સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય- ફાલ્ગુની વસાવડા
શીર્ષક- સમાજ દર્શન
વસુધૈવ કુટુંબકમની ભાવના એ જ માત્ર વિશ્વ શાંતિ અને કલ્યાણનો મંત્ર છે, એ મુદ્દે આખાં વિશ્વ એ સંમત થવું પડશે
વર્તમાન પત્ર હોય કે ન્યુઝ ચેનલ, એટલે કે પ્રિન્ટ મીડિયા હોય કે ટીવી મિડિયા કે પછી સોશ્યલ મીડિયા પર, અત્યારે સેન્સેક્સ માં કડાકો બોલાયો, અને દિવાળી વખતે જ રોકાણકારોને બહુ મોટું નુકશાન થયું. મચ્છલ સેક્ટરમાં ભારતીય વાયુસેના અને આતંકવાદી વચ્ચે અથડામણ, અને એવાં બીજાં લોકલ ન્યુઝ હોય છે. પણ મોટેભાગે ઈઝરાયલ અને હમાસની જ ચર્ચા ચાલતી જોવા મળે છે. આપણને એમ થાય કે ચાર ચાર મહિના થયા તોય હજી રશિયા યુક્રેનનું યુદ્ધ પૂરું થવાનું નામ નથી લેતું! કેનેડામા ખાલિસ્તાનીનો બળવો અમેરિકામાં ગોળીબાર અને 25 ના મોત. બીજી બાજુ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું છે, અને જો યુદ્ધ પૂરું નહીં થાય તો ત્રીજા વિશ્વયુદ્ધ થશે એવી શક્યતાઓ પણ દેખાય છે. શું આમ સતત કોઈ ને કોઈ કારણસર આમ અંદરોઅંદર બધા દેશ યુદ્ધ કરતાં રહેશે! શું શાંતિની કોઈ ને તલાશ નથી?
યુદ્ધનો પડાવ હોય કે મૈત્રીનો પડાવ, પણ એ છે તો અંતે કોઈ ને કોઈ માનવીની માનસિકતાનું કારણ! એવું મૂળ મુદ્દે સૌ કોઈ એ સમજવાની જરૂર છે. આપણે જો શાંતિ ના હિમાયતી હોઈએ, તો આપણે આવા યુદ્ધની માનસિકતા વાળા દેશને સપોર્ટ કરવાની બદલે શાંતિને સપોર્ટ કરનાર દેશનો સાથ દેવો જોઈએ, એવું વિશ્વના દરેક દેશના નાગરિકો એ વિચારવાનો સમય આવી ગયો છે. નહીં તો કોઈ બીજાની આ સતત યુદ્ધ અને એકબીજાની પ્રત્યે વધતી જતી ધૃણાનું પરિણામ આપણે ભોગવવું પડશે. યુદ્ધ કે લડાઈ એ અંતે નુકશાન કારક કે સર્વનાશ કરનાર છે, એ સત્ય જેટલું જલ્દી સમજાય! ત્યારે કંઈક થાય ! જોકે એવું નથી કે બધાની માનસિકતા યુદ્ધની જ છે! આપણી જેમ કેટલાય શાંતિના હિમાયતી છે, પરંતુ કોઈ શું કામ શાંતિથી જીવે? એવું વિચારવા વાળા પણ હોય છે, અને એવાં લોકોને કારણે વિશ્વ આખું અત્યારે સતત યુદ્ધના ભયાનક વાતાવરણમાં અશાંતિનાં માહોલમાં જીવવું પડે છે.
ભારતીય અને એમાં પણ ગુજરાતી સમાજમાં ત્રણ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોનો સમુહ વધુ જોવા મળે છે. એક માનસિકતા પ્રમાણે, દુનિયામાં જે થવું હોય તે થયાં કરે આપણે આપણામાં જ રચ્યા પચ્યા રહેવાનું. બીજી માનસિકતા પ્રમાણે, સમસ્યા સમાજની હોય કે પરિવારની! કરવું કંઈ જ નહીં, પણ હવે શું થશે? હવે શું થશે? એમ વિચારીને વગર કારણે સતત ઉત્પાત કરતાં રહેવું. ત્રીજી સમાજમાં કોઈ ને કોઈ કારણથી ઉપદ્રવ વધે, એવું કરતાં રહેવું, એટલે કે સમાજની શાંતિનો ભંગ કરતાં રહેવું, જેને કારણે સીધાસાદા લોકોનું જીવન અશાંત બની જાય, અને એ વગર કારણે સ્ટ્રેસનો શિકાર બને. જેમકે ગુજરાત ભરમાં અને જ્યાં જ્યાં ગુજરાતી ઓ વસ્યા છે, એ તમામ જગ્યાએ નવરાત્રીમાં યુવાનોએ ધૂમ મચાવી દીધી છે, અને હવે શરદપૂર્ણિમાના ઉત્સવની તૈયારીઓમાં લાગી ગયા હશે. જોકે આ વખતે ગ્રહણને કારણે પ્રમાણમા થોડું ઓછું આયોજન થશે! અને ત્યાર બાદ દિવાળી જેવા મોટા અને મહત્વના તહેવારનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. શરદ પૂનમ જતાં બજારમાં પણ મંદી હોવા છતાં ખરીદીનો માહોલ બની ગયો છે. જે લોકો રજાઓમાં ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હશે, એ એની વેતરણમાં પડ્યા હશે. ટૂંકમાં દુનિયા જાય ભાડ માં! એ તો પોતાના મનોરંજન અને સુખ સગવડનું જ વિચારે. તો આપણામાંના કેટલાય રોજ વૈશ્વિક અર્થતંત્રની, ત્યાંના કાયદાની અને ત્યાંની ફેશનની તેમજ ત્યાંના સામાજિક પ્રશ્નો વિશે ખોટી ખોટી ચર્ચા કરે છે. આપણાં સમાજમાં થતા સ્ત્રી પરના અત્યાચારના કે બલાત્કાર ની ચર્ચા કરે પણ એ લોકો અન્યાય સામે વધી વધીને મોરચો કાઢે! નારા લગાવે કે! પછી સભા સરઘસ ભરે અને પ્રસાસનની કમીઓ કાઢે! બસ એનાથી વધુ કંઈ નહીં. એટલે કે આવો બળવો કે વિદ્રોહ ના નારા લગાવ્યા છતાં અન્યને કે પોતાને નુકસાન ન થાય એવું વિચારીને જીવે.
પરતું ત્રીજી માનસિકતા ધરાવતા લોકો એટલે કે જે, પોતે જે કહે એ જ સાચું અને શ્રેષ્ઠ છે, માટે દુનિયા આખી એ એની વાત માની અને એ મુજબ જ જીવવું જોઈએ. એમાં પણ અત્યારે મોટાભાગે વિશ્વના બધાં જ દેશને પોતે મહાન છે, માટે મહાસત્તા બનવાની હોડમાં ભાગ લઈ યુદ્ધનું રણશિંગું ફૂંકે છે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં મુખ્ય કારણ એ જ કે ગાઝા પટ્ટીનો વિસ્તાર ઈઝરાયલ પોતાના કબજામાં કરવા માંગે છે. મારી જેમ ઘણાંને એમ થતું હશે કે, આ હમાસ કોણ છે અને એને આટલી મદદ કોણ કરે છે કે આ આટલા મોટા મોટા હુમલા ઓ કરે છે? હમાસ એટલે એવો લોકોનું જૂથ કે સમુહ કે જે ઈઝરાયેલ સાથે દુશ્મનાવટ ધરાવે છે, અને તે પેલેસ્ટાઈન નું ઈસ્લામિક ઉગ્રવાદી સંગઠન છે. જેનો પાયો 1987 નાં જન આંદોલન વખતે શેખ અહેમદ યાસીન એ નાખ્યો હતો. કે જે ઈઝરાયેલને સ્વતંત્ર દેશ તરીકે ગણનામાં લેતો નથી, અને ગાઝા પટ્ટી પરથી ઈઝરાયેલના દબાણને હટાવવા માટે વારંવાર ઈઝરાયેલ પર હમલા કરે છે.
પેલેસ્ટાઈનના ઉગ્રવાદી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. 7 ઓક્ટોબરની સવારે, હમાસે ઇઝરાયેલ તરફ લગભગ 5,000 રોકેટ છોડ્યા હતા. આ પછી ઈઝરાયલે હમાસ વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરી છે. ઈઝરાયેલે પેલેસ્ટાઈન અને ગાઝા પટ્ટીની સરહદે આવેલા વિસ્તારોમાં રહેતાં પોતાનાં નાગરિકોને તેમના ઘરમાં રહેવા કહ્યું છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સાયરનનો અવાજ સંભળાઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર હમાસ ચીફ મોહમ્મદ દૈફે ઈઝરાયેલ પર હુમલા બાદ કહ્યું હતું કે 'બહુ થઈ ગયું. ઇઝરાયેલી કબજેદારોએ આપણા નાગરિકો સામે સેંકડો નરસંહાર કર્યા, તેમને ત્રાસ આપ્યો, અમે દુશ્મનોને પહેલેથી જ ચેતવણી આપી હતી, પરંતુ તેઓએ સાંભળ્યું નહીં. હવે અમે તેને વધુ સહન નહીં કરીએ...' હમાસે ઈઝરાયેલ વિરુદ્ધના ઓપરેશનને 'અલ અક્સા સ્ટોર્મ' નામ આપ્યું છે.
એટલે આવી સતત ક્યાંક ને ક્યાંક યુદ્ધના છમકલાં થયે રાખે છે. હમણાં જ ચિંતનના પરિવાર માંથી માનનીય અને સ્નેહી એવાં મધુકર કાકા એ એક વિડિયો મોકલ્યો હતો, જેમાં ઈઝરાયલની એક મહિલા હમાસની અસલી પ્રકૃતિ વિશે જણાવી રહી હતી, અને કહેતી હતી કે હમાસ ને સપોર્ટ કરવો, એટલે સામે ચાલીને હેવાનિયત ને નોતરું દેવું! એવો થાય છે, એ વીડિયોમાં તો સ્પષ્ટ પણે એણે બાળકી, કિશોરી, યુવતી, અને મહિલાઓ, સાથે હમાસ સંગઠનના હોદ્દેદારો કે કાર્યકર વર્તે છે, એ જોઈને એમ થાય કે આ કોઈ શેતાન છે! અને એવાં શેતાની જો શાસક બને તો પ્રજાની શું હાલત થાય ! એ વિચારીને પણ આંખે કમકમા આવી જાય! એ વીડિયોમાં તો અત્યંત હ્રદય દ્રવિત કરનારી વાતો કહી હતી. જોકે આપણે ક્યાં નથી જાણતા કે જીવતા લોકોને રહેંસી નાંખતા પણ જે અચકાતા ન હોય ,એને મન સ્ત્રી એક સાધનથી વધુ શું હોય શકે! પણ વાત અહીં માત્ર સ્ત્રીની પણ નથી, જન્મેલી કળી જેવી બાલિકા ઓને પણ એ છોડતા નથી, એટલી વિકૃત માનસિકતાથી સમસ્ત હમાસનુ સંગઠન એકઠું થયું છે.એવુ પણ નથી કે આવી ઈસ્લામિક વિચારધારા વિશે લોકો ચિંતિત નથી! ચોક્કસ છે! અને એટલે જ દુનિયાનાં મોટા મોટા દેશ એ ઈઝરાયેલને સપોર્ટ કર્યો છે, અને યુદ્ધ માટે શક્તિશાળી મિસાઈલ તેમજ અન્ય અદ્યતન વેપનની સહાય પણ કરી છે. પણ અંતે તો એ રીતે પણ યુદ્ધ તો ચાલું જ રહેશે!!! જે ચિંતા નો વિષય છે, એટલે આવા યુદ્ધ ન થાય ! એવી માનસિકતા કેળવવી એમાં જ વિશ્વભરની શાંતિનો મંત્ર છુપાયો છે. આપણી સનાતની સંસ્કૃતિની માનસિકતા એટલે કે વસુધૈવ કુટુંબકમની ભાવના એ જ માત્ર વિશ્વ કલ્યાણનો મંત્ર છે. જય હિન્દ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.