પ્રાર્થના તો સાર્વજનિક ભાવથી જ થવી જોઈએ - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

ગુરુવાર, 26 ઑક્ટોબર, 2023

પ્રાર્થના તો સાર્વજનિક ભાવથી જ થવી જોઈએ

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- ચિંતનની ક્ષણે

મિત્રો- શુભ સવાર


સાધના આરાધના ઉપાસના એ બધું જીવ પોતાની આધ્યાત્મિક ક્ષમતા વધારવા માટે કરે, પણ પ્રાર્થના તો સાર્વજનિક ભાવથી જ થવી જોઈએ


હે ઈશ્વર.

             આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. સાધના હોય, આરાધના હોય, ઉપાસના હોય, એ બધી ક્રિયામાં જીવ પોતે પોતાની આધ્યાત્મિક ક્ષમતા વધારવા માટે અને જીવ પણું ઓછું કરવા માટે કોશિશ કરે છે. પ્રકૃતિની કે ઈશ્વર તત્વની નજીકમાં નજીક જઈ તેને જોવા જાણવા કે માણવા માટે આ ત્રણ સ્તરે માનવી ઉપર ઉઠતો હોય છે. પરંતુ પ્રાર્થના એક એવું માધ્યમ છે કે, જેમાં આપણે જ્યાં અને જેવા છીએ તેવા રહીને જ ઈશ્વરને પોકારવાનો છે. પરંતુ શરત માત્ર એટલી જ છે કે, એમાં આપણે એકલા માટે કંઈ જ માગવાનું નથી, ટૂંકમાં

માંગણી હોય તો પણ એ સાર્વજનિક હોવી જોઈએ. પ્રાર્થના શબ્દ બોલવાથી જ અંતરના ભાવ સ્વચ્છ થવા લાગે છે, અને એ આપણને પાછા નાનપણના એ વર્ગખંડમાં લઈ જાય છે, જ્યાં નિર્દોષતા અને નિખાલસતાનો ભાવ મુખ્ય હતો, એ સમયે બોલાતી એ પ્રાર્થનાનો ભાવ કદાચ આપણે એટલી સારી રીતે ગ્રહણ કરી શકતા નહોતા, અને ક્યારેક ક્યારેક વચ્ચે એક આંખ ખોલીને બીજું કોઈ શું કરે છે? એ જોઈ પણ લેતા હશું! પણ મોટે ભાગે ત્યારે, હે ઈશ્વર તું મને એકલાને જ આ બધું આપજે, એવો ભાવ ન્હોતો આવતો! એ વાત તો પાકી. હાં કદાચ પરીક્ષામાં પાસ થવા વખતે મને સૌથી સારા માર્કસ આવે અથવા તો પેલા કરતાં વધુ આવે, એવું ક્યારેક વિચાર્યું હોય, પણ એનાથી વધુ તો નહીં જ, અને એ દેશ કાળ પ્રમાણે તો નહીં જ. હમણાં જ દશેરાનો તહેવાર ગયો અને સૌ કોઈએ રાવણ દહન જોયું, હવે રામરાજ્ય થશે, એવી સૌ કોઈની ઝંખના પણ રહી! પરંતુ એની તીવ્રતા ઓછી છે, એને કારણે એ થઈ શકતું નથી. ઘેર આજે આપણે એ વિશે વાત નથી કરવાની. પરંતુ આઝાદીના 75 વર્ષ પહેલાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ રામરાજ્યનું સ્વપ્ન જોયું હતું, અને એને લઈને એમણે રઘુપતિ રાઘવના ગુણ દરેકમાં અંકિત થાય, એટલે એ ભજન ધૂન કે જેનો તે પ્રાર્થનામાં સમાવેશ કરતા હતાં.


 

રઘુપતિ રાઘવ રાજારામ

પતિત પાવન સીતારામ

સીતારામ સીતારામ

ભજ પ્યારે તું સીતારામ

રઘુપતિ રાઘવ રાજા....

 

ઇશ્વર અલ્લા તેરે નામ

સબકો સન્મતિ દે ભગવાન

મંદિર-મસ્જિદ તેરે ધામ

સબકો દર્શન દે ભગવાન

રઘુપતિ રાઘવ રાજા....

 

રાત્રે નિંદરા દિવસે કામ

ક્યારે ભજશો શ્રીભગવાન ?

હાથ થી ક૨શું ઘરનાં કામ

મુખ થી બોલશું શ્રી ભગવાન

રઘુપતિ રાઘવ રાજા ... 


  આજથી ૭૫ વર્ષ પહેલાં જેણે આપણા સૌના જીવનમાં ખુશાલી રહે, એ માટે રામરાજ્યનું સ્વપ્ન જોયું હતું એને પણ લોકો ભૂલી ગયા છે, અથવા તો અલગ રીતે નિંદા કરીને યાદ કરી રહ્યા છે, ત્યારે રામ રાવણની તો શું વાત કરવી! અને દશેરાને દિવસે તો આપણે વાત કરી જ હતી, કે સમયનો આજનો સંદર્ભ જોતા રાવણ પણ પ્રમાણમાં ઘણો સજ્જન હતો, એવું સ્પષ્ટ પણે કહી શકાય. પરંતુ આ ધૂન પ્રાર્થનામાં રઘુપતિ રાઘવ એટલે કે નામ સ્મરણનો મહિમા ગવાયો છે. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ હોવાથી અહીં તમામ ધર્મના લોકો વસે છે, અને દરેકની તેના ઈશ્વર પ્રત્યેની નિષ્ઠા ઓછી ન થાય, એટલે મંદિર મસ્જિદ તેરે ધામ એમ કહી બંને જગ્યાને આદર આપવો, અને દરેકે પોતાના ઈશ્વરને ત્યાં અનુભવો કે દર્શન થશે એવો ભાવ લઈ ને જવું, એવી વાત પણ કરી છે. જે કંઈ ખેલ છે એ બુદ્ધિના જ ખેલ છે, અને કુબુદ્ધિ કે દુર્બુદ્ધિ થાય ત્યારે સર્વનાશને નોતરે છે, માટે આપણી બુદ્ધિમાં સદભાવ રહે એ માટે નિરંતર હરી સ્મરણ કરતા રહેવું જોઈએ. પરંતુ નામ સ્મરણનો અર્થ કોઈ એક જગ્યાએ બેસીને માળાઓ કરવી એવો અર્થ ન કાઢે! કે પછી કોઈ સમય નથી મળતો એવું બહાનું ન કાઢે, એટલે જ દરેક પ્રકારના ઘરનાં કે બહારનાં કામ કરતાં કરતાં મુખથી હરિ નામનું સ્મરણ કરવાનો ઉપદેશ અહીં સ્પષ્ટ લખ્યું છે. પુરુષાર્થ કે પરિશ્રમ એ બંને પારસમણી છે, અને તમારા પરિવારની આજીવિકા માટે કોઈપણ કામ નાનું નથી, એને પુરાં હ્રદયથી અપનાવીને કરવું તો એ પણ ઈશ્વર નજીક લઈ જનારુ સાધન બનશે, એવું મહાત્મા ગાંધીજી સ્પષ્ટ પણે માનતા હતા. એ પોતાનું દરેક કામ પોતે જ કરતાં હતાં અને સ્વાવલંબી તેમજ સ્વચ્છતાના આગ્રહી હતાં. 



આજે આ પ્રાર્થનાને યાદ કરવાનું કારણ એ જ છે કે આજે વિશ્વ આખું કેટકેટલી સમસ્યાઓથી ઘેરાયેલું છે, અને છતાં દરેક દેશને પોતાની મહત્તા સાબિત કરવા માટે વિકાસની આંધળી દોડમાં દોડવું છે, પર્યાવરણના પ્રશ્નો છે, વધતી જતી વસ્તીને કારણે એમના ખોરાક પાણી અને રહેઠાણનાં પ્રશ્નો છે, તદુપરાંત આરોગ્ય પણ જેમ ક્રાંતિ કરે છે, એમ રોગ પણ નવાં નવાં અસ્તિત્વમાં આવતા જાય છે. જો કોઈ એક બે મુદ્દા પર વિશ્વ આખું સંમત થાય તો, પરિસ્થિતિને હજી પણ પહોંચી શકાય. પરંતુ એની માટે દરેક દેશે વસુદેવ કુટુંબની ભાવના મનમાં સ્થિર કરવી પડે, એટલે કે જગત આખાનાં કલ્યાણ માટે જ્યારે વિચારવામાં આવશે, ત્યારે એમાં કંઈક પરિણામ મળશે, અને આવો શુદ્ધ સંકલ્પ લઈને દર વર્ષે g20 નું આયોજન પણ થઈ રહ્યું છે, એક આવકારવા લાયક બાબત છે. આમ પણ માનવી હું કરું નો મોરચો લઈને ગમે તેટલું દોડે એને હાથ કહી આવવાનું નથી, અંતે તો સર્વ શક્તિમાન એ પરમ કૃપાળુ પરમાત્માએ જે વિચાર્યું હશે એ જ થશે, પરંતુ આપણા અને એના વિચારોમાં સામ્યતા રહે, એવાં સૌના કલ્યાણના વિચારો આપણા મનમાં હોવા જોઈએ, અને એ ભાવ આપણે પ્રાર્થના દ્વારા હ્રદયસ્થ કરીશું. 


   ઘણીવાર એવો વિચાર આવે કે નાના હતાં ત્યારે પ્રાર્થના વખતે જે નિખાલસતા આવતી એ હવે નથી આવતી કારણ કે જવાબદારીઓનો ભાર ખભા પર વધી ગયો છે, અને એ અમુક અંશે સાચું પણ છે પરંતુ બીજી રીતે વિચારીએ તો પરિવારની જરૂરિયાતોને પૂરી કરવી એને આપણે જવાબદારી કહેતા હોઈએ છીએ!: તો શું એવું નથી લાગતું કે આપણે જરૂરિયાતો જ એટલી બધી વધારી દીધી છે કે, એને કારણે જ આપણા ખભા નમી રહ્યા છે. વધતી જતી મોંઘવારી તેમજ અન્ય વિકટ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ગાંધીજી જેવું લિવિંગ વિથ લેસ નું સૂત્ર અપનાવવું જોઈએ! બીજાને તો આપણે ન કહી શકીએ કે, કદાચ ન સમજાવી શકીએ, પરંતુ આપણાથી જ શરૂઆત કરીએ, અને ઓછામાં ઓછી જરૂરિયાતને જીવનમાં પ્રાધાન્ય આપીએ, તો બીજું કંઈ થાય કે ન થાય! પરંતુ દિવસે ને દિવસે વિકટ થતી જતી પરિસ્થિતિમાં આપણે આપણું અસ્તિત્વ જરૂર ટકાવી શકીશું. પ્રસન્નતા મેળવવાના અને આનંદ મેળવવાના જિંદગીમાં કેટલા પ્રયત્નો કર્યા, પરંતુ એમાં ધારી સફળતા મળતી નથી, એનું કારણ કદાચ આપણી વધુ પડતી અપેક્ષાઓ કે જરૂરિયાત હોઈ શકે એવું વિચારીને, આપણે સૌ આ વૈશ્વિક શાંતિનાં પ્રશ્ને એક થઈ, અને એકબીજાની ખુશી એકબીજાની પ્રસન્નતા કે એકબીજાના આનંદ ક્યારા માટેનું વિચારી શકીએ એવી એક અન્ય પ્રાર્થના ઈશ્વર ચણી રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


      લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 


બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

મૂર્ધન્ય સાહિત્યકાર કવિશ્રી ઉમાશંકર જોશીનો જન્મદિવસ

  રીપોર્ટ અહેવાલ.... હિરેન પ્રજાપતિ અરવલ્લી સા.કા      આજે કવિ ઉમાશંકર જોશીની આજે ૧૧૩મી જન્મ જયંતી છે. વિશ્વ વિખ્યાત કવિ ઉમાશંકર જોશીનો જન્...