નવરાત્રી સ્પેશિયલ - ફાલ્ગુની વસાવડા - વિચારોનું વિશ્લેષણ

વિચારોનું વિશ્લેષણ

સોમવાર, 16 ઑક્ટોબર, 2023

નવરાત્રી સ્પેશિયલ - ફાલ્ગુની વસાવડા

સદગુરુ કૃપા હી કેવલમ

પરિચય- ફાલ્ગુની વસાવડા

શીર્ષક- નવરાત્રી સ્પેશિયલ


છિદ્રાળી માનસિકતાના પ્રતિક રૂપે ગરબાનું સ્થાપન કરવામા આવે છે, અને મા ને કહીએ છીએ કે અમે તો આવાં છીએ! પણ તું એમાં સકારાત્મક ઊર્જાનો પ્રકાશ કરી અમને આ દીપક જેમ પ્રકાશિત કરી દે! 


હે મા જગત જનની.

                      આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ઓચિંતી આંગણામાં આવી અલબેલડી અંબા ના સ્વાગત હું શા શા કરું!! એ ગરબાથી બધાંએ મા દુર્ગાના વધામણા કર્યા, અને મા નવદુર્ગા સાક્ષાત આવ્યા હોય એમ સૌનું મન ભર્યું ભર્યું થયું. આજે બીજું નોરતું! અને આમ એક પછી એક નોરતાં એ આપણી ભક્તિ દ્રઢ બનશે. દુનિયાભરમાં કેટલીય સંસ્કૃતિ આવીને ગઈ અને હાલમાં અસ્તિત્વમાં પણ છે. પરંતુ "સીદી બાઈને સીદકા વ્હાલાં" એમ આપણને તો આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ જ ગમે! અને ગમવા પાછળ ઘણાં કારણો છે. પરંતુ મુખ્ય કારણ કોઈ હોય તો એ છે સાકર અને નિરાકાર બ્રહ્મની ઉપાસના. પણ આપણે રહ્યા સંસારી એટલે નિરાકાર બ્રહ્મનું ધ્યાન આપણાથી કેમ લાગે! એટલે કોઈ નિશ્ચિત સ્વરૂપની સ્થાપના કરી એની સીધીસાદી પૂજા અર્ચના કરી આપણે સંન્યાસી જેટલું જ એનું સામીપ્ય અને સાનિધ્ય પામી શકીએ છીએ. આસો નવરાત્રીમાં મા નવદુર્ગા રાસ રમવા અવની પર આવે છે, એવી એક દ્રઢ માન્યતા ને કારણે આપણે ત્યાં શેરીએ શેરીએ મા ની ગરબીની સ્થાપના કરવામાં આવે છે. આ ઉપરાંત લગભગ બધા પોતાના ઘરે પણ મા નવદુર્ગા ના પ્રતિક સમાન ગરબાનું સ્થાપન કરે છે. 


   દરેક વાતમાં વૈવિધ્ય એ આધુનિક યુગની ખાસિયત છે, અને એને કારણે બજારમાં જાતજાતના ગરબા હવે ઉપલબ્ધ થાય છે. પણ મૂળમાં ગરબો સ્થાપન કરવાનું મુખ્ય કારણ એ છે કે ગરબો એટલે છિદ્ર વાળો ઘટ, એ રીતે જોઈએ તો પરમાત્મા અને પરમ શક્તિની અનુકંપાથી આપણે પણ આ નવ નવ છિદ્રધારી છીએ તેમજ ત્વચા તો અધધધધ.. છિદ્ર દેહ સાથે આ અલબેલી અવની પર આવ્યા છીએ, અને એણે તો અહીં સૌ સમાન છે, અને બધા હળીમળીને એકબીજા સાથે આનંદથી રહેશે એવું વિચારી જન્માવ્યાં પણ અફસોસ એ છે કે આપણે એમ જીવી ન શક્યાં! અને જે અણમોલ માનવ જીવન આપણને મળ્યું છે, એનો આપણે સંતોષ ન કરી શક્યા! ટૂંકમાં આપણી છિદ્રાળી માનસિકતાના પ્રતિક રૂપે આપણે ગરબાનું સ્થાપન કરીએ છીએ, અને મા ને કહીએ છીએ કે અમે તો આવાં ઘડીકમાં નંદવાઈ જંઈએ કે ફૂટી જાય એવાં છીએ, પણ તું એમાં સાત્વિક શુદ્ધ અને સકારાત્મક ઊર્જાનો પ્રકાશ કરી અમને આ દીપક જેમ પ્રકાશિત કરી દે! કંઇ કેટલીય ભૂલો કરી! ઉપરાંત પરમાત્માની વિભૂતિ છે એ મનને આ જુવે છે તે જુવે છે! મારી પાસે તો તો ફૂટી કોડી નથી, અને પેલા પાસે લાખ છે! અને આવી હુંસાતુંસીમાં પછી નિર્મળ મનમાં ઈર્ષા, નિંદા, દ્વેષ, અહંકાર અને ન જાણે કેટલુંય સંઘર્યું, અને મલિન કરી નાખ્યું! અને દરેક પાસે એક જ જવાબ કાળની બલિહારી છે! અને સાચે રુપિયાની એટલી બોલબાલા છે કે, લોકોનાં અંગત સંબંધોમાં પણ લાગણી પ્રેમ હુંફની બદલે સ્વાર્થનું દૂષણ વધી ગયું છે! આશ્ચર્યની વાત તો ત્યાં છે કે એકવાર મેળવી લીધાં પછી પણ કોઈ ધરાતાં નથી! અને એટલે સૌના જીવન મંગલ તેમજ ધન ઐશ્વર્ય માટે આપણે આ વખતે કનકધારા સ્તોત્ર નો સહારો લીધો છે.


** કનકધારા સ્તોત્ર**


કાલાંબુદાળિ લલિતોરસિ કૈટભારેઃ 

ધારાધરે સ્ફુરતિ યા તટિદંગનેવ |

માતુસ્સમસ્તજગતાં મહનીયમૂર્તિઃ 

ભદ્રાણિ મે દિશતુ ભાર્ગવનંદના યાઃ || 5 ||


જેવી રીતે ઘટાટોપ વાદળોમાં વીજળી ઝબૂકે છે તેવી રીતે કૈટભ દૈત્યના શત્રુ શ્રી વિષ્ણુ ભગવાનની કાળી મેઘ-માળા સમાન મનોહર વક્ષસ્થળ ઉપર વિદ્યુત સમાન દેદીપ્યમાન દેખાય છે, તેવી જે સમસ્ત લોકોની માતા, ભાર્ગવ પુત્રી ભગવતી શ્રી લક્ષ્મીની પૂજનીય મૂર્તિ મને કલ્યાણ પ્રદાન કરે.


પ્રાપ્તં પદં પ્રથમતઃ ખલુ યત્પ્રભાવાત 

માંગલ્યભાજિ મધુમાથિનિ મન્મથેન |

મય્યાપતેત્તદિહ મંથરમીક્ષણાર્થં 

મંદાલસં ચ મકરાલય કન્યકા યાઃ || 6 ||


સમુદ્ર કન્યા લક્ષ્મીની એ મદાલસ, મન્થર, અર્ધમિચેલી ચંચળ દૃષ્ટિના પ્રભાવથી કામદેવે મંગલમૂર્તિ ભગવાન મધુસૂદનના હૃદયમાં અત્યંત પ્રભાવશાળી સ્થાન પ્રાપ્ત કર્યું હતું, એ જ દૅષ્ટિ અહીં મારા ઉપર પડે.


વિશ્વામરેંદ્ર પદ વિભ્રમ દાનદક્ષમ 

આનંદહેતુરધિકં મુરવિદ્વિષો‌ઙપિ |

ઈષન્નિષીદતુ મયિ ક્ષણમીક્ષણાર્થં

ઇંદીવરોદર સહોદરમિંદિરા યાઃ || 7 ||



જે ભગવાન મધુસૂદનના કૌસ્તુભમણિથી વિભૂષિત ક્ષઃસ્થળમાં ઈન્દ્રનીલમથી હારાવલીની જેમ સુશોભિત હોય છે તથા ભગવાનના પણ ચિત્તમાં કામ એટલે કે સ્નેહનો સંચાર કરનારી છે, તે કમળકુંજ નિવાસી લક્ષ્મીની કટાક્ષમાળા મારું મંગળ કરે.



ઇષ્ટા વિશિષ્ટમતયોપિ યયા દયાર્દ્ર 

દૃષ્ટ્યા ત્રિવિષ્ટપપદં સુલભં લભંતે |

દૃષ્ટિઃ પ્રહૃષ્ટ કમલોદર દીપ્તિરિષ્ટાં 

પુષ્ટિં કૃષીષ્ટ મમ પુષ્કર વિષ્ટરા યાઃ || 8 ||



ભગવાન નારાયણની પ્રેમિકા લક્ષ્મીના નેત્રરૂપી મેધ, દવારૂપી અનુકૂળ વાયુથી પ્રેરિત બની દુષ્કર્મ કે કુકર્મ રૂપી ધામને દીર્ઘકાળ સુધી દૂર ખસેડી વિષાદગ્રસ્ત મુજ દીન-દુ:ખી, ચાતક સમાન ઉપર ધનરૂપી ધારાની વર્ષા કરો.



     આપણે ગઈકાલે કનકધારા સ્તોત્ર વિશે લખ્યું ત્યારે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ સ્તોત્રની રચના ભગવાન આદિદેવ જગતગુરુ શંકરાચાર્યએ કરી છે, અને આપણે સૌ જાણીએ છીએ કે એ સંન્યાસી હતાં. એટલે કે એમને પોતાના જીવન નિર્વાહ માટે કોઈ ધન એશ્વર્યાની જરૂર નહોતી, એ તો ભિક્ષા માગીને જ જીવન વિતાવતા હતાં. પરંતુ ગૃહસ્થની ગરીબી જોઈએ એમના અંતરમાં કારુણ્ય ભાવ ઉત્પન્ન થયો, અને એમણે એ ગૃહસ્થની ગરીબી દૂર કરવા માટે આ સ્તોત્રની રચના કરી. એટલે આપણે જો ધનવાન થવું હોય તો અન્ય માટે ધનની માંગ કરવી પડે! પણ આપણી માનસિકતા તો દિવસે ને દિવસે અન્યનું છીનવી લેવાની થતી જાય છે, એટલે આવો ભાવ ક્યાંથી આવે! પણ જો આવે તો ધનવાન થવું કંઈ અઘરું નથી, અને બીજી રીતે જોઈએ તો સંન્યાસી જેવું જીવન બનાવવું પડે, ત્યારે લક્ષ્મી સંન્યાસીની ઈચ્છા પ્રમાણે ધનની વરસા કરે! સન્યાસી થવું એટલે ભગવા પહેરીને જંગલમાં નીકળી પડવું, એવો અર્થ બિલકુલ નથી! એ સૌ સંન્યાસીઓએ આપણા જીવનમાં માર્ગદર્શન પૂરું પાડી શકે, એટલે પોતાના જીવન ઈશ્વર તત્વની ખોજમાં વિટાવી દીધાં, અને નગદ પરિણામ હાથ લાગતા એમણે સંસારીઓ પણ ઈશ્વર તત્વને પામી શકે એવા સીધાસાદા સૂત્રો આપણી માટે શોધ્યા. બેશક કોઈ ગરીબની અત્યંત ગરીબીને જોઈને અંતરમાં કરુણાના ભાવ તો આજે આપણને પણ થાય છે, પણ એની માટે આપણી પાસે જે કંઈ છે, એમાંથી ત્યાગ થતો નથી, અને થાય તો પણ કરવો જોઈએ અથવા તો આપણી હેસિયત છે, એટલો થતો નથી, અને એની માટે, માત્ર ને માત્ર સ્વાર્થ અને સ્વાદ આ બે જ જવાબદાર છે. આપણી માનસિકતા સ્વની આસપાસ કેન્દ્રિત થઈ ગઈ, એને પરિણામે જ આપણે નિત્ય સંન્યાસી જેમ જીવી શકતા નથી. જો જીવી શકીએ તો બે રીતે ફાયદો છે, એક તો વસ્તુના અભાવાનો અસંતોષ મટી જાય, કારણકે અભાવાનો ભાવ કરવા જેટલી ખરાબ આપણી પરિસ્થિતિ નથી, અને બીજું મારી પાસે જે કંઈ છે તે મારું એકલાનું નથી, આમાં બીજાના પ્રારબ્ધ પણ જોડાયેલા છે, એમ સમજી સૌમાં વહેંચવામાં આવે. આપણે ત્યાં સાધુ સંતો મહંતો કે જે લોકો ભિક્ષા દ્વારા પોતાનો જીવન નિર્વાહ કરે છે એ ભિક્ષામાંથી પણ ભાગ કાઢતા હોય છે એટલે કે પોતાની માટે તો ધન એશ્વર્યની ક્યારેય કામના કરતાં નથી, પરંતુ જે કંઈ ભિક્ષા રૂપે મળ્યું છે એમાંથી પણ ભૂતયજ્ઞ એટલે પ્રાણીઓનો ભાગ કાઢી પછી જ આરોગતા હોય છે. ભગવાન આદિદેવ શંકરાચાર્યએ આ સ્તોત્રની રચના કરી આપણને માત્ર ધનવાન બનવાનો માર્ગ નથી બતાવ્યો, પરંતુ અન્ય માટે આમ કરુણા કરવી એવો માર્ગ પણ ચીધ્યો છે, એ વાત યાદ રાખી આપણે સૌ આપણી ધન સંપત્તિનો ઉપયોગ કરી, અને એમની જેમ જગત કલ્યાણનું વિચારી શકીએ, એવી એક પ્રાર્થના મા જગતજનની જગદંબા ભગવતીના ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.


   લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Please Give your valuable comments and Don't enter spam link in comment box.

આ મોબાઇલે તો ભારે કરી!

     જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો પણ દૂર હોય તો આપણને બેચેની જેવું લાગ્યાં કરે છે, એ મોબાઇલ હવે લોકોને મનોરંજનની ...