સદગુરુ કૃપા હી કેવલમ
પરિચય ફાલ્ગુની વસાવડા
શીર્ષક- શિવાલયનો મહિમા
જ્યાં તારકાસુર હણાયો તે જગ્યાએ કુમારેશ લિંગની કાર્તિકેયના હાથે વિજયસ્તંભની સ્થાપના થઈ, અને એ જ છે સ્તંભેશ્વરનું લીંગ!
શ્રાવણ અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને લોકો પોતાની ભક્તિની પરાકાષ્ઠાએ શિવને આરાધી રહ્યા છે ગુજરાત ભરમાં વિવિધ સ્થળે શિવાલય આવેલા છે, અને દરેકની કોઈને કોઈ ખાસ લાક્ષણિકતા છે. કોઈનો ઇતિહાસ ત્રેતાયુગ કે દ્વાપર યુગ સાથે જોડાયેલો હોય, તો કોઈનો વિધર્મીઓના આક્રમણથી શિવ પોતે મંદીરની રક્ષા કરી હોય, એવો પણ હોય છે. પરંતુ આજે આપણે એવા શિવાલયની વાત કરવા જઈ રહ્યાં છીએ જ્યારે ભગવાન શિવ શંકર પોતાનો ગૃહસ્થાશ્રમ હજી શરૂ કર્યો ન હતો, એટલે કે સતી જ્યારે દક્ષ યજ્ઞમાં બળીને ભસ્મ થઈ ગયાં, પછી ભગવાન શિવ શંકર સમાધિસ્થ થઈ ગયા હતાં, અને ત્યારે પૃથ્વી પર તાડકાસુર નામના રાક્ષસે પ્રાપ્ત કરી ત્રાસ ફેલાવ્યો હતો, અને તેનો વિનાશ કંઈ રીતે થયો તે આપણે જોઈએ.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા પાસે કંબોઇ ગામ મહીસાગરના દરિયા વચ્ચે દાદાની આ દર્શનલીલા કરાવનાર તીર્થનું નામ છે “ સ્તંભેશ્વર ” કાવી કંબોઈના સ્તંભેશ્વર મહાદેવનું આ શિવલીંગ ગુપ્ત શિવલીંગ છે . આ તીર્થનો ઉલ્લેખ શ્રી મહાશિવપુરાણમાં રૂદ્રસહિતાં ભાગ ૨ અધ્યાય ૧ પાન નં ૩૫૮ ઉપર તથા અઢાર પુરાણોમાંનાં સૌથી મોટા સ્કંદ મહાપુરાણમાં કુમારીકા ખંડમાં વિસ્તારથી વર્ણવેલ છે. સ્કંદ પુરાણ પ્રમાણે પાંચ ગુપ્ત શિવલીંગ છે.જેમાંનું એક સૌરાષ્ટ્રનાં દરીયાકાંઠે ભાવનગર પાસે છે,જે વર્ષમાં એકજ વાર દર્શન આપે છે, બીજુ તે કાવી કંબોઇ મહીસાગરનાં સંગમ કાંઠે બાકીના ત્રણ શિવલીંગ મળ્યા નથી. ચોવીસ કલાકમાં બે વખત દરીયાની ભરતી સાથે આ શિવલિંગ પાણીમાં સમાઈ જાય છે, અને ઓટ થવા સાથે ક્રમશઃ એ શિવલિંગના દર્શન થાય છે, જે દ્રશ્યના તમે સાક્ષી બનશો તો ભાવવિભોર બની જશો. ખાસ કરીને અગિયારસ બારસ તેરસની તિથી એ એક તરફ સૂર્યાસ્ત થતો હોય, અને બીજી તરફ ભરતી ઉતરતી હોય તે સમયે સૂર્ય ડૂબવાની સાથે દરીયાની વચ્ચે મહાદેવનાં શિવલીંગના દર્શન કરતાં ભાવિક ભક્તોને અલૌકિક અનુભૂતિ ન થાય તો જ નવાઈ. ન શિખર , ન મંદિર , ન ધજા , ચાંદનીમાં દરિયાનાં ઉછળતાં મોજા વચ્ચે આવા દર્શન તો ભોળાનાથના ભાવિક ભક્તોને ભક્તિમાં તલ્લીન કરી દે છે. દર્શન પહેલાં શિવલિંગના મહાત્મ્ય વિશે જાણશો તો તમારા દર્શનનું મહત્વ બેવડું થઈ જશે .
શ્રી સ્તંભેશ્વર મહાદેવની પ્રાચીન કથા સ્કંધ પુરાણની કથા પ્રમાણે પરમ શિવભક્ત તારાકાસુરે અતિ લાંબો સમય તપ કરીને “ મને ફક્ત શિવપુત્ર જ અને તે પણ સાત દિવસનો જ મારી શકે, તે સિવાય હું કોઈનાથી પણ ના મરૂં . ”આવું વરદાન માંગવા પાછળનો તારકાસુરનો મૂળ આશય તો અમર થવાનો હતો, કારણ કે શિવજી તો વૈરાગી છે. તેમના લગ્ન સંસાર કે બાળકનો પ્રશ્ન જ નથી, એવું તે વિચાર તો હતો, માટે એવું વરદાન પ્રાપ્ત કરીને ત્રણ લોકમાં ત્રાસ ફેલાવી હાહાકાર મચાવી દીધો. તેમાંથી મુક્તિ શંકર પાર્વતીના પુત્ર દ્વારા તારકાસુરના નાશથી જ થાય. શિવ શક્તિથી શ્વેત પર્વતના કુંડમાં ઉત્પન્ન થયેલા કુમાર જો બે દિવસમાં તારકાસુરને ન મારે તો બીજા કોઈથી તે ક્યારેય ન મરાય તેવી ભયંકર ઘડી આવી પહોંચતા વિષ્ણુ ભગવાને કુમાર કાર્તિકેયજીને તેમના જન્મનો હેતુ સમજાવ્યો. છેવટે બે દિવસમાં એટલે કે સાત દિવસના બાળક કાર્તિકેયે તારકાસુરનો નાશ કરવા તારકાસુરની નગરી એટલે આજના ધુવારણ પાસે આવેલ તારાપુર. આજે પણ ત્યાં તારકાસુરનો ટેકરો હયાત છે. દેવોના સૈન્ય તારકાસુર સાથે અસુર સેનાનો નાશ કર્યો અને વિજય મેળવ્યો . આમ વિજય થવા છતાં કુમાર કાર્તિકેયને તારકાસુર શિવભક્ત હતો, તેના નાશ કર્યાનો ડંખ રહેતો હતો, અને કાર્તિકેય પિતૃ ભક્તની હત્યાનું પ્રાયશ્ચિત કરવા માંગતા હતા.વિષ્ણુ ભગવાને તેમને કહ્યું કે, શિવભક્ત તારકાસુરને મારવો પડ્યો તે બાબતનો શોક દૂર કરવા અખંડ શિવલીંગની સ્થાપના કરો.આમ જ્યાં તારકાસુર હણાયો તે જગ્યાએ કુમારેશ લિંગ તથા વિજયસ્તંભની સ્થાપના કરો.આમ જ્યાં તારકાસુર હણાયો તે જગ્યાએ શિવનંદન કુમાર કાર્તિકેયના હસ્તે કુમારેશ લિંગ સ્તંભેશ્વરની સ્થાપના થઈ . સ્તંભેશ્વર મહાદેવ શિવલીંગની પૂજા કરનાર, સંગમમાં સ્નાન કરી પાપરહિત બની સ્તંભેશ્વરનું અર્ચન ભાવપૂર્વક દર્શન કરી કોઈ ભક્ત મનોકામના યાચે તો તે ભોળાનાથ અવશ્ય પૂર્ણ કરે છે. મનોકામના પૂર્ણ થયા બાદ ભાવિકે માત્ર ફરી પ્રભુના દર્શન કરવા આવવું પડે છે .
સ્તંભેશ્વર તીર્થ મહિસાગર સંગમ પર આવેલું છે , તેનું મહાત્મ્ય પણ અનેરુ છે . શિવ કુમાર સ્વામિ કાર્તિકેયજીને પણ આ તીર્થ અંગે ભગવાન શિવના આર્શિવચન છે, કે વારાણસીમાં જેમ હું વિશ્વનાથ રૂપે છું, તેમ આ ગુપ્ત ક્ષેત્રમાં કુમારેશલીંગમાં રહીશ, અને જો તમે કોઈ એક એક સ્થાનમાં બધા જ તીર્થોનો સંયોગ ચાહતા હોય તો પરમ પૂણ્યમય મહિસાગર સંગમ તીર્થમાં ગુપ્ત ક્ષેત્ર કંબોઈ જાઓ. ધર્મદેવનાં વરદાન પ્રમાણે મહિસાગર સંગમતીર્થ સ્તંભેશ્વર તીર્થની શનિવારની અમાવસ્યા એ સ્નાન તથા યાત્રા કરવાથી પ્રભાસની દસ વાર , પુષ્કરની સાત વાર અને પ્રયાગની આઠ વાર યાત્રા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફક્ત અહીં એક જ વાર સ્નાન યાત્રા કરવાથી આ સર્વે તીર્થક્ષેત્રોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે. સ્તંભેશ્વર તીર્થનું આ કુમારેશ લીંગ ગુપ્ત શિવલીંગ છે, જેનો ખ્યાલ છેલ્લા દોઢ દાયકાથી આવ્યો અને તેનું આજે સ્વામી , વિધાનંદજી જતન કરી રહ્યાં છે. આ તીર્થમાં
દરિયા કાંઠે સંસ્કૃત શિક્ષણનો એક સરાહનીય પ્રયાસ છેલ્લા ઘણા વર્ષથી ચાલી રહ્યો છે. સંસ્કૃત હવે સંસ્કૃતિથી દુર ચાલી ગયેલી ભાષા રહી છે. તેમ છતાં પણ આજે જે મહાકાવ્યોનું અસ્તિત્વ છે, તે સંસ્કૃતને આભારી છે. હવે પછીના પેઢીમાં સંસ્કૃતનું અસ્તિત્વ ટકી રહે તે માટે એક શ્રેષ્ઠ પ્રયાસ કાવી કંબોઈમાં સ્તંભેશ્વર આશ્રમમાં વિધાનંદજી મહારાજ કરી રહ્યાં છે . અહીં સમસ્ત ભારતમાંથી થોડા વિધાર્થીઓ ઋદ્રપાઠ , યોગ વૈદિક સંધ્યા , ત્રિકાળ સંધ્યા , વેદપઠન , જ્યોતિષવિધા , વ્યાકરણ વગેરે શીખી રહ્યા છે જે કાશીના વિદ્વાન આચાર્ય દ્વારા શિક્ષણ અપાઈ રહ્યું છે . આ વિધાર્થીઓ તથા કાશીના વિદ્વાન આચાર્યો દ્વારા યાત્રીકોને પુજા , અર્ચના , અભિષેક , જેવી ધાર્મિક વિધીઓ કરાવે છે. તથા આશ્રમની યજ્ઞશાળામાં પણ હોમાત્મક , પાઠાત્મક , લઘુરુદ્ર તથા દરેક અમાસ ને પૂનમે પિતૃતર્પણનું આયોજન પણ ચીવટ પૂર્વક કરવામાં આવે છે.તો ભાવિક ભક્તો શ્રાવણ મહિનામાં પૂજા, અર્ચના, અભિષેક , દર્શન પ્રદક્ષિણા કરી શિવ પુજાનું પુણ્ય લેવાં માટે પહોંચી જતા હોય છે. પુરાણ પ્રસિદ્ધ સ્તંભેશ્વર તીર્થમાં જ્યાં વિશેષ કરીને દરિયાદેવ જ્યારે શિવલીંગ ઉપર આપોઆપ અભિષેક કરે છે, તે દર્શન મનોહારી હોય છે. આ પૌરાણીક તીર્થના માહાત્મ્યે લઈ ભાવિકોએ જીવનમાં એક વખત દર્શન કરવા જેવા છે . તેમ અહીં દર્શન કરી ધન્યતા અનુભવતાં અનેક ભાવિકોનું કહેવું છે. પણ હા આ સમય પત્રક સાથે રાખજો નહીં તો દાદાના દર્શનને બદલે માત્ર ઘુઘવતા મહીસાગરનાં દર્શનથી જ સંતોષ માનવો પડશે.
સૌરાષ્ટ્રના ભાવનગર પાસે આવેલા કોળીયાક ના દરિયા કિનારે પણ આવું એક ગુપ્ત શીવલીંગ એટલે કે નિષ્કલંક મહાદેવ નું મંદિર છે. જ્યાં નથી ઘુમ્મટ, નથી મંદિર, અને સ્વયં દરિયો તેને અભિષેક કરે છે. સૌરાષ્ટ્રના મોટાભાગના શિવલિંગની સ્થાપના, મહાભારત કાળમાં થયેલી છે, એવું પુરાણોમાં જાણવા મળે છે. કૌરવ-પાંડવો ના કુરુક્ષેત્રમાં મહા ભીષણ યુદ્ધમાં પાંડવોનો વિજય થયો, અને પાંડવોને હાથે પોતાના ભાઇભાંડુઓની હત્યા થઇ, આથી તેઓ મનોમન ઉદ્વિગ્ન રહેતો હતા, અને તેઓ આ કારણસર ભગવાન વેદ વ્યાસ પાસે જાય છે, અને ભગવાન શ્રીકૃષ્ણ પાસે પણ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ તેમને એક કાળી ધજા આપે છે, અને કહે છે કે આ ધજા જ્યાં આગળ સફેદ થઈ જાય ત્યાં આગળ તમારુ પાપ નિષ્કલંક કઈ જશે, અને પાંડવો આ ધજા લઈને ઠેરઠેર ઘૂમે છે. અર્જુનને રોજ શિવની આરાધનાનું વ્રત હોવાથી, જ્યાં જ્યાં રાત્રી રોકાણ કરે છે, ત્યાં પાર્થિવ શિવલિંગની સ્થાપના કરે છે. એમ કરતાં કરતાં તેઓ સૌરાષ્ટ્રના ભાવનગર પાસેના કોળીયાક ગામના દરિયા કિનારે આવે છે, અને ધજાનો રંગ સફેદ થઈ જાય છે. આથી પાંચે ભાઈઓ અહીં પાર્થિવ શિવલિંગની કરે છે, અને ત્યાં આગળ તેમનો કલંક ધોવાઈ ગયું હોવાથી, આ મંદિરને નિષ્કલંક મહાદેવ એવું નામ આપવામાં આવ્યું. દરિયામાં ઓટ હોય, ત્યારે આ મંદિરનાં દર્શને જઈ શકાય છે. દરિયા કિનારાથી અંદર એક કિલોમીટરના અંતરે આ શિવલિંગો આવેલા છે, અને ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધાથી આ શિવલિંગની પૂજા-અર્ચના કરે છે. નિષ્કલંક મહાદેવ મંદિરે શ્રાવણ માસ એટલે કે ભાદરવી અમાસ, અને ઋષિ પાંચમ મેળા નું પણ એક અનોખું મહત્ત્વ છે. બે વરસથી તો કોરોના કાળને કાયદાની ગાઇડ લાઇનને, અનુસરીને મેળાઓ બંધ રખાયા છે. નહીં તો અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉમટી આવે છે. ભગવાનનું સ્થાન મંદિરમાં જે રીતે આલેખ્યું છે, તેમ ભગવાન શિવ શંકરનું એક સ્થાન મંદિર પણ છે, તો આ મન મંદિરમાં તેનો જય ઘોષ થતો રહે, એ માટે થઈને નિત્ય તેના નામ મંત્રનું સ્મરણ કરવું પણ બહુ જરૂરી છે. તો બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.
લી. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)
બાંહેધરી:- આથી હું ફાલ્ગુની વસાવડા ખાતરી આપું છું કે આ લેખ મારું મૌલિક સર્જન છે.જે એ કોઈની નકલ પૂરવાર થાય તો કાનૂની પગલાં ભરવાનો આપને અધિકાર છે.
અમારા વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા અહીં ક્લિક કરો
અવનવી માહિતીઓ, જનરલ નોલેજ, તાજા ખબર, સરકારી કે પ્રાઇવેટ નોકરીઓ વગેરેની માહિતી મેળવવા અહીં ક્લિક કરો


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Please Give your valuable comments and Don't enter spam link in comment box.