શિવાલયનો મહિમા - ત્રિનેત્રેશ્વર મહાદેવ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

બુધવાર, 6 સપ્ટેમ્બર, 2023

શિવાલયનો મહિમા - ત્રિનેત્રેશ્વર મહાદેવ

સદગુરુ કૃપા હી કેવલમ

શીર્ષક ત્રિનેત્રેશ્વર મહાદેવ


બ્રહ્માજીએ સહસ્ત્ર કમળ પૂજામા ચઢાવેલું ચક્ષુ પોતાના લલાટમાં ધારણ કર્યું. ત્યારથી શંકર ત્રિનેત્રેશ્વર કહેવાયા.


    આજે શ્રાવણ વદ સાતમ એટલે કે શીતળા સાતમનો લોક તહેવાર છે એટલે કે આજથી હવે મેળો શરૂ અને હવે તો ગણ્યાં ગાંઠ્યા દિવસ જ બાકી છે, એટલે લોકો શિવ મહિમા કરવા શિવાલયના દર્શન અધીરા બન્યા છે, જે નહીં જઈ શક્યા હોય તે આ સમયગાળા દરમિયાન મેળા ને બહાને તીર્થમાં ભગવાન શિવનાં દર્શન કરવા જરૂરથી જશે. ભોળો શંભુ એના નામ પ્રમાણે જ ભોળો છે, અથવા તો એ ભોળો છે માટે તેનું નામ ભોળો નાથ પાડવામાં આવ્યું છે, અને માત્ર ભાવથી જ્યાં હોઈએ ત્યાં ઓમ નમઃ શિવાયનું શુદ્ધ હૃદયથી સ્મરણ કરીએ, એટલે ભગવાન આપણી પર અપરંપાર કૃપા કરે છે. ઓમકાર મંત્રથી પણ નાદ બ્રહ્મનો અહેસાસ થાય છે. મોટા મોટા પંડિતો કાશીમાં જઈને જે ગહન જ્ઞાન પ્રાપ્ત કરે છે, એ માત્ર અને માત્ર ભોળાનાથની અપરંપાર કૃપાથી આપણે સીધીસાદી ભક્તિથી પણ પ્રાપ્ત કરી શકીએ છીએ, અને કદાચ એટલે જ ભગવાન ત્રિનેત્ર તેને સમજવા વાળાના ભાલમા સમજણનું ત્રીજું નેત્ર ખોલે છે, અને જે દરેકે દરેક પરિસ્થિતિમાં સમાધાન ગોતી અને સમસ્યાનું વિષ પી જાય છે. સુરેન્દ્રનગર જિલ્લો એટલે કે જે સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે તેમાં થાનગઢ પાસે આવેલું ત્રિનેત્રેશ્વર મંદિર વિશે આજે આપણે વાત કરીશું.


     થાનગઢ પાસે આવેલા ત્રિનેત્રેશ્વર મંદિર પાસે જ તરણેતરનો મેળો ભરાય છે અને સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ દુનિયાભરમાં તરણેતરના મેળા તરીકે જગપ્રસિદ્ધ છે આ મંદિર આમ જુઓ તો ૧૦માં સૈકા માં બનેલું છે એવા પણ પુરાતન વિભાગ તરફથી પ્રમાણ મળે છે અને બાકી ૧૪મી સદીમાં કરણસિંહ પોતાની દીકરી કરણબા માટે આ મંદિર બંધાવ્યું હતું. આ મંદિર સાથે ઘણી બધી વાતો જોડાયેલી છે.


        પહેલી માન્યતા મુજબ થાનગઢ થી 10 કિલોમીટર દૂર આવેલું, વનરાજી વચ્ચે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ પ્રાચીન મંદિર દસમા સૈકાનું છે અને તે સમયની સંસ્કૃતિની ઓળખ કરાવતું કલાપૂર્ણ મંદિર છે,આ ભૂમિ દેવપાંચલ તરીકે પણ જાણીતી છે.ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર તેના નામ ઉપરથી અપભ્રંશ થઈને આ ગામનું નામ તરણેતર એટલે કે ત્રણ નેતર, એવું લોકબોલીમાં પડયું છે.જેના પ્રાંગણમાં ગુજરાતનો સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે.


      ત્રિનેત્રેશ્વર માટે ઘણી લોક વાયકાઓ પ્રચલિત છે. એક કથા મુજબ દ્રૌપદીનો સ્વયંવર અહીં યોજાયો હતો.અહીં અર્જુને મત્સ્યવેધ કરીને દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું હતું, એટલે આ મંદિરનો પ્રથમ ઈતિહાસ દ્વાપર યુગ સાથે જોડાયેલો છે.


       મંદિરના પ્રાંગણમાં એક કુંડ છે. આ કુંડમાં જ બ્રહ્માજી સૈકાઓ પહેલી મહાદેવની આરાધના કરતા હતા. ત્યારે મહાદેવને ચઢાવવાનાં એક હજાર કમળો માંથી એક કમળ ઓછું થયું હતું.હકીકતમાં બ્રહ્માજીની પરીક્ષા લેવા જ મહાદેવજીએ એક કમળ ઉપાડી લીધું હતું,પરંતુ બ્રહ્માજીએ તો પોતાના એક ચક્ષુને જ હજારમાં કમળ તરીકે ભગવાનને અર્પણ કરી દીધું હતું. આથી ભગવાન પ્રસન્ન થાય બ્રહ્માજીની આંખ તો સારી કરી આપી,પરંતુ બ્રહ્માજીએ ચઢાવેલું ચક્ષુ પોતાના લલાટમાં ધારણ કર્યું. ત્યારથી શંકર ત્રિનેત્રેશ્વર કહેવાયા.


        એક એવી પણ કથા છે, કે કણ્વ ઋષિએ મહાદેવની પૂજા કરી. મહાદેવજી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે આ સ્થળે કુંડમાં સ્નાન કરી જે પૂજા કરશે,પિંડદાન આપશે અને દાન કરશે તેના પિતૃઓને મોક્ષગિત પ્રાપ્ત થશે.ત્યારથી આ સ્થાન ત્રિવેણીસંગમની જેમ જ મૃતાત્માના ફૂલ પધારાવવા માટે પ્રસિદ્ધ થયું. આ ઉપરાંત મૃતાત્માના ફૂલ પધરાવવા હરિદ્વાર, સિદ્ધપુર અને પ્રભાસ પણ ત્રિવેણી સંગમ છે.


    બીજી એક લોકવાયકા એવી છે કે તારકાસુરનો નાશ કરવા માટે શિવથી એક પુત્રની ઉત્પત્તિ જરૂરી હતી.તેથી ઇન્દ્રની આજ્ઞાથી કામદેવ શિવને પ્રસન્ન કરવા, શિવને સેવા કરવાના બહાને લાગ જોઈને તેમની ઉપર મોહાસ્ત્રનો પ્રયોગ કરે છે. આથી અકાળે જન્મેલા વસંતના સંચારથી અને મોહાસ્ત્રના પ્રયોગથી હૃદયમાં લોભિત થયેલા મહાદેવે ત્રીજું નેત્ર ખોલીને સન્મુખ ઊભેલા કામદેવને ભસ્મીભૂત કરી નાંખ્યો.આથી કામદેવની પત્ની રતિ વિલાપ કર્યો, અને રતિને દ્વાપર યુગ સુધી રાહ જોવાનું કહે છે. દ્વાપરમાં કામદેવ કૃષ્ણને ત્યાં પુત્ર તરીકે જન્મ લેશે અને રતિને તેનો પતિ પ્રાપ્ત થશે, એવું વરદાન મળે છે. આથી રતિએ ભગવાન શિવ ત્રિનેત્રેશ્વરનું મંદિર બનાવી, દ્વાપર યુગ સુધી ભગવાનની પૂજા- અર્ચના કરીને તપશ્વર્યા કરી.


     આ ઉપરાંત પણ એક માન્યતા એવી છે કે ભાદરવા સુદ પાંચમના દિવસે (ઋષિ પંચમી) સવારે ગંગામાતા આ સ્થળને પાવન કરે છે. ભારતવર્ષના ઋષિવરો આ કુંડમાં સ્નાન કરવા આવે છે. તેથી કુંડની પાણીની સપાટી તે દિવેસ ઊંચી આવે છે. આજે પણ આ કુંડની સપાટી આ દિવસે ઊંચી આવે છે.આ સ્થાન વાસુકી નાગની ભૂમિ કહેવાય છે. અહીં ફરતા બાર બાર કિલોમીટર સુધી મોટા નાગો રહે છે. થોડે દૂર એક પ્રાચીન કુંડ છે, અને તરણેતર મહાદેવનું મંદિર છે. મંદિરને ફરતાં પથ્થરનો કોટ છે. પાસેની ટેકરી ઉપર સૂર્યદેવના મંદિરમાં સૂર્યનારાયણની રૂપાની મૂર્તિ છે. તરણેતરમાં આ મંદિર પાસે ભાદરવા મહિનામાં ખૂબ મોટો મેળો ભરાય છે, જે જગવિખ્યાત છે.મેળામાં આસપાસના ગ્રામજનો ગાન-વાદન અને નૃત્યમાં મસ્ત રહે છે. રંગબેરંગી પોશાક ધારણ કરી ફૂમતાં ને રંગબેરંગી સુશોભિત છત્રીઓ ધારણ કરી સૌરાષ્ટ્રની જાતજાતની જાતિઓ આહીરો- રબારીઓ-કાઠીઓ-ભરવાડો ઉપરાંત અનેક લોકો ભાતભાતના ભરતભરેલા પોશાક પહેરી અહીં એકઠા મળે છે. મૂછે તાવ દેતા જુવાનિયાઓ રંગબેરંગી છોગાં પહેરી પોતાની મનગમતી યુવતી સાથે નૃત્ય કરવા માંડે છે.હુડો રાસ,દાંડિયા રાસ- છત્રીનૃત્યો દ્વારા લોકલાગણી વ્યક્ત થતી રહે છે.નાચતા રમતા,ઉલ્લાસભર્યા વાતાવરણમાં યુવાન-યુવતી મસ્તીથી હેલે ચડી જાણે મનના માણીગર સાથે આનંદ હિલોળા લેતા હોય તેવું લાગે છે. તરણેતર એટલે લોકજીવનનો ઉમંગમેળો, ઉત્સાહમેળો, કે રંગમેળો, કે પછી પ્રણયમેળો પણ કહી શકો. પુરાણા ખંડેર થઈ ગયેલા ભગવાન ત્રિનેત્રેશ્વરના મંદિરનો જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા કરાવીને ઈ.સ. ૧૯૦૨માં લખતરાના રાજવી કરણસિંહજીએ પોતાની પુત્રી કરણબાની સ્મૃતિમાં કરાવ્યો હતો. હાલમાં મંદિરની આસપાસ ૮ થી ૧૦ પગથિયાંવાળો કુંડ છે. મધ્યમાં તુલસી- કયારો છે. મંદિરનું કુંડમાં પડતું પ્રતિબિંબ એક સુંદર દ્દશ્ય ઊભું કરે છે.હાલના મંદિરની બાંધણી 14મી સદીના સ્થાપત્ય મુજબ છે. આ સ્થળને પુરતત્ત્વ વિભાગ તરફથી રક્ષિત જાહેર કરવામાં આવ્યું છે.ઈ.સ. ૧૯૦૨માં પ્રતિષ્ઠા કર્યા બાદ રૂ. પચાસ હજાર ખરચીને કળાકારીગરીવાળું શિખરબંધી મંદિર બંધાવ્યું હતું. મંદિરના બાંધકામમાં અવારનવાર સુધારા- વધારા થાય છે. સ્થાપત્યમાં જુદી જુદી શૈલીઓ વરતાય છે.આ મંદિર મુખ્યત્વે સોલંકીકાળ પહેલાંની નાગર શૈલીનું જણાય છે. મંદિરની ત્રણે બાજુએ કુંડ આવેલા છે.

આ જીર્ણ મંદિરના ફોટા ર્ડા. બર્જેસે ઈ.સ. ૧૮૯૦માં લીધા હતા. ઈ.સ. ૧૮૯૯માં આ ફોટા ત્યાંના રાજવીને આપવામાં આવ્યા અને ઈ.સ.૧૯૦૨માં તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.


શ્રી ઢાંકી આ મંદિરનો સમય ઈ.સ. ૯૨૫નો કહે છે. પરંતુ ર્ડા. બર્જેસનાં ફોટા અનુસાર તેનો સમય અગિયારમા સૈકાનો હોય તેવું કહી શકાય. આ મંદિરની બાંધણીની શૈલી થાનમાં આવેલા મુનિબાવાના મંદિરની શૈલી સાથે સામ્ય ધરાવે છે. આ બંને મંદિરો એક જ સરખા સમયનાં હોવાનું મનાય છે.આ મંદિરમાં ગર્ભગૃહ,અંતરાલ અને મંડપ છે. આ મંડપની ત્રણે બાજુએ શૃંગાર ચોકીઓની રચના છે. મંદિરની જગતીની ત્રણ બાજુએ પથ્થરમાંથી બનાવેલો કુંડ આવેલો છે. મંદિરની પ્રવેશ બાજુ પરના ભાગે જોડાયેલા મોટા પથ્થરના પુલ વડે સામેની બાજુનો પ્રવેશમાર્ગ જોડાયેલો છે. કેટલીક વખત આવું જોવામાં આવે છે કે મંદિરની પાસે કુંડ હોય છે. ખેડબ્રહ્મામા બ્રહ્માના મંદિરની સામેની બાજુએ વિશાળ વાવ છે.પાટણના સ્હસ્ત્રલિંગ તળાવને કિનારે મંદિરો હતાં.વીરમગામના મુનસર તળાવના કિનારે નાનાં નાનાં મંદિરો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. મંદિરના ગર્ભગૃહ ઉપરનું શિખર તથા મંડપ પરનો ઘુમ્મટ અલંકારોથી વિભૂષિત છે. દીવાલના બાહ્ય ભાગના ગોખલામાં મુકાયેલા દેવોની પ્રતિમા ઉત્તમ કોટીની હોય તેવી છે. ટોચ ઉપરના ફૂલવેલ ભાતનાં અલંકરણ પણ આકર્ષક છે.ગૂઢ મંડપના સ્તંભો ઊંચાઈમાં વધુ છે. ગાન-વાદન અને નૃત્યમાં મસ્ત એવા લોકોની લીલાનું મંદિરની છતમાંનું શિલ્પ ઉત્કૃષ્ટ શિલ્પનો શ્રેષ્ઠ નમૂનો છે.

આ મંદિરનાં પ્રાંગણમાં મેળો ભરાય છે. તેથી તે મંદિરના નામ કરતાંય તરણેતરના મેળાના સ્થાન તરીકે વધુ જાણીતું થયું છે. તરણેતરના મેળાને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વ અપાયું છે. દેશ પરદેશના વિદેશીઓ મેળો મહાલવા અહીં આવે છે. ભગવાન ત્રિનેત્રેશ્વરની જય બોલાવીએ, અને પ્રાર્થના કરીએ કે આ ભવસાગરમાં કરવા માટે સમજણનું એક ત્રિનેત્ર અમને પણ આપે તો બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે, તો હર હર ભોલે.


        લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...