‘ઇ’થી ઇશ્વર અને ‘ઇ’થી ઇકોનોમી - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

રવિવાર, 19 એપ્રિલ, 2026

‘ઇ’થી ઇશ્વર અને ‘ઇ’થી ઇકોનોમી

      


     એક ક્ષણ માટે કલ્પના કરો કે જો અયોધ્યામાં રામ ન હોત, વારાણસીમાં વિશ્વનાથ ન હોત, તિરુપતિમાં બાલાજી, શિરડીમાં સાંઈબાબા, પુરીમાં જગન્નાથ કે દ્વારિકામાં દ્વારિકાધીશ ન હોત, તો શું આજે જે ભવ્યતા અને સમૃદ્ધિ ત્યાંના કણ-કણમાં દેખાય છે એ શક્ય હોત? કદાચ એ શહેરોએ જીવવા માટે બીજા રસ્તા શોધ્યા હોત, પણ આજે જે લક્ષ્મીનો અઢળક પ્રવાહ ત્યાં વહી રહ્યો છે, એ તો ક્યારેય ન હોત. 

અહીં વાત મંદિરોની દાનપેટીમાં જમા થતી સંપત્તિની નથી, પણ એ મંદિરની બહાર ફૂલની છાબડી લઈને બેસતા શ્રદ્ધાળુની, રિક્ષા અને ટેક્સી દોડાવતા ડ્રાઈવરની, ગરમાગરમ પ્રસાદ પીરસતા ભોજનાલયોની અને એ નાનકડી દુકાન ચલાવતા વેપારીની છે જેનું ઘર માત્ર એક મંદિરના ભરોસે નભે છે. સાચું પૂછો તો, ભારતની આસ્થા એ માત્ર મોક્ષનો માર્ગ નથી, પણ કરોડો પરિવારોની રોજીરોટીનું જીવંત 'ગ્રોથ એન્જિન' છે.

આજે જ્યારે ભારત વિશ્વની આર્થિક મહાસત્તા બનવા જઈ રહ્યું છે, ત્યારે 'ટેમ્પલ ઇકોનોમી' એ દેશના વિકાસનું સૌથી મજબૂત પૈડું સાબિત થયું છે. આંકડાઓની સાક્ષીએ જોઈએ તો ભારતમાં થતા કુલ ઘરેલું પ્રવાસનમાં ૬૦% થી વધુ હિસ્સો ધાર્મિક યાત્રાઓનો છે. વર્ષ ૨૦૨૨માં ભારતની અર્થવ્યવસ્થામાં માત્ર આ ક્ષેત્રનું યોગદાન ₹૧.૩૪ લાખ કરોડનું હતું, જે દિવસે ને દિવસે વધી રહ્યું છે.

જ્યારે એક ભક્ત હૃદયમાં શ્રદ્ધા લઈને યાત્રાએ નીકળે છે, ત્યારે તે પોતાના પગલે સ્થાનિક બજારોને ગતિમાન કરે છે. કાશી વિશ્વનાથ કોરિડોરના નિર્માણ પછી વારાણસીમાં જે આર્થિક તેજી આવી છે તે જગત જોઈ રહ્યું છે. આજે ત્યાંના નાવિકોથી લઈને હસ્તકલાના કારીગરો સુધી, દરેક વ્યક્તિ સમૃદ્ધિનો અનુભવ કરી રહ્યો છે. માત્ર રામમંદિરના નિર્માણ પછી જે રીતે અયોધ્યામાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે, તે જોઈને નેપાળ પણ માતા જાનકીનું ભવ્ય મંદિર બનાવીને 'ભક્તિમય પર્યટન'ના પાયા પર પોતાની અર્થવ્યવસ્થા મજબૂત કરવાની વાત કરી રહ્યું છે.

આ મંદિરો માત્ર પથ્થરની ઇમારતો નથી, પણ વાર-તહેવારે લાખો લોકોને એક તાંતણે બાંધતું મજબૂત માધ્યમ છે. આ આસ્થાના કારણે જ પરિવહન, હોટલ અને એરપોર્ટ જેવા ક્ષેત્રોમાં વિકાસની નવી ક્ષિતિજો ખૂલે છે. રેલવે સ્ટેશનથી લઈને હાઈવે પરના નાના ઢાબા સુધી, શ્રદ્ધાનો આ પ્રવાહ અર્થતંત્રમાં સમૃદ્ધિનું પૂર લાવી રહ્યો છે. ધાર્મિક સ્થળોએ યોજાતા પ્રસંગો, મેળાઓ, હવન અને પૂજા વિધિઓ જે આપણને સામાન્ય લાગે છે, પરંતુ તે આજે ભારતના 'સસ્ટેનેબલ ડેવલપમેન્ટ' (ટકાઉ વિકાસ) ના મુખ્ય આધારસ્તંભો બની રહ્યા છે.

નિષ્ણાતોના અનુમાન મુજબ, ૨૦૩૦ સુધીમાં આ આધ્યાત્મિક પર્યટન ક્ષેત્ર ૧૦ થી ૧૪ કરોડ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. આમ, ઇશ્વર પરોક્ષ રીતે ઇકોનોમીમાં પોતાનો આશીર્વાદ આપી જ રહ્યા છે. એટલે જ કહેવાય છે કે જ્યાં નિર્મળ શ્રદ્ધા હોય ત્યાં લક્ષ્મીનો વાસ અચૂક હોય છે. જ્યારે માનવ સેવા અને પ્રભુ ભક્તિ એકાકાર થાય છે, ત્યારે માત્ર હૃદય જ નહીં, પણ આખું રાષ્ટ્ર ખરા અર્થમાં સમૃદ્ધ બને છે.

પાર્થ પ્રજાપતિ 

(વિચારોનું વિશ્લેષણ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

‘ઇ’થી ઇશ્વર અને ‘ઇ’થી ઇકોનોમી

             એક ક્ષણ માટે કલ્પના કરો કે જો અયોધ્યામાં રામ ન હોત, વારાણસીમાં વિશ્વનાથ ન હોત, તિરુપતિમાં બાલાજી, શિરડીમાં સાંઈબાબા, પુરીમાં જગ...