ્રષ્ટિ પડે તેવા સુંદર સમયનું આયોજન એટલે સંધ્યા. સવારે તે ક્રિયા કરી જીવ પોતાના આખા દિવસની દિનચર્યા માટે, તેની બધી જ ઇન્દ્રિયો ને નિયમિત રીતે કાર્યરત કે સક્રીય કરવાની, ઈશ્વરને પ્રાર્થના કરે છે. અને તેના શરણે પોતાની જાતને સોંપી દે છે.
૨---મધ્યાન સંધ્યા.
એટલે કે શરીરને પોષણ આપવા માટે, જ્ઞાન ઉપરાંત ખોરાકની પણ જરૂર છે. અને તે પુરી કરવા માટે તે જમે છે. આ બંને વખતના ભોજન થી, તેના પેટમાં જે જાય છે તે જઠરાગ્નિને એક યજ્ઞના અગ્નિની જેમ અર્પણ કરી, તેમાંથી કાર્યશક્તિ મેળવી, અન્ય વિકારનો નાશ કરે છે. અને સતત પ્રકૃતિ પ્રત્યે સદભાવના અને આભાર પ્રાર્થના કરાય છે.
૩ ---રાત્રી સંધ્યા--.
હવે રાત્રે થતી સંધ્યા એટલે કે સુતા પહેલા, અથવા સૂર્યાસ્ત પછી થતી સંધ્યા. કે જેમાં જીવ પોતાના આખા દિવસની દિનચર્યાથી કંઈ જ, થાક કે બોજ અનુભવે અને, વિશ્રામની તૈયારી કરે છે. સતત કાર્યરત રહેલી ઈન્દ્રિયો અને, તેની બુદ્ધિને પાછા નિષ્ક્રિય, બનાવવાની ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે છે. શરીરના દરેક અંગોને અડીને ઈશ્વરને આહવાન કરવામાં આવે છે, કે એ ઈશ્વર તું મારામાં સંપૂર્ણ સમાય અને મારી આ ઈન્દ્રિય દ્વારા, કોઈ જ વિકર્મ ન થાય તેનું ધ્યાન રાખજે અથવા મને જાગૃત કરજે. ભક્તિની ક્રિયામાં ભાવ નું હોઉં બહુ જરૂરી છે. ભાવ આવશે એટલે ભક્તિ સાચી થશે, અને ભક્તિ સાચી થશે ત્યારે તેના બે પુત્રો, જ્ઞાન અને વૈરાગ્ય પણ જરૂરથી જીવનમાં આવશે. માટે પહેલા ભાવનું પ્રાધાન્ય કેળવવું જોઈએ.
***૨@--- પ્રતિક્રમણ.
જૈન સંપ્રદાયનો બહુ જ જાણીતો શબ્દ છે. જૈનોમાં પર્યુષણ ને મહાપર્વ કહ્યું છે. આ 8 દિવસ જૈનો, દેરાસર કે ઉપાશ્રયમાં જઈ, અને પોતાના આ શરીર વડે ધર્મની સાધના, આરાધના, અને ઉપાસના,યથાયોગ્ય રીતે કરે છે. રોજ કોઈ એક મુનિનું, ભગવાન શ્રમણ મહાવીરના જીવનને અને તેના ઉપદેશ દ્વારા, મળેલ જ્ઞાનનું વ્યાખ્યાન થાય છે. શ્રોતાઓ તેને રસપૂર્વક સાંભળે છે. અને કંઈક નિયમો પણ લે છે. હવે પહેલે દિવસે એક "પ્રતિક્રમણ" શબ્દ વાપરી તેનો શબ્દાર્થ કહે છે. સંસારી જીવો માટે ગીતામાં પણ કહ્યું છે કે, કર્મ કરવું તે મનુષ્યનો સ્વભાવ છે. અને તે મનુષ્યથી સાહજિકતાથી થવું જોઈએ. પણ જાણે અજાણે જીવથી અમુક વિકર્મો પણ થાય છે. જેનાથી દેહ અશુદ્ધ થાય છે. આત્મા ઢંકાઈ જાય છે, માટે ઈશ્વરનું સ્મરણ કરતા પહેલાં, અને ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે કે, તેને અનુભવવા માટે દેહ શુદ્ધિ આવશ્યક છે. માટે આ રીતે પોતે કરેલ વિકર્મોની માંફી માંગી, એકરાર કરી હવે જીવનમાં ફરી તે ભુલ ન થાય તેની પ્રતિજ્ઞા લઈ, પછી જ જ્ઞાન મેળવવા માટે તે લાયક બને છે. પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં, વૈરાગ્ય ભાવનું પ્રાધાન્ય મેળવી પાછો ફરે તે ક્રિયા. વૈરાગ્ય એ સંસ્કૃત શબ્દ છે. માટે તે આપણી સંસ્કૃતિ એ આપેલ છે, અને જીવનમાં જ્યારે પણ કોઈ વસ્તુ કે પદાર્થ પ્રત્યે મોહ જન્મે કે તરત જ તેનો ત્યાગ કરો, ભોગ-વિલાસની આ વસ્તુ પ્રત્યે, તમને ક્યારેય મમત્વ નહીં થાય. આ મારો સ્વાનુભવ છે, જૈનો પોતાના દરરોજના નિયમોમાં પણ ઘણા વિવેક બદ્ધ છે, તે ફરી કોઈ વાર જોઈશું. ફક્ત એક નિયમ તેનો દીક્ષા એ સમજાતો નથી. અણસમજું અને અસંતુલિત માનસ ધરાવતો જીવ જ્યારે દીક્ષા લે, ત્યારે શરૂઆતમાં તેને સફળતા પણ મળે, અને સફળતાનો નશો, જ્યારે ઊતરે ત્યારે તે, પોતાની શક્તિનો દુરુપયોગ કરે છે. તંત્રની ઉપાસના કરવા વાળા જૈન તાંત્રિક, વિનાશને નોતરે છે. અને પોતે જે મેળવ્યું નથી અથવા ભોગવ્યું નથી અને છોડ્યું છે તે પર, બીજા કોઈનો હક્ક નથી તેવું વિચારીને કોઈને કોઈને, હેરાન કરવામાં તેની શક્તિનો દુરુપયોગ કરે છે.
મિત્રો હું જૈન નથી કે, નથી હું બ્રાહ્મણ, આમ તો જન્મથી કે વર્ણથી જ બ્રાહ્મણ કે જૈન થવાય? પહેલા તો કર્મથી નક્કી કરવામા આવતું..... પણ હું તો નરસિંહ કુળની, નાગર ના ઘણા અર્થ થાય પણ મને ગમતો અર્થ એટલે જે ગર વગરનું એટલે ઝેર વગરનું. તો કોઈ મિત્ર જૈન કે, બ્રાહ્મણ હોય તો તે કોઈ ગેરસમજ ન કરે, અને જો કાંઈ ખોટું લખાયું હોય તો, તેની માટે ક્ષમા યાચું છું. બાકી આ લેખ આજે અહીં મૂકવાનું કારણ આજે સમાજમાં ઘણીબધી બાબતો પર ગેરસમજ થઈ છે અને સમાજને હવે પ્રત્યાહાર કરવાની જરૂર છે સૌને મિચ્છામી દુક્કડમ છે. ધર્મ ગમે તે હોય પણ મૂળ ભાવ માનવતા નો હોવો બહુ જરૂરી છે, અને સનાતન ધર્મના મૂળ જ માનવતા છે.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.