સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય- ફાલ્ગુની વસાવડા
શીર્ષક- ચિંતનની ક્ષણે
મિત્રો- શુભ સવાર
હિંદુ ધર્મમાં ઋષિ શબ્દ બહુ મહત્વનો છે, જે સંસારી હોવા છતાં સંન્યાસી છે, અને તે સમાજ ઘડતર માટે બહું મહત્વની ભૂમિકા ભજવે છે.
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સમયની રેતી એકધારી હાથમાંથી સરી રહી છે અને કોઈ કાળ સામે બાથ ભીડીને વિજય થાય છે, અને કોઈ આમ જ હાર સ્વીકારી લે છે. કાળ સામે બાથ ભીડીને વિજયી થયેલા ઋષિપુરુષ એવા પપ્પાને આજે ઋષિ પાંચમ એ યાદ કરવા બહુ જ જરૂરી છે, ફક્ત હથિયાર હાથમાં લઈને જે યુદ્ધ લડે તેને જ વીર કહેવાતા નથી, સમય સંજોગો ને માત આપે તેને પણ વીર કહેવાય. સમાજમાં જેને ઋષિ તરીકે સમાજ વાસીઓએ માન આપ્યું હતું, તેવા દિવગંત આત્મા ના પરલોક ગમન ને ત્રણ વર્ષ ઉપર થઇ ગયું છતાં એ હજી પણ જીવંત અનુભવાય છે, અને સંતાનો તથા સમાજ તેના ગુણો ગાઈને ઋણ મુક્ત થવા કોશિશ કરે છે.આ જીવ તેના ગુણોનું સ્મરણ કરી તેમના પગલે જ્ઞાનની નવી ઉંચાઇ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. સમય રહેતા જેણે સમય ને સાધી લીધો તેને પણ ઋષિ કહેવાય છે, એ સત્ય શીખ એમનામાંથી ગ્રહણ કરીને આજે આપણે ઋષિ શબ્દ વિષે ચિંતન મનન કરીશું.
ભાદરવા સુદ પાંચમ ને આપણે ત્યાં રુષિપાચમ તરીકે ઉજવવામાં આવે છે. સ્ત્રીઓ ના મુખ્ય ગુણધર્મ એટલે કે ઋતુચક્રમાં આવવાના સમયે, વાણી, વર્તન, વ્યવહારમાં, કોઈ દોષ થયો હોય તો, તેનાથી નિવારણ કરવા માટે વર્ષમા એકવાર આ વ્રત કરવું, એવી વર્ષોથી પરંપરા રહી છે. જેથી કરીને આ વ્રત આપણે ત્યાં મોટેભાગે સ્ત્રીઓ કરતી જોવા મળે છે. આમ પણ વ્રતો મોટેભાગે સ્ત્રીઓના નસીબમાં લખાયા છે. તે છતાં મોટી ઉંમર થઈ જતા, પુરુષો પણ આ વ્રત કરતાં અમુક કુટુંબોમાં જોવા મળે છે. કોઈ વ્યક્તિનું મરણ થાય તેની પાછળ પણ આ વ્રત થતું જોવા મળે છે. ઋષિ જેવી સદગતિ મળે, અને ઋષિ તરીકેનો બીજો અવતાર પણ મળે એવી કંઈક માન્યતા આની પાછળ જોડાયેલી છે.
હિંદુ સનાતન ધારામાં ઋષિ અથવા મુનિ શબ્દ બહુ મહત્વનો છે ,અને ઋષિ શબ્દ બોલતા આપણા મન પણ એક પવિત્ર ભૂમિકામાં આવી જાય છે. ઋષિનો અર્થ જીવ પોતાની બુદ્ધિ પ્રમાણે કરે, તો ""જે સંસારી હોવા છતાં પણ સંન્યાસી જેવું જીવન જીવે તે ઋષિ"". પહેલાના કાળમાં આ ઋષિઓ અરણ્યમાં વસતા અને રાજા વગેરેના બાળકોને વિદ્યા પ્રદાન કરતા. તેમાં શ્રેણીઓ આવતી, કે રાજાના બાળકો આ ગુરુકુળમાં ભણવા જતા, અને અન્ય બીજે એ પ્રકારની એક વ્યવસ્થા હતી. તેનાથી આપણે પરિચિત છીએ. ઉપરાંત રાજાને પણ તેના પરિવારનું અને રાજ્યમાં કોઈ આવી ધાર્મિક જરૂરિયાત રહે, તો તેની માટે કુલ ગુરુ ઉપલબ્ધ રહેતા. ત્રેતા કાળમાં ઋષિ વશિષ્ઠ એ દશરથ ના કુળ ગુરુ તરીકે હતા, અને તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. પુત્ર કામેષઠી યજ્ઞ કરાવનાર પણ એક ઋષિ જ હતા, જેને કારણે આપણને ભગવાન શ્રીરામ મળ્યા. રાક્ષસોના ત્રાસથી મુક્ત થવા માટે, વિશ્વામિત્ર ઋષિ દશરથ રાજા પાસેથી રામ-લક્ષ્મણને લઈ જાય છે, તે ઋષિ વિશ્વામિત્ર પણ એ પ્રખર પ્રજ્ઞાશાળી વ્યક્તિત્વ ધરાવતા ઋષિ હતા. અને કૈકેયી દ્વારા જ્યારે વનવાસ પ્રાપ્ત થયો, ત્યારે અરણ્યમા વસતા શ્રીરામ અને સીતા ને પણ કેટલા બધા ઋષિઓએ મદદ કરી. આ ઉપરાંત સીતાજીનો બીજી વખત જ્યારે ત્યાગ કરવામાં આવ્યો, ત્યારે લક્ષ્મણજી તેમને વનમાં છોડી ને પાછા આવે છે, ત્યારે સીતાજી વિશ્વામિત્રના આશ્રમમાં રહી અને લવ કુશ ને જન્મ આપે છે અને વાલ્મિકી લવકુશ ને વિદ્યા પ્રદાન કરે છે. આ ઉપરાંત પણ શંકર પાર્વતી જેમની પાસે હરિ કથા સાંભળવા જાય છે તે કુંભજ ઋષિનો ઉલ્લેખ પણ રામાયણમાં થાય છે, અને ધનુષ ભંગ વખતે દુર્વાસા મુનિના ક્રોધનો આપણને પરિચય મળે છે.આ બધા જ ઋષિઓ સમાજને કંઈક ને કંઈક શિક્ષા આપી છે.
એટલે કહેવાની વાત એ છે, કે ઋષિ એ સમાજને ઉપર ઉઠાવવા માટે બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે તેને સામાજિક વૈજ્ઞાનિક કહી શકીએ, કારણ કે સમાજનો વિકાસ તેના વગર શક્ય નથી. વિજ્ઞાનની દ્રષ્ટિએ થાય તે જ માત્ર વિકાસ હોતો નથી. આતંરિક સ્તરની ઊંચાઈ વધારે અને વૈચારિક શક્તિમાં નિર્મળતાની સાથે સાથે ઊંચાઈ પણ જ્યાં જોવા મળે તે બધા જ વ્યક્તિત્વ ઋષિ છે. ઉપરાંત તે સમયે પણ વૈજ્ઞાનિક જેવા ઋષિઓ હતા અને જેમણે અંતરિક્ષ વિજ્ઞાનમાં પણ મહત્વની શોધ કરી હતી, તો ગર્ભ ધારણની એટલે કે જીવ શરીરના અંગો અને શરીરના જનીનો વિશે પણ જેઓ જ્ઞાત હતા. કળિયુગમાં આવા વ્યક્તિત્વોને આપણે સાધુ પુરુષ કે બુદ્ધ પુરુષ કહીએ છીએ. જેના જીવન સંસારી હોવા છતાં પણ સન્યાસને પણ દીપાવે છે. આજની આ સામાજિક સ્થિતિ જોતા એવું લાગે છે કે ઋષિઓનું હોવું પણ આપણી માટે એક વરદાન સાબિત થાય, અને આપણે તેના જીવન ચરિત્ર પરથી બોધ મેળવી અને જીવી શકીએ.ઋષિ જેવા વ્યક્તિત્વો જ્યારે સમાજમાં આપણે જોઈએ, ત્યારે આપણને ખરેખર એ ઉમદા વ્યક્તિ તરફ ભાવ પણ થાય છે, અને તેના જેવું જીવન જીવવાનું મન પણ થાય છે પરંતુ આપણી જાગૃતિના અભાવે, આપણે એ તક ચૂકી જતા હોઇએ છીએ. આવું પણ વારંવાર થતું જ રહે છે, બાકી સમાજમાં ઋષિ જેવા વ્યક્તિત્વોની કંઈ ખોટ નથી. પણ ક્યારેક આપણી આંખે તે જોઈ શકતા નથી, અને ક્યારેય જોઈએ તો એ તક ચૂકી જતા હોઇએ છીએ.
આપણે ત્યાં મુખ્ય સાત ઋષિઓ એવા છે જેમણે કોઈને કોઈ રીતે સમાજના વિકાસમાં તે તેમનો મહત્વનો ફાળો છે માટે તેમને આપણે સપ્તર્ષિ એવું બહુ નામ આપ્યું છે. વેદ પ્રમાણે તે ઋષિઓ ના કાર્ય ને નામ નીચે મુજબ છે.
આકાશમાં સાત તારાઓનુ એક મંડળ જોવા મળે છે. તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે. ઉક્ત મંડળના તારાઓનુ નામ ભારતના મહાન સાત ઋષિ કે સંતોના આધાર પર જ મુકવામાં આવ્યુ છે. વેદોમાં ઉક્ત મંડળની સ્થિતિ, ગતિ, અંતર અને વિસ્તારની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. દરેક મનવંતરમાં સાત સાત ઋષિ થયા છે.
અહી રજુ છે વૈવસ્તવત મનુના સમયમાં જન્મેલા સાત મહાન ઋષિયોનો ટૂંકો પરિચય
વેદોના રચેતા ઋષિ – ઋગ્વેદમાં લગભગ એક હજાર સૂક્ત છે. લગભગ દસ હજાર મંત્ર છે. ચાર વેદોમાં લગભગ વીસ હજાર છે અને આ મંત્રોના રચેતા કવિઓને આપણે ઋષિ કહીએ છીએ. બાકી ત્રણ વેદોના મંત્રોની જેમ ઋગ્વેદના મંત્રોની રચનામાં પણ અનેક ઋષિઓનુ યોગદાન રહ્યુ છે. પણ તેમા પણ સાત ઋષિયો એવા છે જેમા કુળોમાં મંત્ર રચેતા ઋષિઓની એક લાંબી પરંપરા રહી. આ કુલ પરંપરા ઋગ્વેદના સૂક્ત દસ મંડળોમાં સંગ્રહિત છે અને તેમા બે થી સાત મતલબ છ મંડળ એવા છે જેને આપણે પરંપરાથી વંશમંડળ કહીએ છીએ. કારણ કે તેમા છ ઋષિકુળોના ઋષિઓના મંત્ર એકત્ર કરવામાં આવ્યા છે.
વેદોનો અભ્યાસ કરવા પર જે સાત ઋષિઓ કે ઋષિ કુળના નામ વિશે જાણ થાય છે તે નામ ક્રમશ આ પ્રકારના છે. 1. વશિષ્ઠ 2. વિશ્વામિત્ર 3. કળ્વ 4. ભારદ્વાજ 5. અત્રિ 6. વામદેવ અને 7. શૌનક.
***વશિષ્ઠ ઋષિ, ત્રેતા કાળમાં રાજા દશરથ ના ફૂલ ગુરુ તરીકે તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી અને રામના જન્મ માટે તેઓ જવાબદાર છે તે વશિષ્ઠ ઋષિ થી કોણ પરિચિત નથી.
***વિશ્વામિત્ર, તે પણ ત્રેતા યુગમાં જ હતા, વિશ્વામિત્ર ઈન્દ્રથી નારાજ થઈ અને ધરતી પર સ્વર્ગની ની રચના કરી હતી. આજના હરિદ્વાર સ્થિત શાંતિકુંજ છે ત્યાં આગળ વિશ્વામિત્રે ઘોર તપશ્ચર્યા કરી અને સ્વર્ગ સમાન ધરતી પર એક બીજું સ્વર્ગ નિર્માણ કર્યું હતું અને આપણને ગાયત્રી મંત્ર ની ભેટ આપનાર પણ ઋષિ વિશ્વામિત્ર છે.
***કણ્વ ઋષિ, શકુંતલા નામની પાલક પુત્રીનો ઉછેર અને ભરતનો જન્મ તેના આશ્રમમાં થયો હતો. શકુંતલા દુષ્યંત ના ગાંધર્વ લગ્ન અને આગળની બધી જ કથા કણ્વ ઋષિના સમયની ઘટના છે.
***ભારદ્વાજ ઋષિ, ભારદ્વાજ ઋષિ ત્રેતા યુગની શરૂઆતમાં ઋષિ છે, પિતા બૃહસ્પતિ અને માતા મમતા નુ તે સંતાન છે અને છતાં તે રામ જન્મ તથા રામ વનવાસ સમયે પણ તેનો ઉલ્લેખ આપણને રામાયણમાં મળે છે રામ વનવાસ વખતે શ્રીરામ તેમના આશ્રમમાં પણ ગયા હતા, તે કથા પણ આ ઋષિ સાથે જોડાયેલી છે.
***અત્રિ – ઋગ્વેદના પંચમ મંડળના દ્રષ્ટા મહર્ષિ અત્રિ બ્રહ્માના પુત્ર, સોમના પિતા અને કર્દમ પ્રજાપતિ અને દેવહૂતિની પુત્રી અનુસૂયાના પતિ હતા. અત્રિ જ્યારે બહાર ગયા હતા ત્યાર ત્રિદેવ અનસૂયાના ઘરે બ્રાહ્મણના વેશમાં ભિક્ષા માંગવા લાગ્યા અને અનુસૂયાને કહ્યુ કે જયારે તમે તમારા સંપૂર્ણ વસ્ત્ર ઉતારી દેશો ત્યારે જ અમે ભિક્ષા સ્વીકાર કરીશુ. ત્યારે અનુસૂયાએ પોતાના સતિત્વના બળ પર ઉક્ત ત્રણેય દેવોને અબોધ બાળક બનાવીને તેમને ભિક્ષા આપી. માતા અનુસૂયાએ દેવી સીતાને પતિવ્રતનો ઉપદેશ આપ્યો હતો.
***વામદેવ – વામદેવે આ દેશને સામગાન એટલે કે સંગીત આપ્યુ. વામદેવ ઋગ્વેદના ચતુર્થ મંડળના સૂત્તદ્રષ્ટા, ગૌતમ ઋષિના પુત્ર અને જન્મત્રયીના તત્વવેત્તા માનવામાં આવે છે.
***.શૌનક – શૌનક એટલે દસ હજાર વિદ્યાર્થીઓના ગુરૂકુળને ચલાવીને કુલપતિનું વિલક્ષણ સન્માન મેળવ્યુ અને કોઈપણ ઋષિએ આવુ સન્માન પહેલીવાર મેળવ્યુ. વૈદિક આચાર્ય અને ઋષિ જે શુનક ઋષિના પુત્ર હતા.
કાળની ગતિ પ્રમાણે જોઈએ તો કળિયુગ પછી સતયુગ નું પુનરાવર્તન થઇ શકે છે, ત્યારે આજે આ રુષિપાચમ ના વ્રતનુ ખરા અર્થમાં દરેકના જીવન માં ઋષિ નું મહાત્મ્ય વધે તેવું કંઈક કરવું ઘટે.ઋષિ ચરિત્રની વાત આપણે આજે રુષિપાચમે કરી, અને વ્રત થાય કે ન થાય પણ ઋષિ જેવું વ્યક્તિત્વ જ્યારે સમાજમાં આપણને જોવા મળે ત્યારે તેમાંથી કંઈ ને કંઈ ગ્રહણ કરવાનો સંકલ્પ તો આ દિવસે આપણે જરૂર કરવો રહ્યો. ઇશ્વર દરેકને ઋષિ જેવી સદ્બુદ્ધિ આપે, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું આજે અહીં જ વિરમું છું. ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે, તો સૌને મારા સ્નેહવંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા. (ભાવનગર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.