સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય- ફાલ્ગુની વસાવડા
શીર્ષક- ચિંતનની ક્ષણે
મિત્રો- શુભ સવાર
આપના ઐશ્વર્યનો અંત જાણવા બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયાં હતાં. પરંતુ ઉભયમાંના કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહિ!
હે મહાદેવ.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. બધું જ સહજ મળે પણ જીવનમાં સૌથી સારો મિત્ર મળવો મુશ્કેલ છે, જીવનમાં સાચો મિત્ર મળી જાય તો એ બહુ સદનસીબની વાત છે, પરંતુ ન મળે તો પુસ્તક પણ એક ઉત્તમ સહારો કે મિત્ર બની શકે છે, અને લેખન પણ એક આદર્શ મિત્ર બની શકે છે.એટલે જ આપણે ત્યાં ચરિત્ર કથાઓનું નિર્માણ થયું હશે, કે જેથી તેને વાંચીને સૌ પોતપોતાની સમસ્યાનું નિવારણ કરી શકે, અને કેવું જીવન જીવવું જોઈએ તે પણ જાણી શકે. હિન્દુ સંસ્કૃતિમાં તો શાસ્ત્રો વેદ પુરાણો અને ચરિત્ર કથાઓનો કોઈ પાર નથી.આપણે પણ શાસ્ત્રોકત પ્રમાણ સાથે આવી કોઈ સ્તુતિ, સ્તોત્ર,કે સ્તવનનો આ શ્રાવણિય અનુષ્ઠાન દરમિયાન અભ્યાસ કરી રહ્યા છીએ. હે ભોળા શંભુ અમે પણ આપની પાસે આવા જ કોઇ સહારાની અપેક્ષા સાથે આવ્યા છીએ. કોઈ દિવસ તમારે શરણેથી કોઈ નિરાશ થઈને ગયું નથી, અમારી આ શ્રદ્ધાનું કમળ મૂરઝાય નહીં, તે હવે તમારે હાથ છે. ગંધર્વરાજ પુષ્પદંતની જેમ અમે અદ્રશ્ય થઈ શકવાની શક્તિ ધરાવતા નથી, પણ અમારી ભાવના જરૂર અદ્રશ્ય છે, જે આ સંસારી ઘટમાળમાં ક્યારેય દેખાવાની પણ નથી. છતાં અમારા આ વચન પર ભરોસો કરો.પુષ્પદંત રચિત શિવમહિમ્નસ્તોત્ર શ્લોકનો આપણે ભાવાર્થ સાથે અભ્યાસ કર્યો. સંસ્કૃત ભાષાની વિશેષ ઉપલબ્ધિ પામવી તે પણ એક વરદાન છે, જે મહાપુરુષોને સાંપડી છે. આપણે તેમના ચરણે બેસી હવે આગળ અભ્યાસ કરીશું.
શિવ મહિમ્ન સ્તોત્ર.
ધૃવં કશ્ચિત્સર્વં સફલમપરસ્ત્વદધૃવમિદં
પરો ધ્રૌવ્યાધ્રૌવ્યે જગતિ ગદતિ વ્યસ્તવિષયે |
સમસ્તેષ્યેતસ્મિન્પુરમથન ! તેવિ સ્મિત ઈવ
સ્તુવન્જિહોમ ત્વાં ન ખલુ નનુ ધૃષ્ટા મુખરતા || 9 ||
અર્થ : ‘હે પુરમથન ! કેટલાક સાંખ્ય અને પાતંજલ મતવાળા મિમાંસકો સર્વ જગતને નિત્ય અનિત્ય માને છે, બીજા મતવાળા નાસ્તિકો આ જગતને નિત્યાનિત્ય માને છે. એ રીતે ભિન્ન ભિન્ન મતવાદી લોકો આ જગતને ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે. આ ભિન્ન ભિન્ન મતોવાળા તમારા સ્વરૂપને જાણતાં નથી. તેમજ હું પણ સ્વરૂપને જાણતો નથી. તો હું મારી હાંસી થવાનો ભય તજીને તમારી જ પ્રાર્થના મારા શબ્દોથી કરું છું.
તવૈશ્વર્ય યત્નાધદુપર વિરંચિહરિરધ:
પરિચ્છેતુંયાતાવતલમનલસ્કંધવપુષ: |
તતો ભક્તિશ્રદ્ધા ભરગુરૂગણદભ્યાં ગિરિશ ! યત્ |
સ્વયંતસ્થેતાભ્યાંતવકિથમુવૃતિન ફલતિ || 10 ||
***અર્થ : ‘આપના ઐશ્વર્યનો અંત લેવા સારુ બ્રહ્મદેવ આકાશ તરફ અને વિષ્ણુ પાતાળમાં ગયા હતા. પરંતુ ઉભયમાંના કોઈને પણ આપની લીલાનો અંત પ્રાપ્ત થયો નહિ, કારણકે આપ પ્રભુ તો વાયુ અને અગ્નિ છો, તેમાં વાયુગત્વગયંત લિંગનું મૂળ છે. બ્રહ્મદેવ માત્ર બ્રહ્માંડના અને વિષ્ણુ માત્ર જળ તત્વના નિવાસ છે. માટે આપનું ઐશ્વર્ય જાણવાને કોઈ સમર્થ થતા નથી. અને એ બ્રહ્મા વિષ્ણુના અંતરમાં આપ સ્વત: પ્રાકટ્ય માનો છો. તેથી જ બ્રહ્મા અને વિષ્ણુ શ્રદ્ધા અને ભક્તિ વડે આપની સ્તુતિ કરે છે. હે ભગવાન ! આપની સેવા ફળની પ્રાપ્તિ કરતી નહિ હોય, એમ માનવું એ કેવળ મૂર્ખતા છે. આપ ઈશ્વરની ભક્તિ તો સાક્ષાત્ પરંપરાગત ફળને આપનારી છે.
અત્યનાપાદાપાદ્ય ત્રિભુવનમવૈરતધ્યતિકરં
દશાસ્યો દયબાહૂનમૃત રણકુંડપરવશાન |
શિર: પદ્મશ્રણી રચિતચરણામ્ભોરુંહબલે
સ્થિરાયાસ્ત્વબદભક્તસ્ત્રિપૂરંહર ! વિસ્ફૂર્જિતમિદમ્ || 11 ||
***અર્થ : હે ત્રિપુરવિનાશક ! યુદ્ધની ઈચ્છાને લીધે સદા ઉન્મત થઈ રહેલા વીસ હજાર ભુજાઓ યુક્ત રાવણને યંત્રહિતપણે નિ:શત્રુયુક્ત ત્રિભુવનનું રાજ્ય પરાક્રમ માત્ર આપની સ્થિર ભક્તિને જ આભારી છે. એ ભક્તિ એવી છે કે, રાવણે પોતાનાં દશ મસ્તક પોતાની હાથે જ છેદી, તેની પંક્તિ કરી કમળની પેઠે આપ પ્રભુને ચરણે બલિદાન આપ્યાં હતાં. વિશેષ કરીને આપનું પૂજન સકળ વસ્તુની અધિકતાથી પ્રાપ્ત થવાના હેતુ રૂપે છે.
અમુષ્ય ત્વસેવાસમધિગતસાર ભુજવનં
બલાત્કેલાસેડપિ ત્વદધિવસંતૌ વિક્રમયત: |
અલભ્યા પાતાલેડપ્યલસચલિતાંગુષ્ઠશિરસિ
પ્રતિષ્ઠા ત્વય્યાસીદધ્રુવમુપચિતો મુહયતિ ખલ: || 12 ||
***અર્થ : હે ભગવાન ! રાવણ આપની સમીપ કૈલાસમાં વસતો હતો, ત્યારે પણ તે પોતાની વીસ ભુજાઓનું પરાક્રમ દેખાડતો હતો. આપના બળને લીધે એ પાતાળમાં ટકી શક્યો નહિ. આપની સેવાભક્તિને લીધે રાવણને બળ પ્રાપ્ત થયું. રાવણના મસ્તક પર અનાયાસે અંગૂઠાનો ભાર રાવણથી સહન ના થવાથી પાતાળમાં રહેવાયું નહિ. વિશેષ કરીને પારકા ઐશ્વર્યને પામેલા જે દુષ્ટ જન મોત પામે, તેમને મહાપુરુષની કૃપા ફલદાતા થતી નથી.
આજે આપણે શિવ શંકર નું જે મૌલિક સ્વરૂપ છે, એટલે કે તેણે જે વસ્તુઓને ધારણ કરી છે, તેને વિશે થોડુંક જોઈએ. શંકર ના હાથમાં ત્રિશૂલ, ડમરૂ, શરીર પર ધારણ કરેલ સર્પ એટલેકે નાગ, મસ્તકે ગંગા, અને ચંદ્ર, તો પિનાક, જેવા ધનુષધારી એ શિવ શંકર અતિ શોભાયમાન અને પ્રસન્ન મુદ્રા વાળા દેખાય છે.
ત્રિશૂળ, તેમના હાથમાં રહેલું ત્રિશુલ, સત્ય રજસ અને તમોગુણ નુ પ્રતિક છે, એટલે કે શિવ શંકર ત્રિગુણાતીત છે. પોતાની તમામ ભાવનાઓને ભૂલીને, ભક્તોની ભાવનાને પ્રાધાન્ય આપનાર શિવ શંકર સદીઓથી સૌના પ્રિય દેવ રહ્યા છે. તેમનું ત્રિશુલ એટલી તાકાત ધરાવે છે, કે તે દેવલોક, નાગલોક, પૃથ્વીલોક, બધા જ લોકોને સમાપ્ત કરી શકે છે. તેની આગળ બીજા કોઈ શસ્ત્ર કામ કરતા નથી.
ડમરું, તેમના એક હાથમાં ડમરુ છે. કહેવાય છે, કે સૃષ્ટિને ઉત્પત્તિ થઇ ત્યારે વિદ્યા અને સંગીતની દેવી મા સરસ્વતી અવતરિત થઈ ત્યારે તેનો સુર એટલે કે અવાજ મૌન હતો. ભગવાન શંકરે ચૌદવાર ડમરુ વગાડી તાંડવ નૃત્ય કરી, અને સરસ્વતીને વાચા આપી હતી. શંકર નુ ડમરુ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ઘરમાં રાખવાથી એશ્વર્ય પ્રાપ્ત થાય છે.
નાગ, શંકરના આભૂષણ બનેલા નાગ એ, પાતાળ લોકના નાગના સ્વામી વાસુકી છે. પાતાળમાં નાગલોક છે અને તે પણ માનવ સૃષ્ટિની જેમ જ સંસ્કૃતિ ધરાવે છે. એટલે જ આપણે ત્યાં ઈચ્છાધારી નાગ ની વાત પણ આવે છે. નાગ રાજ વાસુકી એ શિવના પરમ ભક્ત હતા, અને તેમણે ખૂબ દૂર તપશ્ચર્યા કરી શિવને પ્રસન્ન કર્યા હતા, અને ત્યાંથી શંકર ભગવાન પોતાના આભૂષણ તરીકે વાસુકી ને ગળામાં રાખે છે.
ચંદ્ર, રાજા દક્ષના શ્રાપથી સ્થાપિત થયેલ ચંદ્ર અકાળે વૃદ્ધ થઈ જાય છે, અને તે પોતાની જુવાની પાછી પ્રાપ્ત કરવા માટે ભગવાન શંકરની તપસ્યા કરે છે. ભગવાન શંકર પ્રસન્ન થઈ, અને ચંદ્રને શાપ મુક્ત કરે છે, અને પોતાના મસ્તક નું ઘરેણું બનાવી તેની કલાને લલાટે સ્થાન આપે છે. એથી જ કલાના ઉપાસકોએ પણ શિવ શંકરને આરાધે છે કે જેથી કરીને તેની કલામાં ચંદ્ર ની જેમ વધઘટ ના આવે.
ગંગા, ભગવાન શંકરનું એક નામ વ્યોમકેશ છે, તેમને જટાને વાયુનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ ના ચરણોમાંથી ઉત્પન થયેલી ગંગા ને, ધરતી પર લાવવા માટે ભગીરથ રાજા જ્યારે તપ કરીને ભગવાનને પ્રસન્ન કરે છે, ત્યારે ગંગા નો એ પ્રચંડ પ્રવાહ પૃથ્વીલોકને સમાપ્ત કરી શકે તેમ હતો. આથી ભગવાન શંકર પોતાની જટામાં તેને સમાવી લે છે, અને તેનો અહંકાર સમાપ્ત કરે છે, એટલે ગંગા શિવ શરણમાં સમર્પિત થઈ ધીરે-ધીરે તેનો પ્રવાહ પૃથ્વી પર વહે છે. ત્યારથી ગંગા ભગવાન શંકર ની જટામાં અવિરત વહે છે, એટલે કે ભક્તિ સ્વરૂપે ત્યાં તેનો વાસ છે.
પીનાક, ભગવાન શિવ શંકર ના ધનુષ્યને પિનાક એવું નામ આપવામાં આવ્યું છે. તે બહુ જ શક્તિશાળી ધનુષ્ય છે. તેના માત્ર ટંકાર થી સમગ્ર લોક અસ્તવ્યસ્ત થઈ જાય છે. તેને ઉપાડવું એ પણ કોઈ સામાન્ય વાત નથી, રાજા જનકે શિવના ધનુષ્યને ઉપાડી શકે તેની સાથે સીતાના લગ્ન થશે, એવી શરત કદાચ એટલે જ રાખી હતી, કે ઈશ્વર સિવાય તે કોઈનું સમર્થ નથી. શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે તેના માંથી નીકળેલ આ તીરથી ત્રિપુરાસુરના 3 નગરો ધ્યસ્ત થયા હતા.તેના ટંકાર થી વાદળો ફાટી જાય છે, અને પર્વતોના સ્થાન પણ બદલી જાય છે, તેવી કથા પણ શિવપુરાણમાં આવે છે.
તો આ છે શિવ શંકર નું મૌલિક સ્વરૂપ અને તેના આભૂષણો ની કથા. સ્થૂળ સ્વરૂપ તો આપણે બધાએ તેના જોયા, પણ તેના સૂક્ષ્મ અર્થ પણ નીકળે છે. દરેકે દરેક ના જીવન માં શંકરનાં આભૂષણો મૂળ માં જે જ્ઞાન આપવા માંગે છે,તેનો યથાર્થ ભાવ સમજી અને સૌ એ પરમ સંસારી ની જેમ જ, આ સંસારી પણ જો જીવે તો જીવન ધન્ય બની જાય છે, અને તેને કોઈ જ ડર રહેતો નથી. સૌ પોતાના જીવનમાં દરેકે દરેક ઉપલબ્ધિને પામે અને અભય પદ ને કાંઠે બેસી ,અને સંસારના વ્યવહારોનું પરિવહન કરે, એવી એક અનન્ય પ્રાર્થના સાથે હું આજે અહીં જ વિરમું છું. તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.