Pages

સોમવાર, 2 ઑક્ટોબર, 2023

ચરિત્રની ઓળખ - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચરિત્રની ઓળખ


ગોળમેજી પરિષદમાં કોઈ ભારતીય બોલતા હોય, અને પિન ડ્રોપ સાઇલેન્ટથી બાકીના સાંભળતા હોય, તો એ વ્યક્તિને સેલ્યુટ કરવાનું જરૂર મન થાય. 


 આજે બે મહાનુભાવની જન્મ જયંતી એક ગાંધીજી અને બીજા લાલબહાદુર શાસ્ત્રીની. ઓક્ટોબર બે પ્રકારના લોકો માટે ખાસ છે. એક તો બીજી ઓક્ટોબરે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મ જયંતી હોવાથી, એને નામે ચરી ખાનારા નેતાઓ એ દિવસે ઢગલાબંધ કાર્યક્રમ કરી, અને પોતાને પણ ગાંધીવાદી ગણાવી પ્રજાના પ્રિય બની વોટબેંક ઉભી કરે છે. જ્યારે બીજી ઓક્ટોબરના માનમાં સાચે જ જે ગાંધીવાદી છે, અને ખાદીધારી પણ છે, એટલે ખાદી પર રિબેટ મેળવવા ઉત્સુક હોય છે. આમ તો હવે આ બધું કહેવા ખાતરનું છે, ફોટા પરની ધૂળ ઉડાડવા અને મૂર્તિ પરના જાળાઓ વીખવા સિવાય આમાં બીજું કોઈ તથ્ય રહ્યું નથી. આ એ જ દેશ છે કે જેને સ્વતંત્રતાનો ગોળ આપનાર ગાંધીજીને દેશવાસીઓ ગાળો ભાંડવાનું પણ ચૂકતા નથી, અને રામરાજ્ય જેમનું સ્વપ્ન હતું એ રામરાજ્ય ગાંધીજીને કારણે જ થતા થતા અટકી ગયું, એવું પણ કહેનારા છે. કેટલાય લોકો તો પુરાવા સાથે જણાવે છે કે, આ આ જગ્યાએ તેમણે કરેલી ભૂલ નું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. પરંતુ ભૂતકાળમાં ઘટેલી કોઈપણ ઘટનાને આપણે આજે એ રીતે વખોડી શકીએ નહીં. હમણાં એક લેખમાં સંવિધાનમાં ઇન્ડિયા શબ્દ કાઢીને ભારત કરવાની ચળવળ ચાલી રહી છે, એ સંદર્ભે લેખ લખાયો, ત્યારે કોઈએ કહ્યું હતું કે ઇન્ડિયન એટલે આદિવાસી, એવો અંગ્રેજોનો સ્પષ્ટ મત હતો, અને એ વાત સાચી પણ છે. કારણ કે આજથી 80 વર્ષ પહેલાં માત્ર ભારતીયને નહીં પરંતુ સમગ્ર એશિયનને ગવાર અને આદિવાસી તરીકે ઓળખવામાં આવતા હતાં, અને એની માટેનું મુખ્ય કારણ આપણા પ્રદેશોની ભૌગોલિકતાને કારણે મળેલો આપણો શ્યામ વર્ણ હતો. તેથી જ તો રંગભેદની નીતિ માટે ગાંધીજીએ આફ્રિકામાં પણ રાજકીય ચળવળ ચલાવી હતી. એવા ભયંકર વિરોધાભાસી સમયમાં પણ ગોળમેજી પરિષદમાં કોઈ ભારતીય બોલતા હોય અને પિન ડ્રોપ સાઇલેન્ટથી બાકીના સાંભળતા હોય, તો એ વ્યક્તિને સેલ્યુટ કરવાનું જરૂર મન થાય, અને એવા જ હતાં આપણા ગાંધીજી કે જેને આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સાબરમતીના સંત કહ્યા છે. 



        આમ તો એટલું શુદ્ધ ચરિત્ર છે કે આપણે તો એનાં વિશે શું લખીએ! પણ ઘણા ખરા ને 15 મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી, અને બીજી ઓક્ટોબર, કે પછી ૩૦ જાન્યુઆરીએ એ યાદ આવે છે. ખરેખર એ અત્યંત દુઃખની વાત છે, ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં આટલા વર્ષો પહેલા ઉજાગર કરનાર, એ વીર પુરુષને શત શત નમન કરવા ઘટે. આપણે તેના જીવન ચરિત્ર વિશે લખી શકીએ એટલી કદાચ ઓકાત નથી. પરંતુ તેના ગુણોને યાદ કર્યા વગર પણ કેમ ચાલે! બેરિસ્ટર સુધીનો અભ્યાસ કર્યો, કસ્તુરબા સાથે ગૃહસ્થીની શરૂઆત કરી, ઓસ્ટ્રેલિયામાં રહેણાંક કરી, અને ત્યાં આગળ રંગભેદની નીતિ ને કારણે જે અન્યાય થતો હતો, તેના પર અવાજ ઉઠાવ્યો, અને સ્વદેશ પાછા ફર્યા. ત્યારની ભારતીય સંસ્કૃતિ અને તેની આર્થિક સંપન્નતા ખૂબ સારી હતી, ભારતમાં પણ અન્ય વિદેશીઓનું શાસન હતું. આ બધું જ તેમનાથી જોવાયું નહીં, અને સ્વતંત્રતાની ચળવળ શરૂ કરી. સાદગીને, સ્વચ્છતા પર ખુબ જ ભાર મુકતા, તો વણિક પરિવારમાં જન્મ હોવાથી, સત્ય ને અહીંસા ગળથૂથીમાં મળ્યા હતા. જીવન પર્યંત જીવન ધોરણમાં કોઈ સમાધાન કર્યું નહીં, એટલે કે સત્ય અને અહિંસા ને ક્યારેય પણ છોડ્યા નહીં. ત્યારના સમાજમાં ક્રાંતિકારીઓ પણ બહુ થયા, તે પોતાની રીતથી દેશને આઝાદ કરવા માંગતા હતા. પરંતુ ગાંધીજીની નમ્ર અપીલ હતી, કે અહિંસા પરમો ધર્મ, એટલે કે હિંસાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી, અને કદાચ કોઈ વસ્તુ પ્રાપ્ત થાય છે, તો પણ તેનો પૂર્ણતઃ આનંદ આપણે લઈ શકતા નથી. તેમના અથાક પ્રયત્નો એટલે કે, અસહકારની લડત, મીઠાનો સત્યાગ્રહ, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, તેમજ સ્વદેશી વસ્તુઓ નો આગ્રહ, ખાદી જેવા ગૃહ ઉદ્યોગ ને પ્રોત્સાહન, વગેરે જેવી અનેક લડત ને પરિણામે દેશ સ્વતંત્ર થયો, ગાંધીજી ઉપરાંત અન્ય મહાપુરુષોનું પણ તેમાં યોગદાન રહ્યું પરંતુ, હિંદ છોડો ની હાંક મારનાર તો તે સર્વ પ્રથમ ગુજરાતી હતા. 


       અગિયાર મહાવ્રત ની વાત જન માનસમાં અંકિત કરનાર અને જીવન પર્યંત અહિંસાની પૂજા કરનાર અથવા તો જેને આપણે અહિંસાના પૂજારી એવું બિરુદ આપ્યું છે, તેનું મૃત્યુ હત્યાથી થયું, એટલે કે હિંસાથી થયું. કેટલા દુઃખની વાત છે કે તેમણે જીવન આખું લોકોને અહિંસા વિશે સમજાવ્યુ, પણ આપણા સમાજની એક વ્યક્તિ તેની આ રીતે હત્યા કરે છે. એક દાયકો જો હજી તે જીવ્યા હોત તો આજના આ ભારત એટલે કે હિન્દુસ્તાનની સ્થિતિ કંઈક જુદી જ હોત. 


   સાંપ્રત સમયમાં ગાંધી મુલ્યો નુ જતન થાય તો બહુ સારું પરિણામ મળે.સામાન્ય રીતે કોઈને મારવું કે હત્યા કરવી તેને હિંસા કહેવાય છે. માનવીય માનસિકતામાં વિકૃતિ આવે એટલે આ ભાવ જન્મે. છીનવી લેવું, અને ન મળે તો તેની હત્યા કરવી, કે તેને હેરાન કરવા એ હિંસાના મૂળમાં પડેલો મૂળ સંસ્કાર છે. અને આજના સમાજમાં આ ચારે કોર દેખાઈ રહ્યો છે. જીવન ધોરણ માંથી સાદગી જતી રહેતા, પોતાને જોઈતી વસ્તુઓ ન મળે, ત્યારે સામાન્ય રીતે લોકો હિંસાનો માર્ગ અપનાવતા હોય છે. અને ગમે તે રીતે પોતાને જોઈતી વસ્તુ પ્રાપ્ત કરતા હોય છે. તેઓના જીવનમાં પોતાના જીવન નું કોઈ મૂલ્યાંકન જેમણે ના કર્યું હોય, તે આ રીતે આડેધડ જીવે છે. સાંભળીને પણ અરેરાટી થાય તેવી હિંસાત્મક ઘટનાઓ આજના સમાજમાં ઘટતી હોય છે. છાશવારે છાપાઓના મુખ્ય સમાચારમાં આજ હેડલાઈન હોય છે, અને આમ જુઓ તો લોકોને હવે તે બધું કોઠે પડી ગયું હોય તેવું લાગે છે. સંવેદના નું સ્થાન જ્યારે સ્વાર્થ લઈ લે, ત્યારે આવું થતું હોય છે. ટૂંકમાં કહીએ તો મારા ઘર સુધી ન આવે, ત્યાં સુધી મારે શું પંચાત! એમ કરી દરેક જણ તે તરફ આંખ આડા કાન કરે છે. આની કરતા તો, પહેલાના ડાકુઓ અને બહારવટિયાઓ પણ સારા હતા. આજે તો શિક્ષિત લોકો પણ હિંસાનો માર્ગ અપનાવતા જોવા મળે છે, ત્યારે વિચાર આવે કે તેમની વૈચારિકતા નું શું મૂલ્ય કરવું? કોઈની પાસે કોઈ વસ્તુ છે, અને મને તે ગમે છે, તો સીધું છીનવી લેવું, અને મારી નાખવું. કોઈ કોઈ વાર તો હત્યાનું કારણ એટલું નાનું હોય છે, કે આપણને એમ થઈ જાય કે, માણસ આટલી હદે જઈ શકે? 


        અહિંસાનો સામાન્ય અર્થ એટલે હિંસા ન કરવી, એટલે કે મારામારી કે હત્યા સુધી ન જવું, અને આપણે ત્યાં એટલે જ ભાઈચારાની ભાવના હતી. દરેક ધર્મો પોતપોતાની રીતે પોતાના ધર્મને મહત્વ આપતા, પરંતુ અન્ય ધર્મનું અપમાન ક્યારેય કરતા નહીં. સર્વ ધર્મ પ્રાર્થનાની શરૂઆત પણ ગાંધીબાપુએ કરી. ગાંધીજી પૂર્ણ વૈષ્ણવ હતા, નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન, તેમનું પ્રિય ભજન રહ્યું. રઘુપતિ રાઘવ રાજારામ એ ધૂન તેઓ કાયમ પ્રાર્થનામાં બોલાવતા, હરિસ્મરણથી આંતરિક ભાવમાં દૂષણ પ્રવેશતું નથી, તેવું તેમનું દ્રઢ માનવું હતું. આજે એ સંસ્કારનું મુલ્યાંકન ઘસાતું જાય છે. કોઈને ચરિત્રમાં રસ નથી, બધાને પોતાનું સામાજિક ચિત્ર ઉપસાવવું છે, એટલે કે પાયા વગરની પ્રતિષ્ઠા મેળવવી છે. 


   અહિંસાનો સૂક્ષ્મ અર્થ તો એટલે સુધી છે, કે આપણી વાણીથી પણ જો કોઈને દુઃખ થાય, તો તે હિંસા છે. આજે તો જ્યાં હોય ત્યાં વાણી વિચાર અને વર્તનમાં હિંસા હિંસા અને હિંસા જ દેખાય છે. નથી કોઈ બોલતા પહેલા વિચારતું, કે નથી કોઈ ગમે તેટલો ઘાતક વિચાર આવ્યો હોય, તો તેને વ્યવહારમાં મુકતા અચકાતું, કે વ્યવહાર કર્યા પછી એને વિશે નથી કોઈ ને પસ્તાવાની લાગણી થતી. અહિંસાના મહાન ગુણનું પતન થતુ જોઈ ચૂપ પણ કેમ રહેવું! આજે આપણે સૌ એટલે કે બીજી ઓક્ટોબરે, આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને જો કોઈ શ્રદ્ધાંજલિ આપવા માગતા હોઈએ, તો ફરીથી તેમના ગુણો ઉજાગર થાય તેવું ચરિત્ર નિર્માણ કરીએ, એવો એક શુદ્ધ સંકલ્પ કરીએ, સ્વચ્છતા અને સાદગીની પણ આજના સમાજને બહુ જ જરૂર છે, તો તેને વિષે પણ મનોમંથન કરી એ ગુણ અપનાવીએ. સૌ પોતાની જરૂરિયાત પર કાપ મૂકી, આપણા સમાજના પીડિત લોકોની સેવા કરવાનો સંકલ્પ કરીએ, પોતાનું કામ પોતે કરવું એવું મનોબળ કેળવીએ, નાના-મોટા એટલે કે સામાજિક જે વર્ગ છે, તેમાં સૌને આદર આપીએ, અને હિંસા અને અહિંસા વચ્ચેના સૂક્ષ્મ અર્થને જાણી, સૌ પ્રત્યે પ્રેમ ભાવ કેળવીએ, તો આ સાચી શ્રદ્ધાંજલિ થશે. જેણે આપણને આ સ્વતંત્રતાનો શ્વાસ લેવાની તક આપી, એના જીવન મૂલ્યોનું નિકંદન આપણે કાઢી રહ્યા છીએ. આપણા માનસમાં જે રાષ્ટ્રપિતા ગાંધીજીની મૂર્તિ અંકિત થઈ છે, તેના પર જાળા કદી ન થવા દઈએ, એવો એક શુદ્ધ સંકલ્પ પણ કરી શકીએ.


   પૂજ્ય ગાધી બાપુને નામે જગ પ્રસિધ્ધ એ વ્યક્તિનાં ચરિત્રમાં એવું તો કંઈક રહ્યું જ છે, કે આજે પણ લોકો તેને યાદ કરી રહ્યા છે, અને વિદેશમાં પણ તેનું નામ ખૂબ જ આદર અને સન્માન પૂર્વક લેવામાં આવે છે, કેટલું ઉત્તમ ચરિત્ર રહ્યું હશે.સાવ ઓછી જરૂરિયાત કે એક પોતડીમાં પોતાનું જીવન પૂરું કર્યું. ૧૮૬૯માં જન્મ ને 1948 ની 30 જાન્યુઆરીની સંધ્યાએ જેનો દેહ વિલય થયો, પણ આજ પર્યંત આપણા હૃદયમાં હજી તે જીવે છે, અને સદાય જીવતા રહી, આપણું માર્ગદર્શન કરતા રહે, તો ભારતીય સંસ્કૃતિ ફરી વિશ્વમાં ઉજાગર થશે, અને તેની નૈતિકતાનું મૂલ્યાંકન કે બરોબરી કોઈ કરી નહી શકે. સૌ પોતાના જીવનમાં આ આગવા ચરિત્ર ધરાવનાર આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધી બાપુના જીવન માંથી, કોઈ ને કોઈ ગુણ ગ્રહણ કરી, અને તેને શ્રદ્ધાંજલિ આપે, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા સ્નેહ વંદન અને જય સીયારામ.


     લી ફાલ્ગુની વસાવડા ( ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.