શિવાલયનો મહિમા - ત્રંબકેશ્વર મહાદેવ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શનિવાર, 9 સપ્ટેમ્બર, 2023

શિવાલયનો મહિમા - ત્રંબકેશ્વર મહાદેવ

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય ફાલ્ગુની વસાવડા

શીર્ષક શિવાલયનો મહિમા 


ત્રંબકેશ્વરની દંતકથા મુજબ ક્યારેક ઈર્ષા નિંદાનું પરિણામ આ રીતે શુભ અને સૌના હિત માટેનું પણ મળે! એવું કહી શકાય.


      શ્રાવણ હવે પૂરો થાય છે ત્યારે વિચાર આવે છે, કે શ્રાવણ જેવી જ ભક્તિ ભાવના દરેકના મનમાં કાયમ રહે તો કોઈ પણ પ્રકારની બાધા જીવનમાં આવે નહીં અને, મહાકાળના સાનિધ્યથી કાળનું સંકટ પણ ટળે. આજકાલ માનવજીવનમાં ભોગ એ જ રોગનું કારણ બની ગયું છે, અને ભોગનો અતિરેક થતાં લગભગ દરેકના જીવનમાં કોઈને કોઈ સ્વાસ્થ્યની રીતે શારીરિક અથવા માનસિક બીમારી આવી ગઈ છે, અને જ્યારે માનવની કોઈ કારી ફાવે નહીં, ત્યારે અંતે માનવ ઈશ્વરનું શરણ પકડતો હોય છે. આપણે ત્યાં શિવલિંગ ઘણા પ્રકારના છે, અને તેની પૂજનવિધીમાં પણ ઘણા પ્રકારો છે. પરંતુ કંઈ ન થાય તો ભોળા ભાવે જે પણ કંઈ થાય તે ભોળોનાથ કબૂલ કરે છે. યુગોયુગોથી ચતુર માનવી ભોળા માણસને સતાવવાનું અન્ય કોઈ કારણ ગોતતો હોય છે. સદીઓ પહેલા ઋષિઓમાં પણ આવું બન્યું હતું, અને એને કારણે આપણને નાસિક આગળ આવેલા ત્રંબકેશ્વરનું જ્યોતિર્લિંગ પ્રાપ્ત થયું હતું, તો આજે આપણે એને વિષે વાત કરીશું.


   ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ એ મહાદેવના બાર જ્યોતિર્લિંગોમાનુ એક છે, અને મહારાષ્ટ્રનાં નાસિક શહેરમા સ્થિત છે. આ જ્યોતિર્લિંગ મંદિર ગોદાવરી નદીના કાંઠે છે. શ્રાવણ મહિનામાં લાખો લોકો અહી આવે છે અને શિવલિંગની પૂજા કરે છે. આ જ્યોતિર્લિંગ મંદિર સાથે જોડાયેલી માન્યતાઓ મુજબ શિવલિંગ પોતે જ આ સ્થાન પર પ્રગટ થયું હતું, અને અહીં આવીને શિવલિંગની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મોટેભાગે શિવલિંગ પાછળ કોઈ વિધર્મીઓના આક્રમણની વાત હોય અથવા તો ગાયના આંચળમાંથી દૂધનો અભિષેક થતો હોય, કે પછી ભમરાં ઉડ્યા નંદી દોડ્યો એવી એવી બધી પરંપરાઓ જોડાયેલી છે. એટલે ક્યાંય સાક્ષર એટલે કે જ્ઞાની ઋષિઓના ઝઘડાને કારણે સ્વયંભૂ શિવલિંગ પ્રાપ્ત થયું હોય, એવી વાત આવી નથી. ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સાથે આવી જ એક વાર્તા જોડાયેલી છે, અને આ વાર્તા નીચે મુજબ છે.


     ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગની પૌરાણિક કથા મુજબ આ જ્યોતિર્લિંગ સાથે સંબંધિત લોકપ્રિય કથા મુજબ ઋષિ ગૌતમ પોતાની પત્ની અહલ્યા સાથે આ સ્થળે રહેતા હતા. ઋષિ ગૌતમને અન્ય ઋષીઓ પસંદ કરતાં ના હતાં, તેથી તેઓ તેને અહીંથી કાઢવા માંગતા હતા. આથી તેઓએ ભગવાન ગણેશનું તપ કર્યું, અને દરેકે પોતાના મનની વાત કરી, ભગવાન ગણેશજ એ ગાયનું રૂપ લીધું અને ગૌતમ ઋષિના આશ્રમમાં ચરવા લાગ્યાં ઋષિએ ઘાસના પૂળાથી તે ગાયને હાંકી કાઢી તો એ ગાય ત્યાં જ પડીને મૃત્યુ પામી, અને બધા જ ઋષિઓ એક સાથે બોલવા લાગ્યા કે, તમને ગૌ હત્યાનું પાપ લાગ્યું છે, માટે હવે તમારે ગંગાને પ્રગટ કરવી પડશે. ગાયની હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ઋષિમુનિઓએ ઋષિ ગૌતમને દેવી ગંગા નદીને આ સ્થાન પર લાવવા કહ્યું. ગંગા નદી અહી આવ્યા પછી જ તેઓ આ પાપથી મુક્ત થશે,તેમજ બરહ્મગીરી પર્વતની પ્રદક્ષિણા કરવી પડશે. દેવી ગંગાને નાસિકમા લાવવાં ગૌતમે  ઋષિ એ તથા તેમની ઋષિ પત્ની અહલ્યા એ  ભગવાન શિવ અને માતા પાર્વતીને તપસ્યા કરી હતી. આ તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને પ્રભુ શિવ અને પાર્વતીજી પ્રગટ થયાં, અને તેમને તેમની ઈચ્છા જણાવવા માટે કહ્યુ. ત્યારબાદ ઋષિ ગૌતમે પ્રભુ શિવને ગંગા માતાને આ સ્થળે મોકલવા કહ્યુ પરંતુ, જ્યારે ગંગા માતાને આ વિશે જાણ થઈ, ત્યારે તેમણે મહાદેવને કહ્યુ કે, જો તે આ સ્થાન પર રહેશે તો જ તે અહીં આવશે. ત્યારબાદ પ્રભુ મહાદેવ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ તરીકે સ્થાપિત થયાં, અને ગંગા નદી અહીં ગૌતમી તરીકે વહેવા માંડી. ગૌતમી નદીને ગોદાવરી નદી પણ કહેવામાં આવે છે.


     અહી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એકસાથે સ્થાપિત છે,આ મંદિરમાં ત્રણ નાના શિવલિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું પ્રતીક માનવામાં આવે છે. એટલું જ નહીં, આ મંદિરની પાસે ત્રણ પર્વતો પણ છે, જેને બ્રહ્મગિરિ, નીલગિરી અને ગંગા દ્વાર કહેવામાં આવે છે. દૂર-દૂરથી લોકો આ મંદિરની મુલાકાત લે છે અને શિવલિંગની મુલાકાત લે છે. આ ઉપરાંત શિવરાત્રી અને શ્રાવણ મહિના દરમિયાન મોટી સંખ્યામાં લોકો આ મંદિરની મુલાકાત લે છે.મંદિરના પરિસરમાં આવેલો કુંડ કુશાવર્ત ગોદાવરી નદીનો સ્ત્રોત ગણાય છે. ગોદાવરી નદી દખ્ખણ પ્રદેશમાં આવેલી સૌથી લાંબી નદી છે. હાલનું મંદિર પેશ્વા બાલાજી રાવ નાનાસાહેબ દ્વારા બાંધવામાં આવ્યું હતું.


    આ મંદિર પંદરેક ફૂટ ઊંચા કિલ્લાથી રચાયેલ છે. ઉત્તરમાં આવેલ સિંહદ્વારમાંથી દાખલ થતાં જ વિશાળ પટાંગણ આવે છે. અને તેની વચ્ચે ૯૦ ફૂટ પહોળું, ૧૧૫ ફૂટ લાંબુ અને ૯૫ ફૂટ ઊંચુ અદ્ભૂત કોતરણીવાળું કાળમીંઢ પથ્થરનું ભવ્ય મંદિર આવેલ છે. આ જયોર્તિલિંગ પરંપરાગત શિવલિંગ જેવું નથી. ગર્ભગૃહની અંદર વિશાળ થાળામાં અડધો ફૂટ પહોળો અને દોઢેક ફૂટ ઊંડો ખાડો છે. જે મોટેભાગે આ જયોર્તિલિંગના પેટાળમાં વહેતી ગૌતમી નદીના પાણીથી ભરાયેલો જ રહે છે. એથી જ્યાથી જળનો સ્ત્રાવ થાય છે, તે મુખને હાથથી બંધ કરી દેવામાં આવે તો તેની અંદરની દિવાલ પર થોડા ઊંડે આવેલ મોટા લીંબુ જેવડા ત્રણ લિંગો અને ચોથો ખાડો સ્પષ્ટ દેખાય છે. અહીં સ્ત્રીઓને જયોર્તિલિંગની પૂજા કરવાની મનાઈ છે.



  મંદિર સુધી પહોંચવા માટે આ મંદિર એ મહારાષ્ટ્ર રાજ્યના નાશિક શહેરમાં છે.આ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માર્ચ થી મે અને સપ્ટેમ્બર થી નવેમ્બર વચ્ચેનો હોય છે. તેથી, આ સમય દરમિયાન તમે આ મંદિરની મુલાકાત લેવાની યોજના કરી શકો. મંદિરની નજીક રહેવા માટે તમને ધર્મશાળા સરળતાથી મળી જશે. મુકતિ ધામની પણ ઉત્તમ વ્યવસ્થા છે, અને અહીંથી સૌનાં પ્યારા પીર ગણાતા શીરડી સ્થિત સાઈ મંદિર પણ નજીક પડે છે.


    નાસિક-ત્રંબક અવિભાજય બની ગયેલા અંગ છે. ગોદાવરી નદીના તટે વસેલું નાસિક દક્ષિણનું બનારસ પણ કહેવાય છે. કારણ કે અહીં સંખ્યાબંધ મંદિરો છે. જોવાલાયક મંદિરોમાં સુંદર નારાયણ મંદિર, કાલારામ મંદિર, ગોરારામ મંદિર, મુકિતધામ, પંચવટી અને તપોવન મુખ્ય છે. દર બાર વર્ષે અહીં કુંભમેળો ભરાય છે.


    ક્યારેક ઈર્ષા નિંદાનું પરિણામ આ રીતે શુભ અને સૌના હિત માટેનું પણ મળે તેવું કદાચ સૌ પ્રથમવાર સાંભળવા મળ્યું, અને એવું આ જ્યોતિર્લિંગની દંતકથા પરથી કહી શકાય. આમ તો અહીં સૌ કોઈ ઈશ્વર લીલા નાં એક ભાગ રૂપે જ જીવન રંગમંચ પર જીવતા હોય છે. પછી તે મુનિ હોય કે ઋષિ, ક્યારે કોની જીભે ઈશ્વર સરસ્વતી રૂપે આવીને બેસી જાય, અને શ્રાપ કે વરદાન બની શબ્દો સરે, અને એ મુજબ એની લીલા કરાવતો રહે છે. પરંતુ સાર રૂપ એક જ વાત યાદ રાખવી કે સીધા સાદા શબ્દો થકી તેને પામી શકાતો હોય તો અન્ય શબ્દો શું કામ બોલવા! તો બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે, હર હર ભોલે, હર હર ભોલે.


         લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.


અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો


અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...