જીયો તો ઐસે જીયો - ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

શુક્રવાર, 27 ઑક્ટોબર, 2023

જીયો તો ઐસે જીયો - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


જીયો તો ઐસે જીયો... પરમાત્માની કૃપાથી આપણી પાસે બધું જ છે! છતાં જીવનનું સાચું મૂલ્યાંકન કરી શકતા નથી 


હે ઈશ્વર.

        ‌ આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આપણી માનસિકતા ધીરે ધીરે અપંગ થતી જાય છે, જો તેનો સ્વીકાર કરવામાં આવે તો તેમાંથી કંઈક સુધારાનુ પરિણામ મળી શકે, પરંતુ આપણે જો સ્વીકારવું જ ન હોય કે, આપણું જીવન યોગ્ય દિશામાં જઈ રહ્યું નથી, અથવા કંઈક ખોટ છે, તો એનું કંઈ જ થઈ શકે નહીં. એટલે કે ભૂલનો સ્વીકાર અથવા આત્મનિવેદન એક તબક્કે થવું એ બહુ જરૂરી હોય છે. મન કરતાં શરીર અપંગ કે વિકલાંગ હોય તો વધુ સારું એવી સ્થિતિ આજના સમાજની થઈ ગઈ છે.જન્મથી જ કેટલાય બાળકો વિવિધ રીતે વિકલાંગ જોવા મળે છે, અને સરકારે તેને વિકલાંગ નહીં પરંતુ દિવ્યાંગ નામ આપ્યું. કારણકે ઈશ્વરની જ રચના છે, તો એમાં ખોટ કેમ કાઢી શકાય!! શરીરથી કદાચ કોઈ ત્રૂટિ જન્મથી હોય કે, જન્મ બાદ આ સમસ્યાનો સામનો કરવો પડે, પરંતુ તેઓના મનોબળ બહુ જ દ્રઢ હોય છે. ઘણા વિકલાંગના દાખલા આપણે જોઈએ તો તેઓએ જીવનમાં કંઈ ગુમાવ્યું છે, અથવા તો તેમની પાસે આ નથી, એવો અફસોસ કરવાનું છોડી, અને જે કોઈ ઇન્દ્રિય સાબૂત છે, એના વડે જીવન જીવવાનું શરૂ કર્યું, અને એના પરિણામે તેઓ બહુ મોટી મોટી સિદ્ધિઓ પણ હાંસલ કરી ચૂક્યા છે. આજે તો હવે વિજ્ઞાને ઘણી તરક્કી છે, પરંતુ 50 60 વર્ષ પહેલા પગ ન હોવો કે પોલિયો થવો, એ બહુ મોટી વિકલાંગતા કહેવાથી, અને ત્યારે આવી જ એક બાળાએ પોતાની કિસ્મતને માત આપવાનું વિચારી અને નૃત્યની તાલીમ લેવાનું શરૂ કર્યું. આપણે સૌ જાણીએ છીએ કે સુધા ચંદ્રન નામની આ બાળા આજે બહુ મોટી અભિનેત્રી બની ગઇ છે, અને એવા તો વિશ્વભરમાં કેટલા એ હશે કે જેઓએ પોતાના પ્રારબ્ધને સ્વીકારીને આગળના જીવનનો માર્ગ કાઢ્યો હશે, અને સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હશે.એટલે આપણે ધારીએ તો બધું જ અહીં શક્ય છે. પરંતુ એની માટે પહેલાં પોતાનાં આ સ્વરૂપનો કે સંજોગોનો સ્વીકાર, અને તેનો સંતોષ હોવો જોઈએ. ઘણાં લોકો પાસે કંઈ જ હોતું નથી, અને છતાં તે એવી રીતે જીવે છે, કે જાણે તેનું જ બધું છે, અને જાય છે ત્યારે એ રીતે જાય કે, જાણે તેનું કંઈ હતું જ નહીં. તો આજે આપણે આવા ભાવનો સંદર્ભ લઈને તારાને કી તર્જ જીવન કા અર્કમાં આગળ ચિંતન કરીશુ.


जियो तो ऐसे जियो जैसे

सब तुम्हारा है

जियो तो ऐसे जियो जैसे

सब तुम्हारा है

मरो तो ऐसे कि जैसे

तुम्हारा कुछ भी नहीं

जियो तो ऐसे जियो जैसे

सब तुम्हारा है

जियो तो ऐसे जियो


जहां में आज के जहां

से खिचे खिचे न रहो

वो ज़िन्दगी ही नहीं

जिस में आस बुझ जाए

कोई भी प्यास दबाए

से दब नही सकती

इसी से चैन मिलेगा

की प्यास बुझ जाए

ये कहके मुड़ता हुआ

ज़िन्दगी का धरा है

जियो तो ऐसे जियो


ये आसमान ये ज़मीन

ये फ़िज़ा ये नज़ारे


ये आसमान ये ज़मीन

ये फ़िज़ा ये नज़ारे

तरस रहे है तुम्हारी

मेरी नज़र के लिए

नज़र चुरा के हर एक

शै को यूँ न ठुकराओ

कोई शरीक ए सफ़र

ढूंढ लो सफर के लिए

बहुत करीब से मैंने

तुम्हे पुकारा है

जियो तो ऐसे जियो

जैसे सब तुम्हारा है

जियो तो ऐसे जियो.



    ૧૯૬૫માં બનેલી બહુ બેટી નામની ફિલ્મનું આ ગીત છે, આ ગીતના ગાયક મહંમદ રફી સાહેબ છે,અને સંગીતકાર રવિ જૈન અને ગીતના શબ્દો સાહિર લ્યુધ્યાનવી ના છે.


  કવિ પોતાની રચનામાં કહે છે કે ઈશ્વરે દરેકને દેહ ભલે અલગ અલગ આપ્યો, પણ આ પ્રકૃતિ તો સૌની છે, અને જીવો તો એવી રીતે જીવો કે આ બધું જ તમારું છે, અને જાઓ તો એવી રીતે જાવ કે આ કંઈ જ તમારું ન હતુું. મમતાનું વલણ એટલું દ્રઢ ન બનાવો કે એને છોડી ન શકાય, અને ફરિયાદનું વલણ એટલું મોટું ન રાખો કે આવેલી પરીસ્થીતીને સ્વીકારીને જીવી ન શકાય. મને આ નથી મળ્યું,મને આ નથી મળ્યું, એમ કરીને જગતથી ખેંચાય ખેંચાય ને એટલે કે જગત કે પછી સંબંધથી અલિપ્ત કે ઉદાસ રહીને જીવવું એ કંઈ જીવન નથી, અને એવું જીવન શુ કામનું કે, જેમાં આજ એટલે કે વર્તમાન જ મરી જાય! જીવનની આશા કે ઉમ્મીદ જ ન હોય, એ જીવન મૃત્યુ બરાબર છે. કોઈ ઈચ્છા, તડપ, પ્યાસ, એ પૂરી થયા વગર સંતૃપ્ત થતી નથી, પણ જો પ્યાસ એટલે કે ઇચ્છા કે આકાંક્ષા જ હોય તો કોઈ તરસ રહેતી નથી,તો જ જીવનમાં ચેન મળશે એટલે કે, ઇચ્છા સમાપ્તિએ જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. પ્રકૃતિ સન્મુખ થઈને કહે છે કે, આ આકાશ, આ ઘટા, આ બાદલ, બધા જ તમારી મારી એક નજર માટે તરસે છે, એની કોઈ ઉપલબ્ધિ ન હોય એમ એની આ કુદરતી અદાઓને ઠુકરાવી ન દે. જીવન જીવવા માટે કોઈ ઠોસ કારણ, હેતુ, કે લક્ષ્ય, શોધી લ્યો તો ગમે તેવી મુસીબત વાળું જીવન હશે તો એમાંથી પણ માર્ગ નીકળશે. બહુ નજીકથી જિંદગી જીવવા માટે કવિએ આપણને પોકાર્યા છે. તો જીવો તો એવી રીતે જીવો, કે આ બધું જ તમારું છે, અને જાવ તો એવી રીતે જાવ કે આ કહી જ તમારું ન હતું.


   ઝિંદાદિલી નો ખૂબ જ સુંદર મેસેજ આપતું આ ગીત ઉત્તમ જીવન જીવી શકાય એ માટે, બહુ જ મદદગાર સાબિત થઈ શકે. ઈશ્વરની બનાવેલી આ દુનિયામાં, એકોએક જીવ શારીરિક રચનાની દ્રષ્ટિએ રંગની દ્રષ્ટિએ સ્વભાવની દ્રષ્ટિએ, અલગ-અલગ મહત્વ ધરાવે છે, અને દરેકના જીવન વિશેનાં અભિપ્રાય પણ અલગ હોય છે. કોઈ ને રૂપિયો સુખ આપે છે તો, યકીન માનો કોઈને રૂપિયો દુઃખ પણ આપે છે. એટલે પોતાના જીવનની આવી નાની-મોટી ફરિયાદને બહુ ગંભીર રીતે લીધા વગર, જીવનનાં ઉત્થાન માટે વિચારી શકાય અને તો જ જીવન કંઈક નવા આયામમાં જાય છે. બાકી બધાં તો અહીં કીડા મકોડાની જેમ આવી આવી અને, એ જ ગોળ આસપાસ એટલે કે ભોગ આસપાસ જીવીને જીવન પૂરું કરે છે. જ્યારે કંઈક વિશેષ કર્મ કરવું હોય તો આપણી આ ક્ષતિને સ્વીકારીને કંઈક વિચારવામાં આવે તો, નવી દિશા ખુલતી દેખાય છે. જ્યાં આગળ કેવળ સત્યના અજવાળા છે, પ્રેમનું પિયુષ પાણી છે, અને કરુણાનું વાતાવરણ છે. આ હરી ભરી પ્રકૃતિ આપણી માટે જ તો ઈશ્વરે નિયુક્ત કરી છે, અને તેનાં ત્યાગ સમર્પણ વિશે જ્ઞાન થતાં એનાં નિસ્વાર્થ પ્રેમનું મુલ્ય સમજાશે. સુરજ ને ખબર નથી કે તે આખો દિવસ તપીને કે સળગીને આપણને પ્રકાશ આપે છે, પવનને પણ ખબર નહિ હોય કે તેના લહેરાવવા થી આપણું જીવન શક્ય છે, પાણી પોતાની નિર્મળતા અંગે જાણતું નહીં હોય માટે જ નિર્મળ રહી શકે છે. આકાશ ની વિશાળતા નું માપ કોને પૂછીએ! કેટકેટલા બ્રહ્માંડ સમાવીને બેઠું છે! અને આ ધરા સતત પરિભ્રમણ કરતી હોવા છતાં આપણને સ્થિર રાખે છે. એટલે જ્યાં ત્યાગ કે સમર્પણ હોય એનું જ્ઞાત રહેવું એટલે કે એનું યાદ રહેવું,એ અહમ્ વધારતું હોવાથી લાંબો સમય ટકી રહે નહીં. સંબંધોમાં સાતત્ય તેમજ આત્મિયતા કે સ્નેહ સાનિધ્ય ની જેમ આપણી ઝંખના છે તેમ અન્યની પણ ઝંખના હોય, માટે આપણા સમર્પણને ગાયા વગર દરેકે દરેક ના જીવન નું મૂલ્યાંકન ઈશ્વર કરી રહ્યો છે, માટે એને એની પર છોડીને, આપણાથી જેટલા વાણીથી મધુર અને કર્મથી ઉદાર રહી શકાય એટલા રહીએ, તો ખરેખર આપણી એક નજર માટે આ આસમાન ને ફીઝા તરસી રહ્યા હોય એવું લાગશે. ન કરવાનું કેટલું જીવનમાં કરી ચૂક્યાં, હવે કરવા જેવું કંઈક વિશેષ કાર્ય આ જીવન છે ત્યાં કરી લઈએ, જેથી કરીને ખોટું જીવ્યાનો બહાર ના રહે, અને હલકા ફુલકા પવન જેમ આ દુનિયામાંથી વિદાય લઈ શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


      લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 


   

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...