સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય- ફાલ્ગુની વસાવડા
શીર્ષક- ચિંતનની ક્ષણે
મિત્રો- શુભ સવાર
રાવણના દરબારમાં શૂર્પણખા નીતિનાં પાઠ બોલે છે! એટલે શીખ તો શૂર્પણખાનાં પાત્રમાંથી પણ મળે! રામાયણનું એકપણ પાત્ર વ્યર્થ નથી, અને એનો પૂર્ણ સાર પામીએ તો જ રામરાજ્ય સ્થપાય!
હે ઈશ્વર.
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. રાજ્ય ભરમાં ફરી પાછો અતિ થી મધ્યમ વરસાદનુ આગમન થયું! એથી જ કઈ કેટલાય જીવ જંતુઓના અવાજો પણ આપણને સાંભળવા મળે. એમાં પણ દેડકો તો જાણે પાણી સાથે જ આવ્યો હોય, તેમ તેનો કર્કશ અવાજ પણ સંભળાય, અને મોર કોયલ જેવા પક્ષીઓ પણ વરસાદ ને બોલાવવા માટે ટહૂકા કરતા સંભળાય! માનવી ગમે તેટલો સારો હોય પણ પશુ-પંખી જેટલો નિખાલસ ક્યારે થઇ શકતો નથી, કારણ કે તેના માનસમાં કેટલીય કામના ભરી હોય છે. સદીઓથી માનવ સમાજની એક ખૂબી છે કે તે પોતાનું ધાર્યું કરવાની સતત કોશિશ કરે, અને અન્ય પણ તેની હા માં હા મેળવીને જીવે તો તેને કોઈ તકલીફ નથી. સારી-ખરાબ કેટલીયે વૃત્તિ માનવીના માનસમાં ભરેલી હોય, અને દરેક વખતે તે સારું જ ઈચ્છે છે એવું પણ જરૂરી નથી હોતું. આ ઉપરાંત ઘણીવાર તો એને પોતાને પણ ખબર હોય કે આ ખોટું છે,અને છતાં તે મેળવવાની જીદ પર ઉતરી આવે. આ સાચું ખોટું વિચાર્યા વગર મેળવવાની તીવ્રતાને જ કામના કહેવામાં આવે છે, અને એટલે જ આપણે ત્યાં કામના આગળ શુભ લગાડવાની પરંપરા છે. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ,કે શુભકામનાઓ એવું આપણે બધાને કહેતા હોઈએ છીએ. એટલે મૂળમાં કામ ભાવની અધિકતા આપણને સારા માંથી ખરાબ બનાવી શકે છે. કળિયુગ પહેલાના યુગમાં આવા અતિ વિકૃત માનસ ધરાવતા સમૂહને રાક્ષસ નામ આપવામાં આવ્યું હતું, અને તેમના દેખાવ થોડાં જુદા બતાવાયા હતા, એટલે આસાનીથી જુદા પાડી શકાય! જ્યારે આજે પરિસ્થિતિ અત્યંત કઠિન છે, માનવ ના વેશમાં જ રાક્ષસ જોવા મળે છે, અને તેને ઉપરછલ્લી નજરે જુદો પાડી શકાતો નથી. સમાજમાં તેનું મુખોટું જુદું હોય છે, અને એકાંતમાં તેનું મુખોટું જુદું હોય છે. જોકે મંદોદરી રાવણ કુળની પટરાણી હોવા છતાં, પણ વિકૃત નહોતી, અને પતિવ્રતા સ્ત્રી હતી. પોતાના પતિનું હિત શેમાં સમાયેલું છે, એ જાણતી હતી,અને એટલે વારંવાર તેને તેણે સમજાવવાની ચેષ્ટા પણ કરી હતી. રાવણને પત્ની તો સારી મળી હતી, પરંતુ બહેન સારી નહોતી મળી. એણે એના ભાઈને સમજાવાની કોશિશ કરવાને બદલે કાનભંભેરણી કરી હતી, અને રાવણને યુદ્ધ માટે ઉશ્કેર્યો હતો, તો આજે આપણે એના વિશે ચિંતનમાં વાત કરીશું.
શૂર્પણખા એ આમ જુઓ તો રામાયણનું સાવ નાનું એવું પાત્ર છે, અને તેનો માત્ર અરણ્ય કાંડમાં ઉલ્લેખ છે. ૧૪ વર્ષના વનવાસ દરમિયાન રામ સીતા અને લક્ષ્મણ વનમાં પોતાના દિવસો વિતાવતા હતા ત્યારે એક વાર શૂર્પણખા એ રામને જોયા અને તે તેના પર મોહિત થઈ ગઈ. તેણે વિચાર્યું કે આ પુરુષ સાથે મારું લગ્ન થઈ જાય તો કેવું સારું! અને તે સુંદર સત્રી નુ રુપ ધારણ કરીને આવી, અને તેણે ખુદ રામ સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. રામે કહ્યું કે હું તો પરણીત પુરુષ છું, અને આ જુવો મારી પત્ની, એમ કહી લક્ષ્મણ તરફ ઇશારો કરી કહ્યું કે આ મારો ભાઈ છે. શૂર્પણખા લક્ષ્મણ તરફ ફરી બોલી કે વાહ તારા નસીબ ખુલી ગયા છે, અને તું રાજા હું તારી રાણી લક્ષ્મણજી અત્યંત ક્રોધિત થઈ ગયા, અને અંતે રામ ના કહેવા અનુસાર તેણે પણ શૂર્પણખા નાં નાક-કાન કાપી નાખ્યાં, અને ધુંધવાતી એ ત્યાંથી ચાલી ગઈ, આ કથાથી આપણે સૌ પરિચિત છીએ.
શરીરે થી જેટલી ઘવાઈ હતી એનાથી વધુ તે અંદરથી પોતાનો અહંકાર કે પોતાની કામના પૂરી ન થતાં ઘવાઈ હતી, અને તેથી તે સીઘી રાવણના દરબારમાં પહોંચી,અને તેણે જ રાવણને સીતા વિશે કહ્યું હતું, કે રૂપરૂપના અંબાર જેવી ઈસ્ત્રી તારા રાજ્યની શોભા બની શકે તેમ છે. રામાયણમાં શૂર્પણખા ને મોઢે નીતિની વાત પણ કરાઈ છે, તેણે રાવણને કહ્યું હે રાજન, આપણા જ અમુક અવગુણો આપણા ગુણોનો પણ નાશ કરી શકે છે. જેમ કે લાલસા કે વાસનાથી સંન્યાસી ભ્રષ્ટ થઈ શકે છે, અહંકારથી જ્ઞાન નષ્ટ થઈ શકે છે, અને નશો કરવાથી શરમ દૂર થઈ જાય છે. એટલે ઘણીવાર એમ થાય કે શીખ ગ્રહણ કરવી હોય તો શૂર્પણખાના પાત્ર માંથી કરી રામાયણ નું એકપણ પાત્ર વ્યર્થ નથી, અને એનો પૂર્ણ સાર પામીએ તો જ રામરાજ્ય સ્થપાય!
શૂર્પણખા જ્યારે રામ લક્ષ્મણ પાસે આવી ત્યારે તે ખોટું બોલી હતી, કે તે કુંવારી છે. પરંતુ શૂર્પણખા વિધવા સ્ત્રી હતી, શૂર્પણખાના પતિનું મૃત્યુ રાવણના હાથે જ થયું હતું. શૂર્પણખાનો પતિ કાલકેય નામના રાજાનાં સેનાપતિ તરીકે ફરજ બજાવતો હતો. વિદ્યુત ધ્વજ નામના તેનાં પતિને રાવણે જ યુદ્ધમાં માર્યો હતો. ત્યારે શૂર્પણખા એ કારણે જ રાવણને શ્રાપ આપ્યો હતો, એ તારા મૃત્યુનું કારણ પણ હું જ બનીશ! અને સીતા વિશેની જાણકારી શૂર્પણખા એ રાવણને આપી. રાવણે સીતાનું અપહરણ કર્યું, અને અંતે યુદ્ધ થયું તેમાં રાવણ માર્યો ગયો.
આમ જુવો તો શૂર્પણખા એક કામી વૃત્તિ હતી, અને તેની વિકૃત કામનાને કારણે તે રાક્ષસી બની. ભગવાન રામના જીવનમાં આવી ત્રણ વિકૃત મહિલાઓ આવી અને એને કારણે રામાયણની રાવણ વધની મુખ્ય ઘટના ઘટી. સૌપ્રથમ વિશ્વામિત્ર ઋષિના યજ્ઞનો ભંગ કરનાર તાડકા નામની વિકૃત મહિલા કે રાક્ષસી, એ ક્રોધ નો અવતાર હતી, અને તેનો વધ કર્યા પછી જ ભગવાન શ્રી રામ સીતા સુધી એટલે કે પોતાની શક્તિ સુધી પહોંચી શક્યા. ખુદની શક્તિનો પરિચય કરવો હોય તો ક્રોધનો વધ કરવો પડે, અથવા ક્રોધનો નાશ કરવો પડે, ક્રોધ પર કાબૂ મેળવવો પડે. બીજી મંથરા જે લોભનો અવતાર હતી, અને મંથરાને કારણે જ રાજગાદી છોડી ને તે વન વન ભટકયા. કેટલાય સમાજથી તરછોડાયેલા વર્ગોને મળી તેમની સમસ્યા દૂર કરી. એશો આરામનો મોહ ત્યાગવો બહુ જરૂરી છે, તો જ જીવનમાં કંઈક વિશેષ કાર્ય એટલે કે રામ કાર્ય થઈ શકે. અને શૂર્પણખા જે અત્યંત કામી સ્ત્રી હતી, દરેક કામના પૂરી કરવા યોગ્ય હોતી નથી, નહીં તો આપણા નાક-કાન કપાય શકે છે, એટલે કે ઈજ્જત આબરૂના ચિંથરા ઉડી જાય છે.
કામ ને આપણા શાસ્ત્રોમાં દેવ કહ્યો છે, એટલે એ જરુરી તો છે જ પણ એની મર્યાદા સમજી વિચારીને કામના પૂર્તિ થવી પણ એટલી જ જરૂરી છે. શૂર્પણખા આ મર્યાદા ચૂકી ગઈ અને તેના એવા હાલ થયા, પણ એક વાત બીજી હતી કે, તેણે રામ આગળ પોતાની કામના વ્યક્ત કરી, એટલે અંતે મુક્તિ ને પામી. જ્યારે આજે રામ મળવા મુશ્કેલ છે અને, એટલે કામ, કામ આગળ પોતાની કામના વ્યક્ત કરે છે, અને એમાંથી અનર્થ સર્જાય છે. આ વૃત્તિ માંથી તો ભલભલા ઋષિઓ પણ બચી શક્યા નથી, તો આપણે તો પૂર્ણ સંસારી અને ભોગી જીવ છીએ, એટલે એ વૃત્તિનો નાશ કે નિરોધ કરવો શક્ય નથી. પરંતુ રામ અને કામ વચ્ચેના અંતરને સમજવું, એ જ અની મર્યાદા દાખવે છે. માનસને દુષિત કરતા આવા ભાવો કે આવી કામના કે પછી આ પ્રકારની માનસ અને જીવન બંનેને પ્રતાડિત કરતી વૃત્તિઓથી આપણે સૌ બચી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઇશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.